ડબલ હેડરમાં આજના દિવસની બીજી મૅચ કલકત્તા અને રાજસ્થાન વચ્ચે રમાવાની છે. શુક્રવારે પંજાબની ટીમને હરાવીને રાજસ્થાને પ્લે-ઑફ માટેની પોતાની આશા જીવંત રાખી હતી જેને વધારે વેગ આપવા માટે આજે એ કલકત્તાને હરાવવા માગશે. આ બન્ને ટીમ અત્યાર સુધી ૧૩-૧૩ મૅચ રમી ચૂકી છે અને આજની મૅચ તેમની છેલ્લી મૅચ છે. બન્ને ટીમ ૬-૬ મૅચ જીતી હોવા છતાં તેમના નેટ રન રેટમાં ફરક હોવાથી રાજસ્થાન પાંચમા જ્યારે કલકત્તા છઠ્ઠા ક્રમે છે. જોકે ટુર્નામેન્ટમાં કઈ ટીમ આગળ વધે છે એ અન્ય ટીમનાં પરિણામ પર પણ આધાર રાખે છે.
રાજસ્થાન માટે સંભાવના
જો પંજાબ એની છેલ્લી મૅચ હારે અને હૈદરાબાદ પોતાની શેષ રહેલી બે મૅચમાંથી એક મૅચ ગુમાવે તો રાજસ્થાન માટે આગળ વધવું સરળ બની રહેશે, પણ આ સંભાવના પહેલાં રાજસ્થાને કલકત્તાને આજની મૅચમાં પરાજય આપવો જરૂરી છે. ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સની ફટકાબાજીને લીધે રાજસ્થાન પોતાની છેલ્લી બે મૅચ મુંબઈ અને પંજાબ સામે જીતી ચૂક્યું છે. આ બન્ને મૅચમાં સ્ટોક્સ ઝળકી ઊઠ્યો હતો. આજની મૅચમાં પણ ટીમને તેની પાસેથી સારા પર્ફોર્મન્સની ઉમ્મીદ હશે. જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં દર વખતની જેમ જોફ્રા આર્ચર પર મોટા ભાગનો ભાર હશે.
કલકત્તા માટે પડકાર
ટુર્નામેન્ટમાં કલકત્તા માટે આગળ વધવું પડકારજનક છે, પણ જો આજની મૅચમાં તેઓ રાજસ્થાનને હરાવીને બે પૉઇન્ટ મેળવે તો તેમને માટે આગળ વધવાની આશા જળવાયેલી રહી શકશે. સતત છેલ્લી બે મૅચ ગુમાવવાને લીધે તેમને માટે આ ટુર્નામેન્ટમાં પરિસ્થિતિ અઘરી બની ગઈ છે. શુભમન ગિલ, નીતીશ રાણા, ઓઇન મૉર્ગન, પૅટ કમિન્સ, વરુણ ચક્રવર્તી પાસેથી ટીમને સારા પર્ફોર્મન્સની ઉમ્મીદ હશે.