IPL 2020: બૅટ્સમૅનની ટ્રાયલની લાઇન લાંબી હોવાથી બન્યો બોલર

Published: 16th October, 2020 14:18 IST | IANS | Mumbai

રબાડા પણ ૨૫ વર્ષના પેસબોલરના પહેલી મૅચના પર્ફોર્મન્સ પર ફિદા

તુષાર દેશપાંડે
તુષાર દેશપાંડે

આઇપીએલની પહેલી જ મૅચમાં બેન સ્ટોક્સની પ્રથમ વિકેટ લઈને તથા નિર્ણાયક છેલ્લી ઓવર સાથે છવાઈ ગયો મુંબઈકર તુષાર દેશપાંડે..

મુંબઈના આઇકૉનિક શિવાજી પાર્ક જિમખાનામાં ટ્રાયલ માટેની લાંબી લાઇનમાં ઊભેલા એક ઊભરતા બૅટ્સમૅનથી આઇપીઅેલમાં પ્રથમ મૅચમાં એક પેસબોલર તરીકે યાદગાર અેન્ટ્રી સુધીની ખરેખર રોમાંચક સફર છે તુષાર દેશપાંડેની.
તુષાર દેશપાંડેએ બુધવારે દિલ્હી કૅપિટલ્સ વતી આઇપીએલ કરીઅરની શરૂઆત કરતાં રાજસ્થાન સામે વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર બેન સ્ટોક્સની પ્રથમ વિકેટ લીધી હતી તેમજ પહેલી મૅચમાં છેલ્લી નિર્ણાયક ઓવર માટે દિલ્હી કૅપ્ટને તેને જવાબદારી સોંપી હતી અને ટીમના વિશ્વાસને સાર્થક કરતાં છેલ્લી ઓવરમાં જરૂરી ૨૨ રન સામે ફક્ત ૮ રન આપીને દિલ્હીને ૧૩ રનની વિજય અપાવ્યો હતો. છેલ્લા બૉલમાં તેને શ્રેયસ ગોપાલની વિકેટ પણ મળી હતી. આમ પહેલી જ મૅચમાં તુષાર દેશપાંડેએ તેની ટૅલન્ટનો ચમકારો બતાવ્યો હતો.
લાઇનને લીધે લાઇન બદલી
અેક ટીવી-ચૅટ-શૉ દરમ્યાન તુષારે વર્ણવેલી તેની સફર ખરેખર ખૂબ જ સંઘર્ષપૂર્ણ અને રોમાંચક છે. ૨૦૦૭માં
કલ્યાણથી ઊભરતા બૅટ્સમૅન તુષાર અને તેના બે-ચાર મિત્રો દાદરમાં આવેલા શિવાજી પાર્ક જિમખાના દ્વારા આયોજિત ટ્રાયલ માટે આવ્યા હતા. બપોરરે ૩.૩૦ વાગી ગયા હતા અને ૪૦-૪૫ લોકો બૅટ્સમૅનની ટ્રાયલ માટે લાઇનમાં ઊભા હતા અને બીજા ૨૦-૨૫ પૅડ પહેરીને ટ્રાયલ માટે તૈયાર હતા. સાંજે ૬થી ૬.૩૦ વાગ્યે ટ્રાયલ બંધ થવાની હોવાથી તુષારને લાગ્યું કે બૅટ્સમૅન માટે તો મોકો નહીં મળે. તુષારને ખાલી હાથે ઘરે નહોતું જવું અેટલે બોલર માટેની ટ્રાયલમાં ઊભો રહી ગયો. બોલર્સની લાઇન ઝડપભેર આગળ વધી રહી હતી અને તુષારનો નંબર પણ આવી ગયો. તુષારનો નંબર આવ્યો ત્યારે તેના સદ્નસીબે તેના હાથમાં નવો બૉલ આવ્યો હતો. પહેલા જ બૉલમાં ટ્રાયલ લઈ રહેલા પદ્‍માકર શિવલકર સર ખુશ થઈ ગયા અને તેને વધુ છ-સાત બૉલ બોલિંગ કરાવ્યા બાદ તેને સિલેક્ટ કરી લીધો. શિવલકર અને સંદેશ કાવલ સરેની શાબાશી અને વખાણને લીધે તેનામાં કૉન્ફિડન્સ આવી ગયો અને તેણે જિમખાનામાં પેસર તરીકે રમવાનું શરૂ કર્યું.
ઐયર સાથે બાળપણમાં લીધી છે ટ્રેઇનિંગ
દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરના નેતૃત્વમાં તુષાર દેશપાંડેએ આઇપીએલમાં ડેબ્યું કર્યું હતું, પણ નવાઈની વાત એ છે કે આ બન્ને પ્લેયર્સ નાનપણમાં શિવાજી પાર્ક જિમખાનામાં એકસાથે ટ્રેઇનિંગ લઈ ચૂક્યા છે.
તુષારનો ડોમેસ્ટિક રેકૉર્ડ
શિવાજી પાર્ક જિમખાના માટે રમ્યા બાદ ૨૦૧૬માં તુષાર પારસી જિમખાના માટે રમતો હતો. મુંબઈની અન્ડર-16 અને અન્ડર-19 ટીમનો તે હિસ્સો રહી ચૂક્યો છે. આ ઉપરાંત તે ઇન્ડિયા એ અને ઇન્ડિયા બ્લુ માટે પણ રમી ચૂક્યો છે. કૂચ બિહાર ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યા બાદ ૨૦૧૬-’૧૭માં તે પહેલી વાર મુંબઈ રણજી ટ્રોફી માટે સિલેક્ટ થયો હતો. ૨૦૧૮-’૧૯માં વિજય હઝારે ટ્રોફીના પહેલા ક્વૉર્ટર ફાઇનલ મુકાબલામાં તુષારે શાનદાર બોલિંગ કરી ૨૩ રનમાં પાંચ વિકેટ મેળવી હતી. અત્યાર સુધી ૨૦ ફર્સ્ટ ક્લાસ મૅચમાં તુષારે કુલ ૫૦ વિકેટ પ્રાપ્ત કરી છે જ્યારે ટી૨૦ મૅચમાં તેના નામે ૩૧ વિકેટ નોંધાયેલી છે.
આઇપીએલ સફર, બૉલ-બૉયથી બોલર
આઇપીએલની સીઝન ૨૦૦૮માં વાનખેડેમાં બૉલ-બૉય તરીકે બાઉન્ડરીલાઇનની બહાર બેસેલા તુષારને સપનામાં નહીં ખબર હોય કે તે અેક દિવસ મેદાનમાં તરખાટ મચાવશે. ૨૦૦૮ની પહેલી સીઝનમાં બૉલ-બૉય તુષાર ૨૦૨૦માં ૧૨ વર્ષ બાદ પેસબોલર તરીકે દિલ્હી કૅપિટલ્સ વતી કરીઅર શરૂ કરીને બે વિકેટ અને નિર્ણાયક ઓવર સાથે ચમકારો પણ બતાવ્યો.
રબાડા ખુશ હુઆ
પહેલી મૅચના તેના પર્ફોર્મન્સને જોતાં દિલ્હી કૅપિટલ્સના સાથી પ્લેયર અને આ સીઝનમાં હાઇઅેસ્ટ ૧૭ વિકેટ સાથે પર્પલ કૅપ પહેરનાર કૅગિસો રબાડાએ તેનાં વખાણ કર્યાં હતાં. રબાડાએ કહ્યું કે ‘દેશપાંડે એક યુવા ખેલાડી છે. ક્રિકેટને લઈને તેનામાં ઘણું ઝનૂન છે અને તે એક ટૅલન્ટેડ પ્લેયર છે જેને વિકેટની ભૂખ છે. તેને જોઈને એવું નહોતું લાગતું કે તે પોતાની પહેલી મૅચ રમી રહ્યો છે. તેણે હજી ઘણું કામ કરવાનું છે, કારણ કે તે ભારતનું ભવિષ્ય છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK