ભારતીય ક્રિકેટના 'કૅપ્ટન કુલ' કહેવાતા 39 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ને વિશ્વનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર માનવામાં આવે છે. તે સર્વશ્રેષ્ઠ છે તે તેણે ફરી પુરવાર કરી બતાવ્યું છે, ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની ૧૩મી સીઝનની સાતમી મેચમાં. શુક્રવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં એક કેચ ઝડપ્યો હતો જેની ચારે તરફથી પ્રશંસા થઈ રહી છે. તેણે હવામાં છલાંગ લગાવીને આ કેચ ઝડપ્યો હતો.
IPLની ૧૩મી સિઝનમાં એક કેપ્ટન તરીકે અથવા તો બેટ્સમેન તરીકે મહેન્દ્ર સિંહ ધોની ખાસ સફળ રહ્યો નથી અને તેની ટીકા થઈ રહી છે પરંતુ તેના કીપિંગમાં કોઈ ફરક પડ્યો નથી. તે અગાઉની માફક જ અત્યંત વેગીલો અને ચુસ્ત કીપર છે. જે તેણે ગઈકાલની મેચમાં પુરવાર કરી બતાવ્યું છે.
શુક્રવારે દુબઈ ખાતે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સની બેટિંગ દરમિયાન 19મી ઓવરના છેલ્લા બોલે દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐય્યરને સેમ કરને આઉટ કર્યો હતો. ઐય્યર થર્ડ મેન તરફ રમવા માગતો હતો અને તેણે બહાર જઇને રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ તેના બેટની ધારને લઈને સ્લીપ તરફ ગયો હતો. ધોનીએ તેની જમણી તરફ ડાઇવ લગાવીને શાનદાર કેચ ઝડપી લીધો હતો. આ જોઇને ખુદ ઐય્યર પણ દંગ રહી ગયો હતો.
What ah catch 🔥#CSKvDC #Dhoni pic.twitter.com/8Pigwq27g1
— KarthikKumaran(PKCD) (@KarthikKumara17) September 25, 2020
મહેન્દ્ર સિંહ ધોનીના આ કેચને જોઈને ફૅન્સ તેની ફિટનેસના વખાણ કરી રહ્યાં છે. સાથે જ રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોરના કૅપ્ટન વિરાટ કોહલીને ટ્રોલ પણ કરી રહ્યાં છે. હજી ગુરુવારે જ બેન્ગલોરના કૅપ્ટન વિરાટ કોહલીએ કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં લોકેશ રાહુલને બે આસાન કેચ છોડી દીધા હતા જે તેની ટીમને ભારે પડી ગયા હતા. હવે ફૅન્સ કોહલીની સરખામણી ધોની સાથે કરી રહ્યા છે કે, આ ઉંમરે ધોની કેચ કરી શકતો હોય તો કોહલી શા માટે નહીં.
તમને જણાવી દઈએ કે, દિલ્હી સામેની મેચમાં ચેન્નઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો અને ધોનીનું બેટ ફરી એકવાર મૌન રહ્યું હતું. ધોનીએ 12 બોલમાં 15 રન બનાવ્યા હતા અને આ મેચમાં પણ તે આઉટ થયો હતો.