IPL 2020: વિજયથી નિશ્ચિંત થવું મુંબઈને નહીં પરવડે

Published: Oct 13, 2020, 14:24 IST | Sunil Vaidya | Mumbai

બાહુબલીઓનો મુકાબલો તો રોહિતની પલટન જીતી ગઈ, પણ ગઢનાં ગાબડાં પૂરવાની જરૂર છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

બાહુબલીઓના સંગ્રામમાં આમચી મુંબઈએ દિલ્હીને પછડાટ આપીને પોતાની સર્વોપરિતા તો સાબિત કરી, પણ યુએઈમાં પાંચમો આઇપીએલ ખિતાબ જીતવો હોય તો રોહિત શર્માની પલટને ક્યારેક ખુલ્લા રહી જતાં કિલ્લાનાં ગાબડાં પૂરવાં જ રહ્યાં નહીં તો હાથ મસળતા રહી જશે.
જ્યારે જીત હાથમાં આવે ત્યારે ખામીઓ ઘણી વાર ઢંકાઈ જતી હોય છે. મૅચ પછી બોલતાં રોહિતે ઇશારો તો કર્યો, પણ જાહેર છે કે જીતની ખુશીમાં આમચી મુંબઈનો કપ્તાન કડવાશ ઘોળવા નહોતો માગતો. હકીકત એ છે કે કડવો ઘૂંટડો તો પીવો જ પડે અને કદાચ એ કામ કોચ માહેલા જયવર્દને કરે.
સૂર્યકુમાર યાદવે રન બનાવવામાં છેલ્લી બે સીઝનથી બહુ જ સાતત્ય દાખવ્યું છે. રવિવારની મૅચમાં પણ તેણે સૂઝબૂઝથી બૅટિંગ કરી. કૉપીબુક પણ રમ્યા અને ટી૨૦ના બિનપરંપરાગત ફટકા પણ લગાવ્યા. સાઉથ આફ્રિકાના ક્લિન્ટન ડિકૉકની સાથે મળીને મુંબઈ ઇન્ડિયન્સની ધીમી શરૂઆતને વચ્ચેની ઓવરોમાં વેગ પણ આપ્યો. રોહિતના કહેવા મુજબ ટીમમાં એવું નક્કી થયેલું કે સેટ બૅટ્સમૅન છેલ્લે સુધી ઊભો રહેશે. સ્વાભાવિક છે કે સૂર્યકુમારને ક્રિકેટનો સફેદ બૉલ ફુટબૉલ જેટલો મોટો દેખાતો હતો અને જ્યારે ૩૦ બૉલમાં ૩૩ રન જોઈતા હોય ત્યારે આડાઅવળા શૉટ મારવાની કોશિશ નહીં કરવાની.
દિલ્હીના મુખ્ય બોલર કૅગિસો રબાડાની ત્રીજી અને ઇનિંગ્સની ૧૫મી ઓવરમાં સૂર્યકુમારે એક છગ્ગા અને એક ચોગ્ગા સાથે ૧૩ રન લીધેલા અને ઈશાન કિશને એક રન લીધેલો એટલે ૧૪ રન તો મળી ગયેલા તો છેલ્લા બૉલમાં આડા બૅટે ફટકો મારવાની જરૂર જ નહોતી. એની એ ભૂલને કારણે મુંબઈની વિજયના લક્ષ્ય તરફની દોટ થોડી લથડી અને બીજી બે વિકેટ પણ પડી ગઈ જે જીત ૧૮ કે ૧૯મી ઓવરમાં મળવી જોઈતી હતી એ ૨૦મી ઓવરના ચોથા બૉલે મળી.
મુંબઈના ભાગ્ય સારા છે કે બૅટિંગમાં એક ન ચાલે તો બીજો ચાલે છે, બીજાના રન ન થાય તો ત્રીજો, ચોથો એમ નવમા નંબર સુધી બૅટ સક્ષમતાથી વીંઝી શકે એવા યોદ્ધા છે અને રોહિતની પાસે બોલિંગમાં એક પછી એક એવા મિસાઇલ છે કે એનો કોઈ જોટો જડે એમ નથી. આ આઠ ટીમમાં તો નહીં જ. રવિવારે કૃણાલ પંડ્યા અને રાહુલ ચાહરે યોગ્ય લેન્ગ્થ અને લાઇન રાખીને શિખર ધવન અને દિલ્હીના બૅટ્સમેનને જકડી રાખ્યા. કૅપિટલ્સની ચાર વિકેટ પડી, પણ તેમનો રન-રેટ ૮.૧નો જ રહ્યો હતો.
આ આઠ ટીમની ટુર્નામેન્ટમાં મુંબઈ ઇન્ડિયન્સ સૌથી સંતુલિત ટીમ છે અને એવી જ બીજી મજબૂત દાવેદાર દિલ્હી કૅપિટલ્સને હરાવી મુંબઈએ પોતાનો ખિતાબ જીતવાનો દાવો મજબૂત બનાવી દીધો છે.  
રવિવાર બપોરની મૅચમાં રાજસ્થાન રૉયલ્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદના હલકમાં હાથ નાખીને જીતનો કોળિયો ઝૂંટવી લીધો. જ્યારે મોંઘાદાટ પરદેશના ખેલાડીઓ નાકામયાબ રહ્યા ત્યારે રાહુલ તેવટિયા અને રિયાન પરાગે ભેગા મળીને ભારતીયોની યુવા શક્તિનો પરિચય આપતાં ડેવિડ વૉર્નરના સનરાઇઝર્સને પછડાટ આપી હતી.
આજથી શરૂ થતા બીજા દોરમાં રાજસ્થાનની ટીમ પ્લેઑફ માટેની ચાર ટીમમાંથી એક ટીમ થઈ શકે એવી દાવેદાર જરૂર થઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK