ચાર્જ થઈ રહેલી ચેન્નઈની શારજાહમાં થશે દિલ્હી-ટેસ્ટ

Published: 17th October, 2020 13:02 IST | Agencies | Mumbai

ત્રણ વખતની ચૅમ્પિયન ધોનીસેનાએ આ સીઝનના બેસ્ટ ઍન્ડ ફાસ્ટ બોલિંગ-અટૅક સામે રહેવું પડશે સાવધાન

ચાર્જ થઈ રહેલી ચેન્નઈની શારજાહમાં થશે દિલ્હી-ટેસ્ટ
ચાર્જ થઈ રહેલી ચેન્નઈની શારજાહમાં થશે દિલ્હી-ટેસ્ટ

શારજાહમાં આજે દિવસની બીજી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રોમાંચક ટક્કર જામવાની અપેક્ષા છે. સીઝનમાં અત્યારે આઠમાંથી છ જીત સાથે અપેક્ષા પ્રમાણે દિલ્હી ટૉપ પર છે, પણ ચેન્નઈ આઠમાંથી માત્ર ૩ જીત અને પાંચ-પાંચ હાર સાથે છેક છઠ્ઠા નંબરે ઝઝૂમી રહી છે. બન્ને ટીમ તેમની છેલ્લી મૅચના વિજયના જોશ સાથે આજે મેદાનમાં ઊતરશે. દિલ્હીનો રાજસ્થાન સામે ૧૩ રનથી જ્યારે ચેન્નઈનો હૈદરાબાદ સામે ૨૦ રનથી વિજય થયો હતો.
ધોનીની નવી ચાલ પર નજર
મહેન્દ્ર સિંહ ધોનીની સ્માર્ટ કૅપ્ટન્સીને લીધે ચેન્નઈ ફરી ચાર્જ થઈ રહી છે, પણ આજે દમદાર દિલ્હીને રોકવાનો તેની સામે મોટો પડકાર છે. છેલ્લી મૅચમાં હૈદરાબાદ સામે ધોનીના સૅમ કરેનને ઓપનિંગ કરાવવાથી લઈને દીપક ચાહરને ચારેય ઓવર શરૂઆતમાં જ કરાવી લેવાના દરેક સ્માર્ટ મૂવ સફળ થતાં હાલકડોલક થઈ રહેલી હોડીને થોડી સ્થિરતા મળી હતી. છેલ્લી મૅચમાં ધોનીએ ત્રણ સ્પિનરો - પીયૂષ ચાવલા, કર્ણ શર્મા અને રવીન્દ્ર જાડેજાને મેદાનમાં ઉતાર્યા હતા. આજે શારજાહની પિચ જે હવે ધીમે-ધીમે સ્લો થઈ રહી છે તેમ જ છેલ્લી મૅચમાં બૅન્ગલોર અને પંજાબની જીતમાં સ્પિનરોની નિર્ણાયક ભૂમિકાને લીધે ત્રણેય સ્પિનર સાથે ઊતરે એવી સંભાવના છે.
બોલિંગ-અટૅક છે દિલ્હીની જાન
ટુર્નામેન્ટનો સેકન્ડ હાફ શરૂ થઈ ગયો છે અને હવે દરેક હાર-જીત ખૂબ જ મહમહત્ત્વની બની રહેવાની હોવાથી ચેન્નઈ આજે હૈદરાબાદ સામેની જીતથી મળેલા જોશ વડે દિલ્હીને નાથવા કોઈ કસાશ બાકી નહીં રાખે. જોકે ચેન્નઈ માટે જીત મેળવવી એટલી આસાન નહીં હોય. દિલ્હીનો બોલિંગ-અટૅક બધી જ ટીમમાં સૌથી બેસ્ટ છે. સાઉથ આફ્રિકન જોડી કૅગિસો રબાડા અને ઍનરિચ નોર્ટેજના બોલિંગ-અટૅકમાં જાન છે. રબાડા હાઇએસ્ટ ૧૭ વિકેટ લઈ પર્પલ કૅપ માથે શોભાવી રહ્યો છે જ્યારે નૉર્ટેજ ૧૦ વિકેટ અને ૭.૩૪ની ઇકૉનૉમી સાથે યોગ્ય સાથ આપી રહ્યો છે. નૉર્ટેજે રાજસ્થાન સામે આઇપીએલના ઇતિહાસના સૌથી ફાસ્ટેસ્ટ પ્રતિ કલાક ૧૫૬.૨ની ઝડપે બૉલ ફેંકીને પોતાની તાકાત બતાવી દીધી છે. રવીચન્દ્રન અશ્વિન અને અક્ષર પટેલ અસરકારક પુરવાર થઈ રહ્યા છે. મુંબઈકર તુષાર દેશપાંડેએ પણ તેની રાજસ્થાન સામેની પહેલી જ મૅચમાં બે વિકેટ સાથે યાદગાર ડેબ્યુ કરીને દિલ્હીના અટૅકને વધુ ધારદાર બનાવી દીધો છે. જોકે દિલ્હીને ઇન્જરીની સમસ્યા ભારે સતાવી રહી છે. અમિત મિશ્રા અને ઇશાન્ત શર્મા તો ઇન્જર્ડ થઈને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે અને વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત એક અઠવાડિયા માટે રમી શકે એમ નથી અને હવે રાજસ્થાન સામે કૅપ્ટન શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થતાં એની ચિંતામાં વધારો થયો છે. શાનદાર
બૅટિંગ-ફૉર્મ ઉપરાંત ઐયરની કૂલ લીડરશિપની દિલ્હીની ખાસ જરૂર છે. બૅટિંગમાં શિખર ધવન ફરી ફૉર્મમાં આવી જતાં રાહત અનુભવી રહેલા દિલ્હીને હવે ચિંતા ઓપનર પૃથ્વી શૉનો અસાતત્યભર્યા પર્ફોર્મન્સની છે. ઑલરાઉન્ડર માર્ક્સ સ્ટૉઇનિસ જરૂર પડે ત્યારે બૉલ કે બૅટ વડે તૈયાર જ હોય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK