IPL 2020: ૧૪ દિવસના એક્સ્ટ્રા ક્વૉરન્ટીનને લીધે પૂરતી પ્રૅક્ટિસ જ કરવા ન મળી

Published: 24th September, 2020 15:07 IST | Agencies | Sharjah

રાજસ્થાન સામેની હાર બદલ કૅપ્ટન ધોનીનો બચાવ

ધોની
ધોની

બૅટિંગ ઑર્ડરમાં છેક સાતમા ક્રમાંકે મેદાનમાં ઊતરવા વિશેની ટીકા અંગે તેણે કહ્યું હતું કે તે નવા અખતરાઓ કરવા માગતો હતો.ચૅમ્પિયન મુંબઈ સામે પ્રથમ મૅચમાં જીત સાથે શરૂઆત કરનાર ચેન્નઈએ મંગળવારે તેમની બીજી મૅચમાં રાજસ્થાન રૉયલ્સ સામે ૧૬ રનથી હાર જોવી પડી હતી. મુંબઈ સામે પીયૂષ ચાવલાને રોહિત શર્મા સામે બોલિંગ કરાવવા અને સૅમ કરેનને બૅટિંગ ઑર્ડરમાં વહેલા મોકલવાના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નિર્ણયને માસ્ટર સ્ટ્રૉક ગણાવ્યો હતો, પણ રાજસ્થાન સામે ધોની છેક સાતમા ક્રમાંકે અને કરેન, કેદાર જાદવ અને બિનઅનુભવી રિતુરાજ ગાયકવાડ બાદ બૅટિંગ માટે મેદાનમાં ઊતરવા બદલ ભારે ટીકા થઈ રહી છે. આ ઉપરાંત ધોનીએ છેલ્લી ઓવરમાં લગાતાર ત્રણ સિક્સર સિવાય ધીમી બૅટિંગ પણ કરી હોવાથી ચાહકો નારાજ થયા હતા.ચેન્નઈ ટીમમાં અમુક કોરોના પૉઝિટિવ આવતાં તેમનો ક્વૉરન્ટીન પિરિયડ લંબાઈ ગયો હતો. આથી ધોનીને લાગે છે કે આને લીધે ટીમને પ્રૅક્ટિસ માટે પૂરતો સમય નહોતો મળ્યો.

ધોનીથી ગંભીર ભારે નારાજ

ધોનીની ટીકા કરવામાં ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર સૌથી આગળ હતો. ગંભીરે કહ્યું હતું કે ‘ધોનીનો સાતમા ક્રમાંકે બૅટિંગ કરવાનો નિર્ણય મને હજમ નથી થતો. તેણે સૅમ કરેન અને રિતુરાજ ગાયકવાડને પહેલા મોકલાવ્યા હતા. ધોનીએ લીડરશિપ દેખાડવી જોઈતી હતી. ૨૧૭ રનના મસમોટા ટાર્ગેટ અને ધોની સાતમા ક્રમાંકે, મને આ માટે કોઈ કારણ દેખાતું નથી.’

કંઈક અલગ કરવા માગતા હતા

ધોનીએ ધીમી બૅટિંગ અને સાતમા ક્રમાંકે રમવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘મેં ઘણા સમયથી બૅટિંગ નથી કરી. ઉપરાંત ૧૪ દિવસના ક્વૉરન્ટીનને કારણે અમારી તૈયારીને અસર થઈ છે. અમે કંઈક અલગ કરવા માગતા હતા અને કરેનને વહેલો મોકલવો એનો જ એક ભાગ હતો.’
બોલરોથી ખાસ કરીને સ્પિનરોથી નારાજ ધોનીએ કહ્યું હતું કે ‘રાજસ્થાનના સ્પિનરોએ બૅટ્સમેનોથી દૂર બૉલ ફેંકીને સારી બોલિંગ કરી હતી. અમારા સ્પિનરોએ આ બાબતે ભૂલ કરી હતી. જો અમે તેમને ૨૦૦ની અંદર રોકી રાખ્યા હોત તો વધુ રસાકસી જોવા મળી હોત. ૨૧૭ના ટાર્ગેટ સામે શરૂઆત સારી હોવી જોઈએ જે અમે નહોતા કરી શક્યા.’
રાજસ્થાને ૧૦ વર્ષ બાદ કરી કમાલ
રાજસ્થાને ચેન્નઈ સામે ૨૦૧૦ એટલે કે ૧૦ વર્ષ બાદ પ્રથમ બૅટિંગ કરીને જીત મેળવી હતી. ૨૦૧૦માં અમદાવાદમાં રમાયેલા મુકાબલામાં પહેલાં બૅટિંગ કરતાં રાજસ્થાને ૮ વિકેટે ૧૭૭ રન બનાવ્યા હતા અને ચેન્નઈ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૦ રન જ બનાવી શકી હતી. ૧૭ રનથી હારી ગઈ હતી.

ધોનીની સિક્સરવાળો બૉલ ફૅન લઈ ગયો

ધોની રાજસ્થાન સામે છેલ્લી ઓવરમાં અસલી ટચમાં જોવા મળ્યો હતો અને સતત ત્રણ બૉલમાં ત્રણ સિક્સર ફટાકરી હતી. તેની એક સિક્સરમાં તો બૉલ સ્ટેડિયમને પાર કરીને રસ્તા પર પડ્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા એક યંગસ્ટરની નજર એ બૉલ પર જતાં તે ખૂબ ખુશ થઈ ગયો હતો અને બૉલ લઈને જતો રહ્યો હતો.

રાયુડુ હજી એકાદ મૅચ ગુમાવશે

મુંબઈ સામેની જીતનો હીરો અંબાતી રાયુડુ ઇન્જરીને લીધે રાજસ્થાન સામે નહોતો રમ્યો. ચેન્નઈ ટીમના સીઈઓ કાસી વિશ્વનાથને કહ્યું હતું કે ‘ચિંતાની કોઈ વાત નથી. રાયુડુ સ્વસ્થ થઈ રહ્યો છે અને વધુમાં વધુ એકાદ મૅચમાં નહીં રમી શકે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK