બે બાહુબલીઓ મુંબઈ અને દિલ્હી આજે બાથે વળગશે

Published: Oct 11, 2020, 15:41 IST | Mumbai correspondent | Mumbai

પૉઇન્ટ-ટેબલ પર ટૉપની બન્ને ટીમ વચ્ચેની આજની ટક્કરમાં બન્ને ટીમના ગુજરાતી ખેલાડીઓ ગેમ-ચેન્જર્સ બની શકે છે

બે બાહુબલીઓ મુંબઈ અને દિલ્હી આજે બાથે વળગશે
બે બાહુબલીઓ મુંબઈ અને દિલ્હી આજે બાથે વળગશે

રવિવારની સાંજે શેખ જાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં ધૂળની ડમરી ઊડે તો એને અબુ ધાબીના રણમાં ઊઠેલો રેતીનો વંટોળ ન સમજતા. એ તો આઇપીએલ ૨૦૨૦ના બે બાહુબલીઓની ટક્કરનું વાવાઝોડું હશે.
આ મહાસંગ્રામમાં રોહિત શર્મા શ્રેયસ ઐયરની દિલ્હી કૅપિટલ્સની વણથંબી કૂચને અટકાવવા મુંબઈ પલટનના ત્રણ ગુજરાતના ખેલાડીઓ પર ઘણો બધો મદાર રાખશે. પંડ્યા બંધુઓ - કૃણાલ, હાર્દિક અને જસપ્રીત બુમરાહ સિવાય પણ નીતાબેન અંબાણીની ટીમ પાસે દિગ્ગજ ખેલાડીઓની ફોજ છે.
મુંબઈ ઇન્ડિયન્સ બે મૅચ હાર્યું છે, જ્યારે દિલ્હી એક જ મૅચમાં પરાસ્ત થયું છે. આમ જોવા જઈએ તો મુંબઈની હાર બહુ રસાકસી પછી થયેલી અને કદાચ હાર્યા ન પણ હોત. ખેર, રેકૉર્ડ બુક્સ તો એને હાર જ ગણશે અને એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે આ કાંટાની ટક્કર તેઓ જીતી આ ખેલસંગ્રામનો પહેલો દોર પૂરો થાય ત્યારે મુંબઈ ઇન્ડિયન્સ લીગમાં ટોચ પર હોય.
અત્યાર સુધીમાં મુંબઈના લગભગ દરેક બૅટ્સમૅને પોતાનું કૌવત બતાવી દીધું છે. પહેલી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે હાર્યા પછી પલટન એક બાંધી મુઠ્ઠીની જેમ રમી રહી છે અને એ મુઠ્ઠીના મુક્કાએ ભલભલા વિરોધીઓને નૉકઆઉટ પંચ આપીને ધૂળચાટતા કરી દીધા છે.
રોહિત ૬ મૅચમાં ૨૧૧ રન સાથે મુંબઈનો આગળ પડતો સ્કોરર છે તો ટૉપ ઑર્ડરમાં સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને ક્વિન્ટન ડિકૉકના પણ સારા રન થયા છે. ઉપરના બૅટ્સમેનોની વિકેટો ઝડપથી પડી જાય તો પણ મુંબઈ પાસે ક્ષમતા છે કે પાછળના બૅટ્સમેનો રનના ઢગલા ઊભા કરી દે છે.
જ્યારે મોટા ભાગની ટીમે સ્પિનરોનો મુખ્ય હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે ત્યારે મુંબઈનો મદાર ત્રણ ઉચ્ચ કોટિના ફાસ્ટ બોલરો – બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, જેમ્સ પૅટિનસન પર રહ્યો છે. હવે ટુર્નામેન્ટના બીજા ભાગમાં કદાચ આ દાવને કારણે મુંબઈ બીજી ટીમો માટે ઘાતક પુરવાર થઈ શકે છ. રાહુલ ચાહર અને કૃણાલ પર મુંબઈના સ્પિનનો ભાર છે અને એમાં ચાહરે મહદંશે સફળતા પ્રાપ્ત કરી છે.
મુંબઈ પાસે ત્રણ ગુજરાતી લડવૈયા છે તો દિલ્હીની સેનામાં બે ગુજરાતી પટેલ છે, અક્ષર અને હર્ષલ. બન્નેનો રાજસ્થાન સામેના વિજયમાં સિંહફાળો હતો.
દિલ્હી પાસે યુવા લોહીનો જુસ્સો છે અને ઐયર જેવો ખડૂસ મુંબઈકર તેમનો કપ્તાન છે, પણ દિલ્હીની ટીમમાં કંઈક ખૂટતું હોય તો મુંબઈની જેમ તેમની પાસે કોઈ અનુભવી પીઢ ખેલાડીનું પિચ પર માર્ગદર્શન નથી. મુંબઈ પાસે કીરોન પોલાર્ડ જેવો ટી૨૦નો મંજાયેલો આંતરરાષ્ટ્રીય ખેલાડી છે, જે કપરા કાળમાં રોહિતને સાથ આપી શકે છે. ઐયર પાસે એવા અનુભવી ખેલાડીની ખોટ છે.
એક વાત તો ચોક્કસ છે કે બન્ને ટીમ ફૉર્મમાં છે છતાં મુંબઈ પાસે અનુભવનો ભંડાર છે અને મારા મતે રોહિત આ મૅચમાં ઐયરને જરૂર કંઈક શીખવી જશે જે દિલ્હી માટે કદાચ કડવું કડિયાતું હોય.
સુનિલ વૈદ્યની યુટ્યુબ ચૅનલની લિન્કઃ https://www.youtube.com/channel/UCOoyiKG8OXpOylD0H_DIt3w

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK