IPL 2020: મુંબઈચી પલટન આજે કલકત્તા સામે કરી શકશે કમબૅક?

Published: 23rd September, 2020 07:05 IST | Gujarati Mid-day Correspondent | Abu Dhabi

પ્રથમ મૅચમાં હાર્યા બાદ મુંબઈની રોહિતસેના જેમની સામે જીતની સૌથી બેસ્ટ ટકાવારી ધરાવે છે એ કાર્તિક ઍન્ડ કંપનીને પછાડવા આતુર : કલકત્તાએ પણ વર્ષ ૨૦૧૪માં યુએઈમાં પ્રથમ મૅચમાં પછાડ્યા બાદ આજે ફરી બ્લુ આર્મીને પરચો બતાવવા તત્પર

દિનેશ કાર્તિક અને રોહિત શર્મા
દિનેશ કાર્તિક અને રોહિત શર્મા

આજે આઇપીએલની ૧૩મી સીઝનની શારજાહમાં રમાનારી બીજી મૅચમાં ગઈ સીઝનની અને સૌથી વધુ ચાર વાર ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટક્કર બે વખતની વિજેતા કલકત્તા નાઇટ રાઇડર્સ સાથે થશે. કલકત્તા સામે મુંબઈનો હાથે હંમેશાં ઉપર રહ્યો છે અને પહેલી હાર બાદ મુંબઈ એ સિલસિલો જાળવી રાખવાના મૂડમાં છે, તો બીજી તરફ કલકત્તાએ પણ ૨૦૧૪માં યુએઈમાં રમાયેલી આ ટુર્નામેન્ટની પહેલી મૅચમાં મુંબઈને હરાવીને શરૂઆત કરી હતી અને આજે પણ એ જ પરાક્રમ કરીને સીઝનની શુભ શરૂઆત કરાવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.

ટક્કર બરાબરની

ચેન્નઈ સામે રોહિત શર્મા , કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા કે જસપ્રીત બુમરાહ ખાસ કોઈ દમ નહોતા બતાવી શક્યા અને આજે તેઓ કોઈ ચમકારો બતાવી ટીમને કમબૅક કરાવવામાં કોઈ કસર બાકી નહીં રાખે. કલકત્તા તેમના સુપરડુપર સ્ટાર આન્દ્રે રસેલ પર જ આધારિત નથી, પણ ઓઇન મૉર્ગન, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, શુભમન ગિલ, નિતિશ રાણા, દિનેશ કાર્તિક જેવા સ્ટાર ખેલાડીઓ પણ એની પાસે છે છે અને એ પણ એકલા હાથે મૅચ જિતાડી શકે છે એ બતાવી આપવા આતુર હશે.

૨૦૧૯માં શું હાલત હતી?

મુંબઈ ગયા વર્ષે ફાઇનલમાં ચેન્નઈને હરાવીને સૌથી વધુ ચોથીવા ર ચૅમ્પિયન બન્યું હતું, જ્યારે કલકત્તા પૉઇન્ટ ટેબલ પર ૧૨ પૉઇન્ટ સાથે પાંચમા નંબર પર રહીને જરાક માટે પ્લેઑફથી વંચિત રહી ગયું હતું. હૈદરાબાદ અને કલકત્તા બન્નેના એકસરખા ૧૨ પૉઇન્ટ હતા, પણ હૈદરાબાદનો (૦.૫૭૭) રનરેટ કલકત્તા (૦.૦૨૮) કરતાં બહેતર હોવાથી હૈદરાબાદ પ્લેઑફમાં પહોંચી ગયું હતું. ગઈ સીઝનની બન્ને ટીમ વચ્ચેની પહેલી ટક્કરમાં મુંબઈ જીત્યું હતું, જ્યારે બીજીમાં કમબૅક કરીને કલકત્તા જીત્યું હતું.

આમને-સામને

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં ૨૫ ટક્કર થઈ છે, જેમાં ૧૯ મૅચ મુંબઈ જીત્યું અને કલકત્તા માત્ર ૬ મૅચ જીતી શક્યું છે. આમ મુંબઈની જીતની ટકાવારી ૭૬ ટકા છે, બાકીની બધી ટીમો કરતાં બેસ્ટ છે.

યુએઈનો શું હિસાબ છે?

૨૦૧૪માં આઇપીએલની શરૂઆતની મૅચો યુએઈમાં રમાઈ હતી, જેમાં મુંબઈ એની પાંચેપાંચ મૅચ હાર્યું હતું. જ્યારે કલકત્તાએ પહેલી મૅચમાં મુંબઈને હરાવીને શાનદાર શરૂઆત કર્યા બાદ બાકીની ચારમાંથી એક જ મૅચ જીતી શક્યું હતું. જોકે ત્યાર બાદ ભારતમાં રમાયેલી મૅચોમાં જબરદસ્ત પર્ફોર્મન્સ કરીને ચૅમ્પિયન બન્યું હતું.

૨૦૧૪માં યુએઈમાં ચેન્નઈએ પંજાબ સામે પહેલી મૅચમાં હાર જોયા બાદ બાકીની ચારેચાર મૅચ જીતીને શાનદાર કમબૅક કર્યું હતું, જ્યારે રાજસ્થાને પાંચમાંથી ત્રણમાં જીત અને બેમાં હાર જોવી પડી હતી.

એક જ સીઝનમાં સળંગ સૌથી વધુ 9 જીત મેળવવાનો રેકૉર્ડ કલકત્તાના નામે છે, જે કમાલ એણે ૨૦૧૪માં કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK