IPL 2020: જીતથી જોશમાં આવી ગયેલા રાજસ્થાનને જીતવું છે દિલ્હી

Published: 14th October, 2020 15:11 IST | PTI | Dubai

હૈદરાબાદ સામેની રોમાંચક જીતથી કૉન્ફિડન્ટથી છલોછલ સ્મિથસેનાએ આજે વધુ એક કમાલ કરીને પહેલી ટક્કરની હારનો બદલો લેવો છેઃ દિલ્હી ફરી ટૉપમાં પહોંચવા આતુર

 ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે ટક્કર જામવાની છે
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે ટક્કર જામવાની છે

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે ટક્કર જામવાની છે. દિલ્હી ગઈ સીઝનની જેમ આ વખતે પણ ફૉર્મમાં છે અને સાતમાંથી પાંચ જીત સાથે પૉઇન્ટ-ટેબલ પર બીજા નંબરે છે, જ્યારે રાજસ્થાન ૭માંથી ૩ જીત સાથે છઠ્ઠા નંબરે છે.
રાજસ્થાન પ્રથમ બે જીત સાથે શાનદાર શરૂઆત કર્યા બાદ સતત ૪ મૅચ હારીને નાસીપાસ થઈ ગયું છે, પણ રવિવારે હૈદરાબાદ સામે કમાલની જીત મળવાથી તેમનો કૉન્ફિડન્સ વધી ગયો છે તેમજ બેસ્ટ ઑલરાઉન્ડર બેન સ્ટોક્સના સમાવેશથી પણ ટીમમાં જોશ આવી ગયું છે અને આજે એ દિલ્હી સામે બદલો લેવા આતુર છે. આ સીઝનમાં બન્ને વચ્ચેની પહેલી ટક્કરમાં દિલ્હીઅે રાજસ્થાનને ૪૬ રનથી પરાજિત કર્યું હતું. બીજી તરફ દિલ્હી શાનદાર ફૉર્મમાં છે. જોકે છેલ્લી મૅચમાં મુંબઈ સામેના પરાજયને લીધે તેમણે નંબર-વન પરથી ઊતરવું પડ્યું હતુ. આજે ફરી જીતના રાહ પર વાપસી કરીને દિલ્હી ટૉપમાં પહોંચવા મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં ઊતરશે.
સ્ટૉઇનિસ વર્સસ સ્ટોક્સ
દિલ્હી અને રાજસ્થાનના પાછલા મુકાબલામાં માર્ક્સ સ્ટૉઇનિસે રાજસ્થાનને ઘણું હેરાન કર્યું હતું. તેણે ૩૦ બૉલમાં ૩૯ રન કરવાની સાથે બે ઓવરમાં ૧૭ રન આપીને બે વિકેટ લીધી હતી. સ્ટૉઇનિસનો તોડ કાઢવા રાજસ્થાન પાસે આ વખતે સુપર ઑલરાઉન્ડર સ્ટોક્સ છે. આમ આજે સ્ટૉઇનિસ અને સ્ટોક્સની ટક્કર મૅચને વધુ રોમાંચક બનાવશે.
દિલ્હીનો ટૉપ ઑર્ડર ફૉર્મમાં
રાજસ્થાનની સરખામણીમાં દિલ્હીની બૅટિંગ લાઇનઅપ ઘણી દમદાર છે. પાછલી મૅચમાં શિખર ધવને નાબાદ ૬૯ રન સાથે ફૉર્મ મેળવી લીધું હતું. પૃથ્વી શૉ અને કૅપ્ટન શ્રેયસ ઐયર ફૉર્મમાં છે. સ્ટૉઇનિસ ફિનિશિંગ પંચ બરાબર મારી રહ્યો છે. જોકે દિલ્હીને વિકેટકીપર બૅટ્સમૅન રિષભ પંતની કમી મહેસૂસ થશે. દિલ્હી પાસે બીજો ભારતીય વિકેટકીપર ન હોવાથી ઑસ્ટ્રેલિયન ઍલેક્સ કૅરીને રમાડવો પડે છે અને એને લીધે શિમરન હૅટમાયરને બહાર બેસાડવો પડે છે. બીજી તરફ રાજસ્થાન કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને સંજુ સૅમસનના છેલ્લી ચારેક મૅચથી નબળા ફૉર્મથી પરેશાન છે. ઓપનર જોશ બટલર અને યશશ્વી જયસ્વાલ ધીમે-ધીમે ખીલી રહ્યા છે.
બોલિંગમાં પણ દિલ્હીનો દબદબો
દિલ્હી કૅપિટલ્સનો કૅગિસો રબાડા ૧૭ વિકેટ સાથે શાનથી પર્પલ કૅપ ધારણ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકન પેસર એનરિચ નોર્ટજે (૮ વિકેટ) અને હર્ષલ પટેલ રબાડાને યોગ્ય સપોર્ટ આપી રહ્યા છે. રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ પોતાની કમાલ દાખવી રહ્યા છે. જરૂર પડે ત્યારે સ્ટૉઇનિસ તૈયાર જ હોય છે, જ્યારે રાજસ્થાન વતી જોફ્રા આર્ચર અને શ્રેયસ ગોપાલ મહદંશે સફળ છે. જયદેવ ઉનડકટે હૈદરાબાદ સામે સારું કમબૅક રકર્યું હતું.

પંતની જગ્યાએ લલિત યાદવ?

વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત ઇન્જરીને લીધે કદાચ ૮થી ૧૦ દિવસ નથી રમી શકવાનો. પંતની ઇન્જરીઅે દિલ્હીનું ટીમ-બૅલૅન્સ બગાડી નાખ્યું છે અને અેને જ લીધે મુંબઈ સામે પરાજય જોવો પડ્યો હતો. પંત આઉટ થતાં દિલ્હીઅે અૅલેક્સ કૅરીને રમાડવા શિમરન હૅટમાયરને બહાર કરવો પડ્યો હતો. હવે દિલ્હી બીજા ઑપ્શન તરીકે બિનઅનુભવી લલિત યાદવને રમાડવાનું વિચારે છે. જોકે બિગ હિટર લલિત યાદવને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વિકેટકીપિંગનો અનુભવ ન હોવાથી એ એક મોટું જોખમ બની રહેશે. દિલ્હી મિડ-સીઝન ટ્રાન્સફરમાં અન્ય ટીમો ખાસ કરીને રાજસ્થાનમાં વિકલ્પ તપાસી રહી છે.

રાજસ્થાનના કૅપ્ટન સ્મિથની આજે 200મી ટી૨૦ મૅચ છે. સ્મિથે ૧૯૯ મૅચમાં કુલ ૪૨૦૭ રન બનાવ્યા છે. ઉપરાંત તેને આઇપીઅેલમાં ૧૦૦૦ રન પૂરા કરવા માટે વધુ ૭૯ રનની જરૂર છે.

વધુ 5 રન સાથે દિલ્હીનો શિખર ધવન ટી૨૦ ક્રિકેટમાં ૭૫૦૦ રન પૂરા કરી લેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK