IPL 2020: DC vs RCB: દિલ્હી અને બૅન્ગલોર વચ્ચે આજે જંગ જામશે જાનદાર

Published: Oct 05, 2020, 07:31 IST | Gujarati Mid-day Correspondent | Dubai

બન્ને ટીમની જીતની ગાડી ટૉપ ગિયરમાં દોડી રહી છે અને બન્ને ટીમે ચારમાંથી ત્રણ મૅચમાં વિજય મેળવીને ટૉપમાં છે

વિરાટ વર્સસ ઐયર
વિરાટ વર્સસ ઐયર

આજે આઇપીએલમાં દુબઈમાં બે ઇનફૉર્મ ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે ઘમસાણ જામવાનું છે. બન્ને ટીમે ચારમાંથી ત્રણમાં જીત મેળવી છે. બૅન્ગલોરે હૈદરાબાદને હરાવીને સીઝનની શાનદાર શરૂઆત કર્યા બાદ પંજાબ સામે હારી ગઈ હતી, પણ ત્યાર બાદ મુંબઈ અને પંજાબને હરાવીને શાનદાર કમબૅક કર્યું છે. જ્યારે દિલ્હીએ પંજાબ અને ચેન્નઈને હરાવ્યા બાદ હૈદરાબાદ સામે હાર જોવી પડી હતી, પણ શનિવારે કલકત્તા સામે હાઈ સ્કોરિંગ મુકાબલામાં વિજય મેળવીને આજે જોશભેર વિરાટ સામે મેદાને ઊતરશે.

વિરાટ વર્સસ ઐયર

બૅન્ગલોરના કૅપ્ટન વિરાટ કોહલીએ છેલ્લે રાજસ્થાન સામે ૫૩ બૉલમાં અણનમ ૭૨ રન કરીને આખરે ફૉર્મ મેળવી લીધું છે. જ્યારે દિલ્હીના કૅપ્ટને પણ પહેલી ત્રણ મૅચમાં ૩૯, ૨૬ અને ૧૭ની ઇનિંગ્સ બાદ શનિવારે કલકત્તા સામે અણનમ ૮૮ રનની અફલાતૂન ઇનિંગ્સ રમીને ફુલ ફૉર્મ મેળવી લીધું છે. આજે બન્ને કૅપ્ટન તેમના આ ફૉર્મને કેટલું જાળવી રાખી છે એના પર સૌની નજર હશે. બૅન્ગલોરનો ઓપનર દેવદત્ત પડિક્કલ ચાર મૅચમાં સૌથી વધુ ત્રણ હાફ સેન્ચુરી સાથે મોસ્ટ ઇમ્પિસિવ છે. એ. બી. ડિવિલિયર્સ પણ ફિનિશિંગ જૉબ તેની સ્ટાઇલમાં બરાબર કરી રહ્યો છે. બોલરમાં યુઝવેન્દ્ર ચહલ તરખાટ મચાવી રહ્યો છે અને નવદીપ સૈની અને વૉશિંગ્ટન સુંદર એનો યોગ્ય સાથ આપી રહ્યા છે. ક્રિસ મૉરિસના ફિટ થવાની રાહ જોવાઈ રહી છે. આમ ઘણા સમય બાદ બૅન્ગલોરી ટીમ બૅલેન્સ લાગી રહી છે. બીજી તરફ દિલ્હીએ પણ તેમનો ગઈ સીઝનનો ટચ જાળવી રાખ્યો છે. પૃથ્વી શૉ અને રિષભ પંત હવે વધુ મૅચ્યોરિટી બતાવી રહ્યા છે. શિખર ધવનનું નબળું ફૉર્મ જોકે ટીમને નડી રહ્યું છે. ઑલરાઉન્ડ માર્ક્સ સ્ટૉઇનિસ ટીમને બૅલૅન્સ કરી રહ્યો છે. શિમરન હૅટમાયર પાસેથી આજે મોટી ઇનિંગ્સની આશા છે. કેગિસો રબાડા અને એનચિચ નૉર્ટેજે પેસ અટૅકનો ભાર સંભાળી રહ્યા છે. હર્ષલ પટેલે પણ શનિવારે તેની પહેલી મૅચમાં બે વિકેટ લીધી હતી. આમ બે બૅલૅન્સ ટીમ વચ્ચે જાનદાર જંગ જામવાની અપેક્ષા છે.

બૅન્ગલોર ૧૪, દિલ્હી ૮

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં કુલ ૨૩ ટક્કર થઈ છે, જેમાંથી એક મૅચનું કોઈ પરિણામ નહોતું આવ્યું અને બાકીની ૨૨માંથી ૧૪ જીતીને બૅન્ગલોરે દબદબો જાળવ્યો છે અને દિલ્હીની ૮ મૅચમાં વિજય થયો છે. જોકે ગઈ સીઝનની બન્ને જંગમાં દિલ્હીએ વિરાટસેના પરાસ્ત કરી હતી અને આજે જીતની હૅટ-ટ્રિક કરવા આતુર હશે. ૨૦૧૪માં શારજાહના જંગમાં બૅન્ગલોરનો ૮ વિકેટે શાનદાર વિજય થયો હતો.

પડિક્કલનું પરાક્રમ

બૅન્ગલોરના યુવા ઓપનર દેવદત્ત પડિક્કલે આઇપીએલ કરીઅરની પ્રથમ મૅચમાં હૈદરાબાદ સામે ૫૬ રન કર્યા હતા. ત્યાર બાદ પંજાબ સામે એક જ રન બનાવી શક્યો હતો, પણ મુંબઈ સામે ૫૪ અને શનિવારે રાજસ્થાન સામે ૬૩ રન સાથે ત્રીજી હાફ સેન્ચુરી ફટકારી હતી. આ સાથે તે આઇપીએલમાં પ્રથમ ચાર મૅચમાં ત્રણ વાર ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.

દરેક મૅચમાં કમસે કમ બે વિકેટ લેવાનો રબાડાનો વિક્રમી ક્રમ આખરે તૂટ્યો

શનિવારે કલકત્તા સામે કલકત્તાના કેસિગો રબાડા ૪ ઓવરમાં ૫૧ રન આપીને એક જ વિકેટ લઈ શક્યો હતો. આ સાથે જ તેનો આઇપીએલમાં છેલ્લી ૧૦ મૅચમાં બે કે એથી વધુ વિકેટ લેવાનો વિક્રમી ક્રમ અટકી ગયો હતો. બે મૅચ પહેલાં જ રબાડાએ સળંગ આઠ મૅચમાં આવી કમાલ કરવાનો લસિથ મલિન્ગાનો રેકૉર્ડ તોડ્યો હતો અને ૧૦ મૅચનો નવો રેકૉર્ડ બનાવ્યો હતો, પણ શનિવારે એ સિલસિલો તૂટ્યો હતો.

શનિવાર પહેલાં રબાડાનો દરેક મૅચમાં પર્ફોર્મન્સ આ પ્રમાણે હતો ઃ ૨૧ રનમાં બે, ૨૬ રનમાં ત્રણ, ૨૮ રનમાં બે, ૩૧ રનમાં બે, ૩૭ રનમાં બે, ૨૩ રનમાં બે, ૩૮ રનમાં બે, ૨૨ રનમાં ચાર, ૪૨ રનમાં બે અને ૨૧ રનમાં ચાર.

બૅન્ગલોરે સાત વર્ષ બાદ પ્રથમ ચાર મૅચમાં ત્રણ જીતી

બૅન્ગલોરે શનિવારે રાજસ્થાનને હરાવીને સીઝનની ચોથી મૅચમાં ત્રીજી જીત મેળવી હતી. આમ પ્રથમ ચાર મૅચમાં ત્રણ જીત સાથેની શાનદાર શરૂઆત બૅન્ગલોરે ત્રીજી વાર જ કરી છે. આ પહેલાં ૨૦૧૦ અને ૨૦૧૩માં કરી હતી. આમ ૭ વર્ષ બાદ વિરાટસેના ફરી જોર બતાવી રહી છે.

‌દિલ્હી ૬ વાર ૨૦૦ પ્લસ, દરેકમાં જીત

‌દિલ્હીએ શનિવારે કલકત્તા સામે ૪ વિકેટે ૨૨૮ રન બનાવ્યા હતા. ટુર્નામેન્ટમાં દિલ્હીએ છઠ્ઠી વાર ૨૦૦ પ્લસનો સ્કોર બનાવ્યો હતો અને ખાસ વાત એ છે કે દરેકમાં વાર તેમની જીત જ થઈ છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK