IPL 2020: ધોનીના નવા લુક પર ફૅન્સ થયા ફીદા, 14 મહિના પછી દેખાયો મેદાન પર

Published: Sep 20, 2020, 12:43 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

'કૅપ્ટન કુલ' મેચ પહેલા જોવા મળ્યો મસ્તીના મુડમાં

તસવીર સૌજન્ય: આઈએએનએસ
તસવીર સૌજન્ય: આઈએએનએસ

ભારતના 'કૅપ્ટન કુલ' મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)એ શનિવારે ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની ૧૩મી સીઝનની ઓપનિંગ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રમીને 14 મહિના પછી મેદાન પર વાપસી કરી છે. મેદાન પર ઉતરેલો માહિ તદ્દન નવા લુકમાં જોવા મળ્યો હતો. તેના આ લુક પર ફૅન્સ ફિદા થઈ ગયા છે. માહીએ ફક્ત નવા લુક્સથી જ નહીં પણ તેના હ્યુમરથી પણ લોકોને ઈમ્પ્રેસ કરી દીધા હતા. મેચ પહેલા તે મસ્તીના મુડમાં જોવા મળ્યો હતો.

શનિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની પ્રથમ મેચ દરમિયાન ટોસ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ મસ્તી કરતા કહ્યું હતું કે, 'અમે જાણવા માંગીએ છીએ કે, સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે IPLમાં ફર્સ્ટ સ્લિપમાં ફિલ્ડર ઉભા રાખી શકીએ છીએ કે નહીં.' ઉલ્લેખનીય છે કે ટોસ દરમિયાન ધોની, રોહિત શર્મા (Rohit Sharma) અને મેચ રેફરી મનુ નય્યર સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા એકબીજાથી થોડા અંતરે ઉભા હતા. આના પર ફની કમેન્ટ કરતા ધોનીએ આ વાત કહી હતી.

Rohit Sharma, MSDટોસ દરમિયાન એમએસધોની અને રોહિત શર્મા (તસવીર સૌજન્ય: આઈએએનએસ)

437 દિવસ પછી મેચ રમવા ઉતરેલા 'કૅપ્ટન કુલ'ના નવા લુકની વાત કરીએ તો તે હાફ બિયર્ડ લુકમાં દેખાયો હતો. ધોની હંમેશા પોતાનો લૂક બદલતો રહે છે અને આ વખતે તે અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. ધોનીએ અલગ સ્ટાઈલમાં પોતાની દાઢી અને મૂછ રાખી હતી. ધોનીની આ સ્ટાઇલ સાઉથ ઈન્ડિયન સ્ટાર જેવી લાગતી હતી.

ધોનીના અ લુક પર ફૅન્સ ફીદા થઈ ગયા છે અને તેઓ જાતજાતની કમેન્ટ પણ કરી રહ્યાં છે.

ફક્ત દાઢી-મૂછ જ નહીં ધોનીની ફિટનેસ પણ ઘણી સારી જોવા મળી હતી. ખાસ કરીને ધોનીના બાઇસેપ્સ અને ચેસ્ટની સાઇઝ ઘણી વધારે જોવા મળી હતી. ધોનીની જબરજસ્ત બોડી જોઈને કોમેન્ટેટર મુરલી વિજય દંગ રહી ગયો હતો અને તેણે માહીને તેનું રહસ્ય પણ પૂછ્યું હતું. ત્યારે ધોનીએ કહ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન પોતાને ફિટ રાખવા પૂરતો સમય મળ્યો હતો. તે વખતે વધારે ફિઝિકલ રનિંગ કરી શકતો નહોતો, પરંતુ જિમમાં મહેનત કરવાનો પૂરો સમય હતો.

ઉલ્લેખનીય છે કે, એમએસ ધોનીએ 2019માં પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ત્યારે તે ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઈનલમાં રમ્યો હતો. જ્યારે IPLમાં ધોનીએ 190 મેચમાં 42.21ની એવરેજથી 4,432 રન બનાવ્યા હતા. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 9 વાર ફાઇનલ રમનાર એકમાત્ર ખેલાડી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK