હૈદરાબાદના યુવા જાંબાઝોથી મુંબઈએ રહેવું પડશે સાવધાન

Published: Oct 04, 2020, 10:10 IST | Agencies | Mumbai

પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા અને સમદે ધોનીસેનાને પરચો બતાવ્યા બાદ આજે ચૅમ્પિયન્સ સામે પરાક્રમ કરવા આતુર : ભુવીનું ડાઉટફુલ

હૈદરાબાદના યુવા જાંબાઝોથી મુંબઈએ રહેવું પડશે સાવધાન
હૈદરાબાદના યુવા જાંબાઝોથી મુંબઈએ રહેવું પડશે સાવધાન

આજે આઇપીએલમાં શારજાહના નાના મેદાનમાં બે ચૅમ્પિયન્સ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મોટી ટક્કર જામવની છે. બન્ને ટીમ અત્યાર સુધી ચાર-ચાર મૅચ રમી છે જેમાંથી એકસરખી બેમાં જીતી છે અને બેમાં હારી છે. મુંબઈએ પહેલી મૅચમાં ચેન્નઈ સામે હારથી શરૂઆત કરી હતી, પણ બીજી મૅચમાં કલકત્તાને હરાવીને કમબૅક કર્યું હતુ. જોકે ત્રીજી મૅચમાં બૅન્ગલોર સામે ટાઇ બાદ હારનો સામનો કરવો પડ્યો હતો, પણ પંજાબ સામે પાવરફુલ જીત સાથે ટીમે ફરી અસલી ટચ મેળવી લીધો છે. જ્યારે હૈદરાબાદે પ્રથમ બન્ને મૅચમાં બૅન્ગલોર અને કલકત્તા સામે હારીને ખરાબ શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ તેમની યુવા ભારતીય ખેલાડીઓના સહારે દિલ્હી અને ચેન્નઈને ઝુકાવીને બધાને ચોંકાવી દીધા છે.
ધુરંધરો વર્સસ યંગસ્ટર્સ
મુંબઈએ એની બન્ને જીત કૅપ્ટન રોહિત શર્મા, કિરોન પોલાર્ડ, જસપ્રીત બુમરાહના સહારે મેળવી છે. તેમને ઈશાન કિશન અને રાહુલ ચાહરનો ઉપયોગી સાથ પણ મળ્યો હતો. બીજી તરફ હૈદરાબાદની બન્ને જીત સિનિયર કેન વિલિયમસન, જૉની બેરસ્ટો, રાશિદ ખાન, ૧૯ વર્ષનો પ્રિયમ ગર્ગ, ૨૦ વર્ષના અભિષેક શર્મા, ૧૮ વર્ષના અબ્દુલ સમદના સહારે મેળવી હતી. આજે પણ ફેવરિટ મુંબઈએ આ થનગની રહેલા યુવાનોથી વધારે સાવધ રહેવું પડશે. શારજાહમાં બૅટ્સમેનો માટેના ર્સ્વગમાં મુંબઈ આશા રાખશે કે તેમનો ઓપનર ક્લિન્ટ ડિકૉક, સૂર્યકુમાર યાદવ ફૉર્મ બતાવે તો હૈદરાબાદ પણ તેમનો કૅપ્ટન ડેવિડ વૉર્નર આજે ધડાકો કરશે એવી અપેક્ષા રાખી રહ્યું છે.
ભુવનેશ્વર વિશે અનિશ્ચિતતા
ચેન્નઈ સામે હૈદરાબાદનો અનુભવી પેસબોલર ભુવનેશ્વરકુમાર પગની નસ ખેંચાઈ જતાં ઓવર અધૂરી છોડીને જતો રહ્યો હતો. આજે તે રમશે કે નહીં એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. ભુવી નહીં રમે તો હૈદરાબાદ માટે અે એક મોટો ઝટકો હશે.
ટક્કર છે બરોબરીની
બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં કુલ ૧૪ ટક્કર થઈ છે, જેમાંથી બન્નેઅે સાત-સાત મૅચ જીતીને એકબીજાને બરોબરની ટક્કર આપી રહ્યા છે. ૨૦૧૪માં દુબઈના જંગમાં હૈદરાબાદે મુંબઈને ૧૫ રનથી આંચકો આપ્યો હતો.

યંગેસ્ટ જોડી ગર્ગ-અભિષેક

શુક્રવારે ચેન્નઈ સામે પ્રિયમ ગર્ગ અને અભિષેક શર્માઅે મૅચ-વિનિંગ ૭૭ રનની પાર્ટનરશિપ કરી હતી. આ સાથે એ આઇપીઅેલમાં ૫૦ પ્લસની પાર્ટનરશિપ કરનાર યંગેસ્ટ જોડી બની હતી. શુક્રવારે ૨૦ વર્ષ અને ૨૮ દિવસ અભિષેક શર્માની ઉંમર હતી, જ્યારે પ્રિયમની ૨૦ વર્ષ અને ૩૦૭ દિવસ હતી. જોડીની ઉંમરનો સરવાળો છે ૩૯ વર્ષ અને ૩૩૫ દિવસ. આ સાથે ૨૦૧૬માં ૪૦ વર્ષ અને ૩૯ દિવસના સંજુ સૅમસન અને રિષભ પંતે દિલ્હી વતી રમતાં હૈદરાબાદ સામે ૭ર રનની પાર્ટનરશિપ કરી હતી.

પ્રિયમ ગર્ગે વિરાટ-રોહિતનો રેકૉર્ડ તોડ્યો

અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતનો કૅપ્ટન પ્રિયમ ગર્ગ આઇપીઅેલ કરીઅરની પ્રથમ હાફ સેન્ચુરી ચેન્નઈ જેવી મજબૂત ટીમ સામે ફટકારીને ખૂબ ખુશ છે. ૧૯ વર્ષના ગર્ગે તેની હાફ સેન્ચુરી માત્ર ૨૩ બૉલમાં પૂર્ણ કરી હતી અને આ બાબતે તેણે વિરાટ કોહલી અને  રોહિત શમાર્ન પાછળ રાખી દીધા છે. આઇપીઅેલમાં વિરાટ અને રોહિતની ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી ૨૪ બૉલમાં ફટકારાઈ છે. જોકે આ બાબતમાં ૧૪ બૉલનો રેકૉર્ડ લોકેશ રાહુલના નામે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK