IPL 2020ઃ આમચી મુંબઈનું કલકત્તા સામે પલડું ભારે

Published: 16th October, 2020 14:22 IST | Sunil Vaidya | Mumbai

સંગઠિત પલટન આઇપીલ ૨૦૨૦ની વિજયકૂચ ચાલુ રાખશે એમાં કોઈ શક નથી

 કલકત્તા નાઇટ રાઇડર્સ
કલકત્તા નાઇટ રાઇડર્સ

એકજૂટ અને સંગઠિત એવી મુંબઈ ઇન્ડિયન્સની ટીમને  આઇપીઅેલ ૨૦૨૦માં પોતાની વિજયકૂચ જાળવી રાખવામાં કલકત્તા નાઇટ રાઇડર્સ પણ નહીં રોકી શકે, જ્યારે આ બે ચૅમ્પિયન ટીમો અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં આજે સામસામે થશે.
આ વખતના બાયો બબલમાં રમાતી આઇપીએલમાં મુંબઈની ટીમ સૌથી સંતુલિત અને મજબૂત છે એમાં કોઈ શક નથી. એક તરફ જ્યારે પલટન વિજયના મોજા પર સવાર એક પછી એક શિખર સર કરી રહી ત્યારે તેના આજના પ્રતિપક્ષી કલકત્તાની પહેલા ચરણની સફર એક ન સમજાય એવા ઉતાર-ચડાવ પરથી પસાર થઈ છે. શાહરુખ ખાનની ટીમ ચોથા સ્થાને છે, પરંતુ હજી પણ ટીમમાં સ્થિરતા આવી હોય એમ નથી લાગતું.
દિનેશ કાર્તિકની કપ્તાની હેઠળ નાઇટ રાઇડર્સ માટે આઇપીએલની સવારી એક એવા ખાબડખૂબડ માર્ગ પરથી પસાર થઈ રહી છે કે એને દરેક મૅચ પછી એક નવી સમસ્યા ઊભી થાય છે. તેમના મહત્ત્વના સ્પિન બોલર અને ઓપનિંગમાં તડાફડી કરતો સુનીલ નારાયણ ફરી એક વાર બોલિંગ-ઍક્શનના જમેલામાં ફસાઈ ગયો છે. તેનું બૅટ ચાલતું નથી અને બોલિંગમાં અમુક બૉલ ફેંકી ન શકે, નહીંતર અમ્પાયર ફરી એક વાર રિપોર્ટ કરે અને તેને સ્થગિત કરી દેવામાં આવે.
વેસ્ટ ઇન્ડીઝના આ ખેલાડીને આ પહેલાં પણ બોલિંગ-ઍક્શન માટે સ્થગિત કરવામાં આવ્યો હતો, માટે કેકેઆર સુનીલ નારાયણને ફરી એક વાર પડતો જ મૂકશે. તેને પહેલા ચરણની છેલ્લી મૅચમાં ન રાખી શકવાથી કલકત્તાનું બૅલૅન્સ ખરાબ થઈ ગયું હતું અને એણે બૅન્ગલોર સામે કારમી હાર જોવ પડી હતી.
ટુર્નામેન્ટની બીજી મજબૂત ટીમ દિલ્હીને હરાવીને મુંબઈનો આત્મવિશ્વાસ સાતમા આસમાને વિહરી રહ્યો છે અને છેલ્લા પાંચ મુકાબલા (૨૦૧૮થી)માં મુંબઈએ કલકત્તાને હરાવ્યું છે માટે આજની મૅચમાં મુંબઈ કલકત્તા પર એક માનસિક દબાણ બનાવીને પોતાનો હાથ ઊંચો રાખશે.
કલકત્તાએ પહેલા ચરણની ૭ મૅચમાં દરેકદરેક મૅચમાં ટીમમાં અથવા બૅટિંગ-ઑર્ડરમાં ફેરફાર કર્યા છે. રાહુલ ત્રિપાઠીએ ઓપનિંગમાં આવીને મૅચ જિતાડ્યા પછી બીજી મૅચમાં પંજાબ સામે ફ્લૉપ જતાં તેને સાતમા સ્થાને મોકલી દીધો. કૅપ્ટન કાર્તિકે અત્યાર સુધીમાં ત્રણ જુદા-જુદા સ્થાનેથી બૅટિંગ કરી છે, જ્યારે આન્દ્રે રસેલ પણ ત્રણ જુદા-જુદા નંબરે બૅટિંગ કરી ચૂક્યો છે.
મુંબઈના ખેલાડીઓને પોતપોતાના રોલની ખબર છે, જ્યારે કલકત્તાના પ્લેયર્સ ફક્ત અટકળ જ લગાવી શકે કે તેમની ભૂમિકા શું હશે અને એન્ટ્રી ક્યારે કરવાની.
એક તરફ છે આત્મવિશ્વાસથી છલકાતા ટોચનું સ્થાન જાળવી રાખવાની કોશિશ કરતા મુંબઈકર અને સામે છે પ્લેઑફમાં સ્થાન બનાવી રાખવા ઝઝૂમી રહેલા કલકત્તા નાઇટ રાઇડર્સ. જાહેર છે આજની લડાઈમાં આમચી મુંબઈનું પલડું ભારે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK