IPL 2020: ૩૦૦ વન-ડેનો અનુભવ કામ લાગ્યો: ધોની

Published: 21st September, 2020 10:13 IST | Abudhabi

શનિવારે મુંબઈ સામે જીત મેળવીને ચેન્નઈએ આઇપીએલની ૧૩મી સીઝનની શાનદાર શરૂઆત કરી હતી. મૅચ બાદ ધોનીએ કહ્યું કે ‘અનુભવ કામ કરી ગયો.

ધોની
ધોની

શનિવારે મુંબઈ સામે જીત મેળવીને ચેન્નઈએ આઇપીએલની ૧૩મી સીઝનની શાનદાર શરૂઆત કરી હતી. મૅચ બાદ ધોનીએ કહ્યું કે ‘અનુભવ કામ કરી ગયો. બધા એ વિશે ચર્ચા કરે છે. ખૂબ બધી મૅચો રમ્યા પછી તમને અનુભવ મળતો હોય છે. ૩૦૦ વન-ડે રમવી દરેકનું સપનું હોય છે. જ્યારે તમે મેદાનમાં ટીમ ઉતારો છો ત્યારે તમારે યુવા અને અનુભવી ખેલાડીઓનું યોગ્ય મિશ્રણનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. તમને અનુભવી ખેલાડીઓની જરૂર હોય છે, જે મેદાન પર યુવા ખેલાડીઓનું માર્ગદર્શન કરે.’
૧૫મી ઑગસ્ટે રિટાયરમેન્ટ લેનાર ધોની ટીમ ઇન્ડિયા વતી ૯૦ ટેસ્ટ, ૩૫૦ વન-ડે અને ૯૮ ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો છે.
ધોની અડધી દાઢીવાળો
૪૩૭ દિવસ પછી નવા લુક સાથે ધોની શનિવારે મેદાનમાં જોવા મળ્યો હતો. સોશ્યલ મીડિયા પર ધોનીનો અડધી દાઢીવાળો નવો લુક ભારે ચર્ચામાં રહ્યો હતો.
ચૅન્નઈના કૅપ્ટન ધોનીની ૧૦૦મી જીત
શનિવારની મુંબઈ સામેની જીત એ ધોનીની ચેન્નઈના કૅપ્ટન તરીકેની ૧૦૦મી જીત હતી. આવી કમાલ કરનાર ધોની આઇપીએલનો પહેલો કૅપ્ટન બન્યો છે. ૧૬૧ મૅચમાં ધોનીએ ચૅન્નઈ ટીમની કમાન સંભાળી છે જેમાંથી ૧૦૦માં જીત અને ૬૦માં હાર જોવી પડી છે. અેક મૅચનું પરિણામ નહોતું આવ્યું. જોકે આઇપીઅેલમાં ઓવરઑલ ધોનીની આ ૧૦૫મી જીત હતી. તેણે પુણે ટીમની ૧૪ મૅચમાં કૅપ્ટન્સી કરી છે જેમાં પાંચ મૅચમાં જીત અને નવમાં હાર જોવી પડી હતી.
ધોની છે જિનીયસ ઃ સૅમ કરેન
ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝને લીધે સૅમ કરેન ચેન્નઈ સાથે મોડો જોડાયો હતો. પહેલી મૅચમાં ટીમની જીતમાં મહત્ત્વના યોગદાનનું શ્રેય કરેને ધોનીને આપ્યું હતું. કરેને જણાવ્યું હતું કે ‘ઈમાનદારીપૂર્વક કહું તો અમને બૅટિંગ-ઑર્ડરમાં આગળ બોલાવવાથી નવાઈ લાગી હતી. ધોની જિનીયસ છે અને સમજીવિચારીને તેણે આવો નિર્ણય લીધો હશે. સિક્સર ફટકારીશ અથવા આઉટ થવાની માનસિકતાથી રમવા ગયો હતો. ક્યારેક તમે સફળ થાઓ તો ક્યારેક ન પણ થાઓ.’
ધોનીની મજાક, ફર્સ્ટ સ્લીપમાં પ્લેયર ઊભો રખાય કે નહીં
ધોનીએ ટૉસ વખતે તેની સેન્સ ઑફ હ્યુમરનો પણ પરિયચ આપ્યો હતો. ધોનીએ મજાકમાં પૂછ્યું હતું કે સોશ્યલ ડિસ્ટિંગને કારણે આઇપીએલમાં ફર્સ્ટ સ્લીપમાં કોઈ ખેલાડીને ઊભો રાખી શકાશે કે નહીં?’
બ્રાવો હજી એકાદ-બે મૅચ નહીં રમે
કૅરિબિયન પ્રીમિયર લીગ દરમ્યાન થયેલી ઇન્જરીમાંથી ડ્વેઇન બ્રાવો હજી સુધી સંપૂર્ણપણે ફિટ નથી થયો અને એટલે જ શનિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે નહોતો રમ્યો. કોચ સ્ટીફન ફ્લેમિંગે આ બાબતે કહ્યું હતું કે બ્રાવોને ઘૂંટણ પર ઈજા છે અને હજી અઅકાદ-બે મૅચમાં તેણે ટીમની બહાર જ રહેવું પડશે.

સચિન અને કોહલી કરતાં ધોની વધુ લોકપ્રિય ઃ ગાવસકર

લેજન્ડ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકરને લાગે છે કે દેશમાં ધોનીની લોકપ્રિયતા સચિન અને કોહલીથી આગળ નીકળી ગઈ છે. આઇપીઅેલમાં કૉમેન્ટરી આપી રહેલા ગાવસકરે કહ્યું કે ‘સચિનની લોકપ્રિયતા વધુ મુંબઈ અને કલકત્તામાં જોવા મળશે, જ્યારે કોહલીની દિલ્હી અને બૅન્લોરમાં; પણ ધોનીના ચાહકો દેશભરમાં જોવા મળે છે. સચિન અને કોહલીના ચાહકો મારી સાથે અસહમત હોઈ શકે છે, પણ લોકપ્રિયતાના મામલે સચિન અને વિરાટ કરતાં ધોની ખૂબ આગળ નીકળી ગયો છે.’

૩૦૭ દિવસ બાદ રમ્યો અને હીરો બની ગયો રાયુડુ

શનિવારની મુંબઈ ઇન્ડિયન્સ સામેની જીતનો હીરો રાયુડુ ૩૦૭ દિવસ પછી મેદાનમાં ઊતર્યો હતો અને પહેલી જ મૅચમાં ૪૮ બૉલમાં લાજવાબ ૭૧ રનની ઇનિંગ્સ રમીને હીરો બની ગયો હતો. રાયુડુ છેલ્લે ૧૭ નવેમ્બર ૨૦૧૯માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હૈદરાબાદ વતી રમ્યો હતો. મૅચ બાદ રાયુડુએ કહ્યું હતું કે લૉકડાઉન દરમ્યાન મેં ટ્રેઇનિંગ ચાલુ રાખી હતી. યુએઈના માહોલમાં ઘડાવા માટે ચેન્નઈમાં ખૂબ પ્રૅક્ટિસ કરી હતી અને એ અમને મદદગાર નીવડી હતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK