IPL 2020: ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝ માટે પાંચમા પેસરની જગ્યા મેળવવા સિરાજ અને શાર્દુલ વચ્ચે ટક્કર

Published: 21st October, 2020 13:36 IST | PTI | New Delhi

મિડલ ઑર્ડર મોટા ભાગે વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, મનીષ પાંડે અને હાર્દિક પંડ્યા પર આધાર રાખી શકે છે. વાઇટ બૉલ ક્રિકેટમાં શિવમ દુબેનો પણ ઑલરાઉન્ડર તરીકે સમાવેશ થઈ શકે છે.

મુંબઈ ઇન્ડિયન્સના શાર્દુલ ઠાકુર અને હૈદરાબાદની ટીમના મોહમ્મદ સિરાજ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે
મુંબઈ ઇન્ડિયન્સના શાર્દુલ ઠાકુર અને હૈદરાબાદની ટીમના મોહમ્મદ સિરાજ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ઘણા યુવા પ્લેયર્સ સારું પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે જેને લીધે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં તેમનું સ્થાન બની શકે એમ છે. વર્ષના અંતમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝમાં પાંચમા પેસર તરીકે સ્થાન મેળવવા મુંબઈ ઇન્ડિયન્સના શાર્દુલ ઠાકુર અને હૈદરાબાદની ટીમના મોહમ્મદ સિરાજ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે, તો વળી ગુજરાતનો અક્ષર પટેલ પણ સ્પર્ધામાં પાછળ નથી.
અઠવાડિયાના અંતમાં સુનીલ જોશીના અધ્યક્ષપદ હેઠળ સિલેક્શન કમિટીની મીટિંગ મળવાની છે જેમાં ઑસ્ટ્રેલિયા સાથેની ટી૨૦, વન-ડે અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય પ્લેયર્સના સિલેક્શન વિશે ચર્ચા કરવામાં આવશે. સિનિયર પ્લેયર ભુવનેશ્વર કુમાર અને ઈશાન્ત શર્મા ઈજાગ્રસ્ત હોવાથી મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ બાદ ચોથા પેસર તરીકે નવદીપ સૈનીને પસંદ કરી શકાય. જોકે પાંચમા પેસર તરીકે ઇન્ડિયા-એ અને રણજી ટ્રોફી માટે લાંબા સમય સુધી રમનારા મોહમ્મદ સિરાજનું નામ ટૉપ પર લેવાઈ રહ્યું છે, વળી શાર્દુલ ઠાકુર નવા બૉલને સ્વિંગ કરીને પોતાની કમાલ બતાવવામાં સક્ષમ છે. સિલેક્શન કમિટીના ભૂતપૂર્વ ચૅરમૅન એમએસકે પ્રસાદે પણ સિરાજનાં વખાણ કર્યાં છે. પ્રસાદના મતે નવી સિલેક્શન કમિટી શિવમ માવી પર પણ ચર્ચા કરી શકે છે જે પ્રસાદના મતે ભવિષ્યમાં ઑલરાઉન્ડર તરીકેની ભૂમિકા ભજવવામાં સફળ થઈ શકે છે.
વાઇટ બૉલ ફૉર્મેટમાં ચેન્નઈની ટીમના શાર્દુલ ઠાકુર અને દીપક ચાહર સ્થાન મેળવી શકે છે, જ્યારે ઉમેશ યાદવને પરિશ્રમ કરવો પડી શકે છે.
વિકેટકીપર તરીકે પણ ટીમ પાસે ચાર વિકલ્પ છે. સૌથી પહેલા વિકલ્પમાં લોકેશ રાહુલ પર પસંદગી ઉતારવામાં આવી શકે છે, જ્યારે દરેક ફૉર્મેટમાં રિષભ પંત ઉપલબ્ધ રહેશે. માત્ર ટી૨૦ ફૉર્મેટમાં પંત સાથે સંજુ સૅમસનને સામેલ કરવામાં આવી શકે છે અને જો કોઈક કારણસર પંત વિકેટકીપિંગ ન કરી શકે તો તેના સ્થાને વૃદ્ધિમાન સહાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે.
બૅટ્સમેનોની યાદીમાં રોહિત શર્મા, મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, શુભમન ગિલને દરેક ફૉર્મેટ માટે રમાડવામાં આવી શકે છે, જ્યારે લિમિટેડ ઓવરની મૅચમાં લોકેશ રાહુલ અને શિખર ધવનને નવા બૉલ સાથે કમાલ કરવા માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. મિડલ ઑર્ડર મોટા ભાગે વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, મનીષ પાંડે અને હાર્દિક પંડ્યા પર આધાર રાખી શકે છે. વાઇટ બૉલ ક્રિકેટમાં શિવમ દુબેનો પણ ઑલરાઉન્ડર તરીકે સમાવેશ થઈ શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK