IPL 2020: RCB vs MI: કોહલી સામે રોહિતનો વિરાટ પડકાર

Published: 28th September, 2020 07:14 IST | Dinesh Savaliya | Abu Dhabi

બૅન્ગલોરે છેલ્લી મૅચમાં પંજાબ સામેની મસમોટી હારના આઘાતને ભુલાવીને ચૅમ્પિયન મુંબઈ સામે લડવાની કપરી કામગીરી માટે સેનાને તૈયાર કરવાની છે: ગયા વર્ષે બન્ને મુકાબલા સહિત કુલ ૨૭માંથી ૧૮ જીતીને મુંબઈ હંમેશાં હાવી રહ્યું છે.

રોહિત અને વિરાટ
રોહિત અને વિરાટ

આજે આઇપીએલમાં ભારતીય ક્રિકેટના બે બળિયા બાથે ભીડશે. ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર આજે વાઇસ કૅપ્ટન રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ સામે દુબઈમાં ટકરાશે. આઇપીએલમાં કૅપ્ટન પર વાઇસ કૅપ્ટન ભારે પડી રહ્યો છે. રોહિતસેના સૌથી વધુ ચાર-ચાર વાર ચૅમ્પિયન બની છે, જ્યારે વિરાટના વીરો ત્રણ-ત્રણ ફાઇનલ-પ્રવેશ છતાં એક પણ વાર આઇપીએલ ટ્રોફી જીતી નથી શક્યા.

મુંબઈએ એના પહેલા મુકાબલામાં ચેન્નઈ સામે હારીને સીઝનની શરૂઆત કર્યા બાદ કલકત્તા સામે ૪૯ રનથી શાનદાર જીત સાથે કમબૅક કરીને લય મેળવી લીધો છે. જ્યારે બૅન્ગલોર પહેલા જંગમાં હૈદરાબાદને હરાવીને સૉલિડ શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ ૯૭ રનની મસમોટી હારથી પંજાબના પાવર સામે દબાઈ ગયા હતા. ‌

પેસ બોલરોની ‌ચિંતા બૅન્ગલોરને

બૅન્ગલોરનો પેસ-અટૅક હજી સુધી પાવર નથી બતાવી શક્યો અને આજે મુંબઈના હાર્ડ-હિટરો સામે તેમને એની જ વધુ ‌ચિંતા છે. ઉમેશ યાદવ, નવદીપ સૈની અને ડેલ સ્ટેન દિલ ખોલીને રન આપી રહ્યા છે. બૅન્ગલોર આજે કદાચ ઉમેશને બહાર બેસાડીને મોહમ્મદ સિરાજને મોકો આપી શકે છે. યુઝવેન્દ્ર ચહલ આખા બૉલિંગ-અટૅકનો ભાર પોતાના પર લઈ રહ્યો છે અને વૉ‌શિંગ્ટન સુંદર તેને યોગ્ય સાથ આપી રહ્યો છે. બૅટ્સમેનોમાં પહેલી મૅચમાં યુવા દેવદત્ત પડિક્કલે હાફ સેન્ચુરી ફટકારી હતી, પણ પંજાબ સામે તે નહોતો ચાલ્યો. ફિન્ચ અને અે. બી. ડિવિલયર્સ ફૉર્મ બતાવી રહ્યા છે. વિરાટ બૅટિંગ અને ફીલ્ડિંગ બન્નેમાં આઉટ ઑફ ફૉર્મ છે. પંજાબ સામે વિરાટે રાહુલના બે આસાન કૅચ છોડીને મૅચ ગુમાવી હતી. શિવમ દુબ બોલિંગમાં અસરકારક છે, પણ બૅટિંગમાં તે હજી ચાલ્યો નથી. ક્રિસ મૉરિસ જો ફિટ હશે તો તે અને મોઇન અલી કદાચ જોશુઆ ફિલિપ અને ડેલ સ્ટેનનું સ્થાન લેશે.

મુંબઈમાં ફેરફારની શક્યતા નહીંવત્

મુંબઈ આજે કદાચ તેની વિનિંગ ટીમ જાળવી રાખી શકે છે. બદલાવના મૂડમાં હશે તો ક્લિન્ટન ‌ડિકૉકને ડ્રૉપ કરીને ક્રિસ લીનને લઈ શકે છે. વિકેટકીપર તરીકે ઈશાન કિશનને મોકો આપીને સૌરભ તિવારીને બહાર બેસાડી શકે છે. બૅટિંગ સાઇડ વધુ મજબૂત કરવા નૅથન કૉલ્ટર-નાઇલને જેમ્સ પૅટિનસનના સ્થાને લેવાનો વિચાર થઈ શકે છે.

વિરાટ ફ્લૉપ, રોહિત હિટ

વિરાટે હજી સુધી બોલિંગ કે ફીલ્ડિંગમાં કશે તેનો ટચ નથી બતાવ્યો, પણ રોહિત શર્માએ પહેલી મૅચમાં સાધારણ શરૂઆત કર્યા બાદ કલકત્તા સામે મન મૂકીને રનનો વરસાદ કર્યો હતો અને એમાં મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. આમ વિરાટ કોહલી ટીમ અને પોતાના ફૉર્મને લીધે ડબલ પ્રેશરમાં હશે. એ ઉપરાંત સુનીલ ગાવસકરે કરેલી કમેન્ટને લીધે થયેલા વિવાદથી અને તેની પ્રેગ્નન્ટ પત્ની અનુષ્કા શર્માની નારાજગીથી પણ ડિસ્ટર્બ હશે.

બન્ને વચ્ચેના જંગના ચાર સ્ટાર

હાલ ખેલાડીની વાત કરીએ તો કિરોન પોલાર્ડે બૅન્ગલોર સામે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે ૨૦ ઇનિંગ્સમાં ૧૫૯.૭૯ના સ્ટ્રાઇક રેટથી ૪૭૩ રન બનાવ્યા છે, જ્યારે બૅન્ગલોર વતી સૌથી વધુ વિરાટે મુંબઈ સામે ૨૫ મૅચમાં ૬૨૫ રન બનાવ્યા છે. બોલરોમાં જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ છે ટૉપમાં. બુમરાહે બૅન્ગલોર સામે ૧૩ મૅચમાં ૧૬ અને ચહલે પણ એના કરતાં બે મૅચ ઓછી રમીને એટલી જ વિકેટ લીધી છે.

મુંબઈ છે ડબલ ભારે

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં કુલ ૨૭ ટક્કર થઈ છે, જેમાંથી નવમાં બૅન્ગલોરનો અને એનાથી ડબલ ૧૮માં મુંબઈનો વિજય થયો છે. ગઈ સીઝનમાં મુંબઈ પૉઇન્ટ-ટેબલ પર ટૉપમાં રહીને ચૅમ્પિયન બન્યું હતું, જ્યારે બૅન્ગલોર આઠમી બૉટમમાં રહ્યું હતું. ગયા વર્ષે બૅન્ગલોર સામેના બન્ને મુકાબલામાં મુંબઈનો વિજય થયો હતો. જોકે ૨૦૧૪માં દુબઈમાં બન્ને ટીમની ટક્કરમાં બૅન્ગલોરે મુંબઈને ૭ વિકેટે પરાસ્ત કર્યું હતું.

આઇપીએલમાં ૫૦૦૦ રન પૂરા કરવા માટે રોહિતને વધુ આટલા 10ની જરૂર છે, જ્યારે સિક્સરની ડબલ સેન્ચુરીથી વિરાટ આટલી સિક્સર દૂર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK