ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે આજે પંજાબ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર

Published: 24th October, 2020 14:27 IST | Mumbai correspondent | Mumbai

સતત ત્રણ મૅચ જીત્યા બાદ પંજાબનો આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે, પણ છેલ્લી મૅચની જેમ પંજાબને રગદોળી નાખવાનો પ્રયાસ કરશે હૈદરાબાદ

ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે આજે પંજાબ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર
ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે આજે પંજાબ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ડબલ હેડરમાં આજે બીજો મુકાબલો સતત ત્રણ મૅચ જીતી ચૂકેલી લોકેશ રાહુલના નેતૃત્વવાળી પંજાબ અને ડેવિડ વૉર્નરની કપ્તાની હેઠળ રાજસ્થાનને પાછલી મૅચમાં આઠ વિકેટે પરાજય આપનાર હૈદરાબાદ વચ્ચે થવાનો છે. ટુર્નામેન્ટમાં હૈદરાબાદ અને પંજાબ અનુક્રમે પાંચમા અને છઠ્ઠા ક્રમે છે. બન્ને ટીમ ૧૦માંથી ૪ મૅચ જીતી ચૂકી છે અને અનુક્રમે +૦.૦૯૨ અને -૦.૧૭૭નો રનરેટ ધરાવે છે. એવામાં આ બન્ને ટીમ પોતાની શેષ ચારેચાર મૅચ જીતીને ટુર્નામેન્ટના પ્લેઑફમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતી જોવા મળશે.
પંજાબ બતાવી રહ્યું છે પાવર
પંજાબ માટે આ ટુર્નામેન્ટ ઘણી રોચક રહી છે એમ કહી શકાય, કારણ કે શરૂઆતમાં ટીમનો પર્ફોર્મન્સ ઘણો નબળો હતો. શરૂઆતની ૭ મૅચમાંથી તેઓ માત્ર બે જ મૅચ પોતાના નામે કરી શક્યા હતા; પણ બૅન્ગલોર, મુંબઈ અને દિલ્હી એ ત્રણ ટીમ સામે મૅચ જીતીને પંજાબે પાવરપૅક પર્ફોર્મન્સ બતાવ્યો હતો. આજે હૈદરાબાદ સામે લોકેશ રાહુલ પોતાની ટીમનો વિજયરથ આગળ ધપાવવા ચોક્કસ પ્રયાસ કરશે. લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ક્રિસ ગેઇલ અને નિકોલસ પૂરન તેમ જ થોડે ઘણે અંશે ગ્લેન મૅક્સવેલ ટીમના સ્કોરને આગળ વધારવામાં પાયાની ભૂમિકા ભજવી શકે છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં ક્રિસ ગેઇલની કમી ટીમને નડી હતી, પણ હવે ગેઇલ આવવાથી ટીમને નવો આત્મવિશ્વાસ પ્રાપ્ત થયો છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મોહમ્મદ શમી અને જેમ્સ નીશામ બાજી પલટાવવામાં મદદરૂપ થઈ શકે છે.
વિજેતા બનવા માગશે વૉર્નરના વીરો
ટુર્નામેન્ટમાં સતત ત્રણ મૅચ હાર્યા બાદ રાજસ્થાનને આઠ વિકેટે આપેલા પરાજયને લીધે આજે હૈદરાબાદનો આત્મવિશ્વાસ ઊંચો હશે. બન્ને ટીમના પાછલા મુકાબલામાં હૈદરાબાદ પંજાબ પર ભારે પડ્યું હતું. ડેવિડ વૉર્નર (૫૨) અને જોની બેરસ્ટો (૯૭)એ ૧૬૦ રનની પાર્ટનરશિપ બનાવીને પોતાની ટીમને વિજય અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. આજની મૅચમાં પણ વૉર્નરને પોતાના વીરો પાસેથી એ જ પ્રકારના પર્ફોર્મન્સની ઉમ્મીદ હશે. જોકે રાજસ્થાન સામેની મૅચમાં આ બન્ને પ્લેયરો નહોતા ચાલ્યા અને મનીષ પાંડે (નાબાદ ૮૩) તેમ જ વિજય શંકરે (નાબાદ ૫૨) ૧૪૦ રનની પાર્ટનરશિપ કરી ટીમને જીત અપાવી હતી. ટૂંકમાં હૈદરાબાદના પ્લેયર પોતાની જવાબદારી સમજવામાં સક્ષમ છે. રાજસ્થાન સામે જેસન હોલ્ડર પોતાની દમદાર બોલિંગ સાથે રમતો જોવા મળ્યો હતો જે ટીમ માટે સારા સંકેત છે. જોકે અન્ય પ્લેયર પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ અને ટી. નટરાજન પાસેથી ટીમને સંતોષકારક પર્ફોર્મન્સ જોવા નથી મળ્યો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK