ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે રાજસ્થાન રૉયલ્સ (RR) અને દિલ્હી કૅપિટલ્સ (DC)ની દુબઈ ખાતે રમાયેલી મેચમાં પહેલી બેટિંગ કરતા ડીસીએ સાત વિકેટે 161 રન કર્યા હતા, જેની સામે રાજસ્થાન રૉયલ્સે આઠ વિકેટે 148 રન કર્યા હતા.
પહેલી ઈનિંગમાં પૃથ્વી શૉ પહેલા જ બોલે આઉટ થયો હતો. રહાણેએ પણ ફક્ત બે રન કર્યા હતા, જોકે ધવનના 33 બોલમાં છ ફોર અને બે સિક્સના ટેકે 57 રન અને કૅપ્ટન શ્રેયસ ઐય્યરના 43 બોલમાં 53 રન કરતા ટીમનો સ્કોર સુધર્યો હતો. સ્ટોઈનીસે 19 બોલમાં 18 રન, વિકેટકીપર એલેક્સ કેરીએ 13 બોલમાં એક સિક્સ મારીને 14 રન અને અક્ષર પટેલે સાત રન કર્યા હતા.
રાજસ્થાન રૉયલ્સના બોલર્સમાં જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 19 રન આપીને ત્રણ વિકેટ, ઉનદકટે ત્રણ ઓવરમાં 32 રન આપીને બે વિકેટ, કાર્તિક ત્યાગીએ ચાર ઓવરમાં 30 રન આપીને એક વિકેટ, સ્ટોક્સે બે ઓવરમાં 24 રન, શ્રેયસ ગોપાલે ચાર ઓવરમાં 31 રન આપીને એક વિકેટ અને રાહુલ તિવેતિયાએ ત્રણ ઓવરમાં 23 રન આપ્યા હતા.
162 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાન રૉયલ્સની ટીમમાં સમયાંતરે વિકેટો પડતી જ રહેતી હતી. સ્ટોક્સે 35 બોલમાં છ ફોર મારીને 41 રન, જોસ બટલર નવ બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ મારીને 22 રને આઉટ થયો હતો. આજે કૅપ્ટન સ્ટીવ સ્મિથ માત્ર એક રને આઉટ થયો હતો. સેમસન 18 બોલમાં 25 રન, રિયાન પરાગ એક રને રનઆઉટ, રોબિન ઉથ્થપા 27 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ મારીને 32 રન, જોફ્રા આર્ચર એક રન, રાહુલ તિવેતિયાએ 18 બોલમાં ફક્ત 14 રન અને શ્રેયસ ગોપાલે ચાર બોલમાં છ રન કર્યા હતા.
અક્ષર પટેલે ચાર ઓવરમાં 32 રન આપીને એક વિકેટ, રવિચંદ્રન અશ્વિને ચાર ઓવરમાં 17 રન આપીને એક વિકેટ, એનરિચ નોર્તજેએ ચાર ઓવરમાં 33 રન આપીને બે વિકેટ, રબાડા ચાર ઓવરમાં 28 રન આપીને એક વિકેટ, તુષાર દેશપાંડેએ ચાર ઓવરમાં 37 રન આપીને બે વિકેટ લીધી હતી.