IPL 2020: ગેઇલનો 1000 સિક્સરનો રેકૉર્ડ ભવિષ્યમાં કોઈ તોડી શકે એમ નથી

Published: 20th September, 2020 07:42 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

યુનિવર્સલ બૉસ ક્રિસ ગેઇલ ટી૨૦ ક્રિકેટમાં આટલી સિક્સર ફટકારનાર પ્રથમ પ્લેયર બનવાથી ફક્ત ૨૨ સિક્સર દૂર : આ આઇપીએલમાં આ લૅન્ડમાર્ક મેળવવાનો ગોલ્ડન ચાન્સ

ક્રિસ ગેઇલ
ક્રિસ ગેઇલ

સિક્સર-કિંગ કે યુનિવર્સલ બૉસ તરીકે નામના મેળવનાર કૅરિબિયન જાયન્ટ ક્રિસ ગેઇલને શનિવારથી શરૂ થઈ રહેલી આઇપીએલમાં તેનાં પરાક્રમોના લિસ્ટમાં વધુ એકનો ઉમેરો કરવાનો મોકો છે. સિક્સર હિટર્સની ચર્ચા થાય ત્યારે કોઈના પણ લિસ્ટમાં પ્રથમ નામ હંમેશાં ગેઇલનું રહેતું હોય છે. ગેઇલે ટી૨૦ ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી વધુ ૯૭૮ સિક્સર ફટકારી છે અને ૧૦૦૦ સિક્સરના પરાક્રમથી તે હવે ફક્ત ૨૨ સિક્સર દૂર છે. કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમતાં આ આઇપીએલમાં ગેઇલ કદાચ આ લૅન્ડમાર્ક હાંસલ કરી શકે છે. પંજાબ વતી રમતાં ગેઇલે ૨૦૧૮માં ૨૭ અને ગયા વર્ષે ૩૪ સિક્સર ફટકારી હતી. ગેઇલ રમ્યો હતો એ કુલ ૧૧ આઇપીએલ સીઝનમાં ૬ વાર ૨૨થી વધુ સિક્સર ફટકારી ચૂક્યો છે એથી ગેઇલપ્રેમીઓ આ સીઝનમાં પણ ગેઇલ મેદાન ગજાવતાં ૧૦૦૦ સિક્સરના લૅન્ડમાર્કને હાંસલ કરી લેશે એવી આશા રાખી રહ્યા છે.

ગેઇલનો 1000 સિક્સરનો રેકૉર્ડ નજીકના ભવિષ્યમાં કોઈ તોડી શકે એમ નથી, કેમ કે બીજા ક્રમે રહેલા તેના દેશના કીરોન પોલાર્ડની ૬૭૨ સિક્સર છે.

આઇપીએલનો પણ સિક્સર-કિંગ

આઇપીએલમાં સૌથી વધુ ૩૨૬ સિક્સરનો રેકૉર્ડ ગેઇલના નામે છે. ૨૧૨ સિક્સર સાથે બીજા ક્રમે સાઉથ આફ્રિકન એ. બી. ડિવિલિયર્સ છે અને ત્રીજા ક્રમે મહેન્દ્ર સિંહ ધોનીની ૨૦૯ સિક્સર છે.

ગેઇલ આઇપીએલનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે ચાર-ચાર સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનું પરાક્રમ કર્યું છે. ગેઇલ ૨૦૧૧માં ૪૪, ૨૦૧૨માં ૫૯, ૨૦૧૩માં ૫૧ અને ૨૦૧૫માં ૩૮ સિક્સર ફટકારીને છવાઈ ગયો હતો.

એક મૅચમાં હાઇએસ્ટ સિક્સર

એક જ ઇનિંગ્સમાં સૌથી વધુ ૧૮ સિક્સરનો રેકૉર્ડ પણ ગેઇલના નામે છે, જે તેણે ૨૦૧૭માં બંગલા દેશ પ્રીમિયર લીગની એક મૅચમાં ફટકારી હતી.

ઝીરોમાં પણ બની શકે છે કિંગ

પરાક્રમી ગેઇલનો આઇપીએલની આ સીઝનમાં એક નામોશીભર્યો રેકૉર્ડ પણ તેના નામે થઈ શકે છે. ગેઇલ અત્યાર સુધી ટી૨૦ ક્રિકેટમાં ૨૭ વાર ઝીરો પર આઉટ થયો છે. અત્યારે ગેઇલ સૌથી વધુ વખત ઝીરોમાં આઉટ થવાના લિસ્ટમાં પાકિસ્તાનના ઉમર અકમલ સાથે સંયુક્ત રીતે બીજા નંબરે છે. ૨૮ વખત ઝીરો પર આઉટ થઈને પ્રથમ નંબરે તેના જ દેશનો ડ્વેઇન સ્મિથ છે. આ આઇપીએલમાં વધુ એક વખત ઝીરો પર આઉટ થઈને ગેઇલ ઝીરો-કિંગ બની શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK