IPL 2020: CSK vs RR: સુપર ચેન્નઈ સામે સ્ટ્રગલિંગ રાજસ્થાન

Published: 22nd September, 2020 07:42 IST | Gujarati Mid-day Correspondent | Sharjah

મુંબઈને હરાવીને શાનદાર શરૂઆત કરનાર ધોનીસેના આજે ફિટ થઈને મેદાનમાં આવી ગયેલા કૅપ્ટન સ્ટીવન સ્મિથની ન્યુ લુક ટીમ સામે ટકરાશે

સ્મિથ
સ્મિથ

આજે આઇપીએલની ૧૩મી સીઝનની શારજાહમાં રમાનારી પહેલી મૅચમાં બે ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમની ટક્કર જોવા મળવાની છે. ૨૦૦૮ની પહેલી સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ શેન વૉર્નના નેતૃત્વમાં વિજેતા બની હતી, જ્યારે કરિશ્માઈ લીડર મહેન્દ્ર સિંહ ધોનીની સેના ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮માં ચૅમ્પિયન બની હતી. જોકે ચેન્નઈ દર વર્ષની માફક આ વખતે પણ ચૅમ્પિયન બનવા માટે હૉટ ફૅવરિટ છે અને પહેલી મૅચમાં મુંબઈ જેવી ગયા વર્ષની વિજેતા ટીમને હરાવીને દમદાર શરૂઆત પણ કરી છે. રાજસ્થાનની આજે આ સીઝનની પહેલી જ મૅચ છે અને છેલ્લાં થોડાં વર્ષમાં ટીમનો પર્ફોર્મન્સ સાતત્યભર્યો નથી રહ્યો.

રાજસ્થાનને રાહત, સ્મિથ ફિટ

ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ દરમ્યાન માથામાં ઇન્જરીને લીધે વન-ડે સિરીઝમાં નહોતો રમી શક્યો અને આઇપીએલમાં શરૂઆતની મૅચો માટે તેના રમવા વિશે શંકા વ્યક્ત કરવામાં આવતી હતી. જોકે સ્મિથ ફિટ થતાં રાજસ્થાન ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. ક્વૉરન્ટીનને કારણે બટલર આજે રમી શકે એમ નથી અને બેન સ્ટોક્સ પપ્પાની સારવારમાં વ્યસ્ત હોવાથી ટીમ સાથે જોડાયો નથી.

ઋતુરાજ ગાયકવાડ કોરોનામુક્ત

બે-બે કોવિડ-ટેસ્ટમાં ફેલ રહ્યા બાદ આખરે કોરોનાને માત આપીને ચેન્નઈનો યુવા ભારતીય બૅટ્સમૅન ઋતુરાજ ગાયકવાડ ફરી ટીમ સાથે જોડાઈ ગયો છે.

કોણ કેટલા પાણીમાં

પ્લેઇંગ ઇલેવનમાં બહુ ફેરફાર ન કરવા માટે જાણીતો ધોની આજે કદાચ પહેલી મૅચની જ વિનર ટીમ મેદાનમાં ઉતારશે. બ્રેવો ફિટ ન હોવાથી હજી એકાદ મૅચ ગુમાવશે એવી જાહેરાત કોચ સ્ટીફન ફ્લેમિંગે કરી હતી. બટલર અને સ્ટોક્સની ગેરહાજરીમાં કૅપ્ટન સ્મિથ, ડેવિડ મિલર, સંજુ સૅમસન, રૉબિન ઉથપ્પા, રિયાન પરાગ અને અન્ડર-19 વર્લ્ડ કપનો સુપરસ્ટાર યશસ્વી જયસ્વાલ રાજસ્થાન વતી બૅટિંગનો ભાર સંભાળશે, જ્યારે પેસ અટૅક જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ, ટૉમ કરેન, વરુણ ઍરોન સંભાળશે અને સ્પિન અટૅક શ્રેયસ ગોપાલ અને મયંક માર્કેન્ડે સંભાળશે.

૨૦૧૯માં શું હાલત હતી?

ગઈ સીઝનમાં ચેન્નઈ ફાઇનલમાં મુંબઈ સામે ફક્ત અએક રનથી હાર્યું હતું, જ્યારે રાજસ્થાન પૉઇન્ટ-ટેબલ પર સેકન્ડ-લાસ્ટ સાતમા ક્રમાંકે હતું.

આમને-સામને

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં ૧૫ ટક્કર જામી છે, જેમાં ૮માં હૈદરાબાદ અને ૬માં બૅન્ગલોર જીત્યું છે. એક મૅચનું પરિણામ નહોતું આવ્યું. ગઈ સીઝનમાં બન્ને ટીમે ૧-૧ મૅચ જીતીને બરોબરની ટક્કર આપી હતી.

યુએઈનો શું હિસાબ છે?

૨૦૧૪માં યુએઈમાં ચેન્નઈએ પંજાબ સામે પહેલી મૅચમાં હાર જોયા બાદ બાકીની ચારેચાર જીતીને શાનદાર કમબૅક કર્યું હતું, જ્યારે રાજસ્થાને પાંચમાંથી ત્રણમાં જીત અને બેમાં હાર જોવી પડી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK