IPL 2020: મુંબઈ ટૉપ-ટૂમાં જ રહેશે એ પાકું થયું

Published: 30th October, 2020 10:06 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

કોઈ મોટો ચમત્કાર જ પલટનને રોકી શકે છે, બાકીનાં ત્રણ સ્થાન માટે છે પાંચથી ૬ દાવેદાર, દિલ્હી અને બૅન્ગલોર જ ૧૮ પૉઇન્ટ મેળવી શકે એવી સ્થિતિમાં

મુંબઈ ટૉપ-ટૂમાં જ રહેશે એ પાકું થયું
મુંબઈ ટૉપ-ટૂમાં જ રહેશે એ પાકું થયું

ક્રિકેટ એક એવી રમત છે કે કોની બાજી ક્યારે પલટાય કહેવાય નહીં. યુએઈમાં રમાઈ રહેલી આઇપીએલ લીગમાં દિલ્હી કૅપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ ટૉપનાં બે સ્થાન પર ટકી રહ્યાં હતાં અને રૉયલ ચૅલેન્જર બૅન્ગલોર પણ ટૉપમાં રહેવાની રસાકસીમાં હતું. હવે આઠ ટીમનો લીગ રાઉન્ડ જ્યારે પૂરો થવામાં છે ત્યારે ફક્ત પલટને રાહ જોવાની છે કે પ્લે-ઑફના ક્વૉલિફાયરમાં કઈ ટીમ તેમની સામે આવશે. આમ બૅન્ગલોર સામેની મૅચ બાદ ચૅમ્પિયન મુંબઈ કન્ફર્મ થઈ ગયું છે અને બાકીનાં ત્રણ સ્થાન માટે પાંચથી છ દાવદારો છે.

છેલ્લી બે મૅચમાં થયેલી મોટા માર્જિનની હાર કદાચ દિલ્હીને એટલી નડે કે તેમને પ્લે-ઑફમાં આવવાનાં ફાંફાં થઈ જાય. બીજી બાજુ રૉયલ ચૅલેન્જર બૅન્ગલોર જો બન્ને મૅચ હારે તો એને પણ મુશ્કેલી પડી શકે છે. જોકે તેમનો નેટ રન રેટ દિલ્હી કરતાં ઘણો સારો છે. ટૉપ ત્રણમાં રહેલી દિલ્હી અને બૅન્ગલોરની બાકીની બેમાંથી એક મૅચ એકમેક સામે જ છે. માટે મુંબઈ સાથે પ્લે-ઑફમાં આ બન્નેમાંથી એક ટીમ તો હશે જ.

એક વાત તો ચોક્કસ છે કે ગમે એવો ચમત્કાર પણ કદાચ મુંબઈ ઇન્ડિયન્સને પ્લે-ઑફના ટોચનાં બે સ્થાને જતાં નહીં રોકી શકે.

કૅપ્ટન રોહિત શર્મા વગર બૅન્ગલોર સામેનો મુકાબલો મુંબઈએ બુધવારે આસાનીથી જીતીને પોતાનું સ્થાન પ્લે-ઑફમાં પાકું કરી લીધું છે. હવે બધી ટીમે બબ્બે મૅચ રમવાની છે અને ફક્ત દિલ્હી કૅપિટલ અથવા બૅન્ગલોર ૧૮ અંક પર પહોંચે એવી શક્યતા છે. આવા સંજોગોમાં ૧૬ અંક સાથે પણ મુંબઈ ટેબલ-ટૉપ કરી શકશે, કારણ કે એના નેટ રનને આંબવા બીજી ટીમે ૧૮૦ રનથી વિજય મેળવવો પડશે અને મુંબઈએ ૧૯૦ કરતાં વધારે રનથી હારવું પડશે. ગણિતની દૃષ્ટિએ આ શક્ય છે, પણ ખરેખર આમ થવું લગભગ અશક્ય છે.

વિરાટ કોહલીની બૅન્ગલોરને હરાવ્યા બાદ હંગામી કૅપ્ટન કિરોન પોલાર્ડે કહ્યું એમ મુંબઈ એકજૂટ ટીમ છે. દિવસના સ્ટાર પર્ફોર્મરને બીજા ખેલાડીઓનો સબળ સપોર્ટ હોય છે. સૂર્યકુમારે છઠ્ઠી ઓવરમાં આવીને ૨૦મી ઓવર સુધી બૅટિંગ કરી ટીમની નૈયાને પાર પાડી, પણ એ સફરમાં બીજા પાંચ બૅટ્સમેન તેની સાથે ઊભા રહ્યા હતા અને ૨૦-૩૦ રનની ભાગીદારી કરતાં ગયા. સૌથી મોટી ૩૦ બૉલમાં ૫૧ રનની ભાગીદારી સૂર્યકુમારની હાર્દિક પંડ્યા સાથે થઈ અને બન્ને ૧૫-૧૫ બૉલ રમ્યા પણ એમાં આક્રમક રમતા હાર્દિકે ફક્ત સાથ આપતાં-આપતાં ૧૭ રન જ કર્યા. આ એક મુંબઈની ખાસિયત છે કે જે બૅટ્સમૅન ફૉર્મમાં રમતો હોય તેને સપોર્ટ આપતાં બીજા બધા ખેલાડીઓએ પૂરક ભૂમિકા ભજવવાની.

સૂર્યકુમારની સૌથી ઉત્તમ આઇપીએલ ઇનિંગ્સ (૭૯ અણનમ)ને કારણે પાંચ બૉલ બાકી રાખીને મુંબઈ જીતી ગયું, પણ ખરેખર મુંબઈ માટે બાજી પલટાવનાર અમદાવાદી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હતો. ડેથ ઓવરના બાદશાહે વિરાટને ૧૦૦મો આઇપીએલ શિકાર બનાવ્યો એ પછી તે પૂરેપૂરા રંગમાં હતો અને જ્યારે ઓપનર દેવદત્ત પડિક્કલ બૅન્ગલોરને એક મોટા ટોટલ તરફ લઈ જઈ રહ્યો હતો ત્યારે બુમરાહ ફરી ત્રાટક્યો. ૧૭મી ઓવર તેણે મેઇડન નાખી અને પડિક્કલ સહિત બૅન્ગલોરની બે વિકેટો ખેરવી નાખી. તેણે ૧૯મી અને પોતાની છેલ્લી બે ઓવરમાં ફક્ત પાંચ જ રન આપ્યા એને કારણે બૅન્ગલોરને ૨૦-૨૫ રન ઓછા પડ્યા.

આઇપીએલ ૨૦૨૦માં પલટનના ખેલાડીઓએ જરૂર હતી ત્યારે વિકેટ ખેરવી અને અવારનવાર રનનો ઢગલો કર્યો જેને કારણે આજે ટીમ બીજાને ઈર્ષ્યા આવે તેવી પોઝિશનમાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK