ઘાયલ શેરો આજે બનશે મરણિયા

Published: 4th October, 2020 10:14 IST | Agencies | Mumbai

ચેન્નઈ છેલ્લી ત્રણેય મૅચ હારી ગયું છે, જ્યારે પંજાબ ચારમાંથી ત્રણ હારીને ઝઝૂમી રહ્યું છે

ઘાયલ શેરો આજે બનશે મરણિયા
ઘાયલ શેરો આજે બનશે મરણિયા

આજે આઇપીએલમાં દુબઈમાં બે ઘાયલ ટીમો વચ્ચે રમખાણ ફાટવાનું છે. ત્રણ વખતના ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ મૅચમાં ચૅમ્પિયન મુંબઈને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ રાજસ્થાન, દિલ્હી અને હૈદરાબાદ સામે હારીને હતાશ થઈ ગયું છે. જ્યારે પંજાબે પહેલી મૅચમાં રોમાંચક ટક્કરમાં દિલ્હી સામે ટાઇ બાદ હાર જોવી પડી હતી, પણ બીજી મૅચમાં બૅન્ગલોરને હરાવીને જીતની ગાડીને પાટા પર દોડાવવા માંડ્યા હતા. નેક્સ્ટ સ્ટેશન પર રાજસ્થાન અને મુંબઈએ તેમને પાટા પરથી ઉતારી દેતાં ફરી તેઓ પ્રેશરમાં આવી ગયા છે. આમ બન્ને સમદુખિયા અને ઘાયલ શેરોએ આજે મરણિયા બનવું પડશે. પૉઇન્ટ-ટેબલમાં સેકન્ડ-લાસ્ટ પંજાબ સાતમા અને ચેન્નઈ આઠમા અને છેલ્લા ક્રમાંકે છે.
ભૂલોને સુધારશે એ બાજી મારશે
ફૅફ ડુ પ્લેસિસ અને અંબાતી રાયુડુ સિવાય ચેન્નઈનો કોઈ બૅટ્સમૅન ટચમાં નથી લાગતો. શેન વૉટ્સન અને કેદાર જાધવ વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છે તો રવીન્દ્રજાડેજા અને મહેન્દ્ર સિંહ ધોની સેટ થવામાં વધુ પડતો સમય લઈ રહ્યા છે. હૈદરબાદ સામે પણ તેમણે બનાવેલા પહેલી ૧૦ ઓવરમાં ??? રન આ સીઝનમાં કોઈ પણ ટીમે બનાવેલા સૌથી ઓછા રન હતા અને એ જ તેમની નડી ગયું. છેલ્લે ધોની અને જાડેજાએ જોર લગાવ્યું પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. બોલરોમાં સાતત્યનો અભાવ જણાય છે અને ભરપૂર રન આપી રહ્યા છે. ફીલ્ડિંગમાં પણ ફૅફ ડુ પ્લેસિસ સિવાય બધા આઉટ ઑફ ટચ લાગી રહ્યા છે. આજે ધોની અને કોચ સ્ટીફન ફ્લેમિંગે પંજાબ સામેના જંગ પહેલાં આ બધી સમસ્યાઓ અંગે ચિંતન કરવું પડશે.
બીજી તરફ પંજાબે બબ્બે વાર ૨૦૦ કરતાં વધુ રન બનાવ્યા છતાં હાર જોવી પડી છે. ઑરેન્જ કૅપ અને પર્પલ કૅપ બન્ને ટીમ પાસે છે, પણ ટીમના ખાતામાં ચાર મૅચમાં એક જ જીત છે.
બૅટિંગમાં કૅપ્ટન લોકેશ રાહુલ અને સાથીઓપનર મયંક અગરવાલ જ બધો ભાર ઉપાડી રહ્યા છે. ગ્લેન મૅક્સવેલ અને નિકોલસ પૂરન પૂરેપૂરા ખીલ્યા નથી. બોલિંગનો બધો ભાર મોહમ્મદ શમી એકલો ઉપાડી રહ્યો છે. આજે પંજાબે હારની હૅટ-ટ્રિક અને પૉઇન્ટ-ટેબલમાં છેલ્લા ક્રમાંકની નામોશીને ટાળવી હશે તો નવા જોશ અને સ્ટ્રૅટેજી સાથે મેદાનમાં ઊતરવું પડશે. ક્રિસ ગેઇલને પણ મોકો આપવાનો વિચાર કરવો પડશે.

એકની એક ભૂલો વારંવાર : ધોની 

હૈદરાબાદ સામે હાર્યા બાદ ચેન્નઈના હતાશ કૅપ્ટન ધોનીએ કહ્યું કે ‘અમારી ટીમ એકની એક ભૂલ વારંવાર કરી રહી છે. કદાચ ઘણા સમય પહેલાં અમે આવી રીતે સતત ત્રણ મૅચ હાર્યા હોઈશું. અમારે ભૂલો સુધારવી પડશે. એકની એક ભૂલોને વારંવાર દોહરાવવી ન જોઈએ. કૅચ છોડ્યા, નો બૉલ ફેંક્યા, આ બધું અમારા કન્ટ્રોલમાં છે અને એ ન થવું જોઈએ. હું પોતે બૉલને બરાબર ફટકારી નહોતો શકતો. કદાચ હું વધુ પડતી કોશિશ કરી રહ્યો હતો. વિકેટ ધીમી હોય ત્યારે તમારા શૉટનો ટાઇમિંગ બરાબર હોવો જોઈએ. સખત ગરમી હતી અને આમાં ગળું વારંવાર સુકાઈ રહ્યું હતું.’

રૈનાએ આપી ધોનીને શુભેચ્છા, ખુશ છું કે મારો રેકૉર્ડ તે તોડ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુરુવારે ધોની સૌથી વધુ ૧૯૪ મૅચ રમનાર ખેલાડી બન્યો હતો. ધોનીઅે તેના બેસ્ટ ફ્રેન્ડ સુરેશ રૈનાનો ૧૯૩ મૅચનો રેકૉર્ડ તોડ્યો હતો. રૈનાઅે આ વિશે ધોનીને ટ્વીટ કરીને શુભેચ્છા આપતાં લખ્યું હતું, ‘આઇપીએલમાં સૌથી વધારે મૅચ રમવાનો રેકૉર્ડ બનાવવા બદલ કૉન્ગ્રેચ્યુલેશન્સ માહીભાઈ. હું ખુશ છું કે મારો રેકૉર્ડ તેં તોડ્યો.’ ‍

વાળ કાળા કરવાથી કોઈ જવાન નથી બની જતું : કેઆરકે

બૉલીવુડ ઍક્ટર કમાલ આર. ખાને ધોનીની ટીકા કરતી ટ્વીટ કરતાં ધોનીના ચાહકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. ચેન્નઈની હાર બાદ કમાલ ખાને ટ્વીટ કર્યું હતું કે ‘ભાઈ, વાળ કાળા કરવાથી કોઈ જવાન નથી થઈ જતું. બે રન દોડવામાં તારો શ્વાસ ચડી જાય છે. પણ તારે બુઢાપામાં રમીને બેઇજ્જતી કરાવવી જરૂરી છે એવું કોણે કીધું. અમે તારા ફૅન છીએ. તને આવી હાલતમાં જોવું નથી ગમતું. ઇજ્જતથી સંન્યાસ લઈ લે.’
ધોનીના ચાહકો કમાલ ખાનને ૪૫ વર્ષનો એક ફ્લૉપ ઍક્ટર ગણાવીને તેના પર તૂટી પડ્યા હતા અને તેને ટ્વિટર પરથી સંન્યાસ લેવાની સલાહ આપી હતી.

જાડેજા અનોખી ક્લબમાં સામેલ

જાડેજાની ૩૫ બૉલમાં ૫૦ રનની ઇનિંગ્સ સાથે આઇપીએલમાં તેના ૧૭૪ મૅચમાં ૨૦૦૦ રન થયા છે. આ સાથે તે ૨૦૦૦ રન અને ૧૦૦ વિકેટ લેનારો પ્રથમ ખેલાડી બન્યો છે. જાડેજાઅે ૧૭૪ મૅચમાં ૧૧૦ વિકેટ લીધી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK