IPL 2020 : બૅન્ગલોર સામે ધોનીના ધુરંધર બૅટ્સમેનો પર હશે ખાસ નજર

Published: 10th October, 2020 14:22 IST | Agencies | Mumbai

સંઘર્ષ કરી રહેલી ચેન્નઈને વધુ પરાજય પોસાય એમ નથી, જ્યારે વિરાટસેના ફૉર્મ જાળવીને વિજયરથને આગળ ધપાવવા મક્કમ હશે

IPL 2020 : બૅન્ગલોર સામે ધોનીના ધુરંધર બૅટ્સમેનો પર હશે ખાસ નજર
IPL 2020 : બૅન્ગલોર સામે ધોનીના ધુરંધર બૅટ્સમેનો પર હશે ખાસ નજર

દુબઈ : (પી.ટી.આઇ.) આઇપીએલમાં આજે દિવસની બીજી મૅચ ગુરુ અને શિષ્ય વચ્ચે એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચે થવાની છે. ચેન્નઈ આ વર્ષે નામ પ્રમાણે કામ કરવામાં સફળ નથી થઈ અને ૬ મૅચમાંથી માત્ર બે મૅચ જ જીતીને -૦.૩૭ના રનરેટ સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે કોહલીની બૅન્ગોર આ વર્ષે સારું પર્ફોર્મ કરીને પાંચમાંથી ત્રણ મૅચ જીતીને -૧.૩૬ના રનરેટ સાથે પાંચમા ક્રમે છે.
ચેન્નઈનું ફૉર્મ ચિંતાજનક
ધોનીની ટીમ આઇપીએલમાં પોતાના લોગોના સિંહની માફક ઘાતક ટીમ તરીકેની છબિ ધરાવે છે, પણ આ વર્ષે એ લાચાર દેખાઈ રહી છે. કલકત્તા સામે હાથમાં આવેલી બાજી ચેન્નઈ શરમજનક રીતે ૧૦ રનથી હારી ગયું હતું અને ધોનીએ કહેવું પડ્યું કે બોલરોની મહેનત પર બૅટ્સમેનોઅે પાણી ફેરવી નાખ્યું. આ પરાજય બાદ કેદાર જાધવ ટીકાકારોના નિશાના પર આવી ગયો છે અને ચેન્નઈના ચાહકો તેની ટીમમાંથી હકાલપટ્ટી કરવાની માગણી કરી રહ્યા છે. આજે ધોની એ માગણી માને છે કે જાધવને વધુ એક મોકો આપે છે એ તરફ બધાની નજર હશે. જોકે જાધવને પડતો મુકાશે તો ઋતુરાજ ગાયકવાડ અથવા એન. જગદીશનનો ટીમમાં સમાવેશ થઈ શકે છે. છેલ્લી બે મૅચથી શેન વૉટ્સન ફૉર્મ બતાવી રહ્યો છે અને તેનો સાથી ઓપનર ફેફ ડુ પ્લેસિસ ૬ મૅચમાં ૨૯૯ રન સાથે જબરદસ્ત ફૉર્મમાં છે અને પર્પલ કૅપથી માત્ર ૧૪ રન દૂર છે. ચાહકો ધોનીના ફૉર્મની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, સૅમ કરેન, કર્ણ શર્મા બોલિંગનો ભાર તો ઉપાડી રહ્યા છે, પણ બાઉન્ડરીઓ રોકવા પર ખાસ ભાર આપવો પડશે.
કોહલીની ટીમે કરવી પડશે કમાલ
શરૂઆતની મૅચમાં કૅપ્ટન વિરાટ કોહલીનું નબળું પ્રદર્શન લોકો માટે ચર્ચાનો વિષય બન્યો હતો, પણ છેલ્લી કેટલીક મૅચમાં તેના પર્ફોર્મન્સે આલોચકોને જવાબ આપી દીધો છે. યુવા પ્લેયર દેવદત્ત પડિક્કલ સારા ફૉર્મમાં છે, જ્યારે એબી ડિવિલિયર્સ વિકેટકીપિંગ સાથે મિડલ ઑર્ડરને મજબૂતી આપી રહ્યો છે. ઍરોન ફિન્ચે એકાદ મોટી ઇનિંગ્સની જરૂર છે. હા, બોલિંગ ડિપાર્ટમેન્ટ કોહલી માટે માથાનો દુખાવો હોઈ શકે છે. યુઝવેન્દ્ર ચહલને માત્ર વૉશિંગ્ટન સુંદરનો યોગ્ય સાથ મળી રહ્યો છે. ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈનીની બૅટ્સમેનો ઘણી ધુલાઈ કરી રહ્યા છે. ઇસરુ ઉદાના ટીમને ઇનિંગના અંતમાં મદદરૂપ થાય એવો પ્લેયર છે. ‍જોઈએ આજે ધોનીની ધમાલ જોવા મળે છે કે કોહલીની કમાલ.
બોક્સ
બૅન્ગલોરની આઠ દિવસમાં ચાર મૅચ
બૅન્ગલોરે હવે આજથી આઠ દિવસમાં એકાંતરે ચાર મૅચ રમવાની છે. આજે ચેન્નઈ બાદ સોમવારે કલકત્તા સામે, ગુરુવારે પંજાબ સામે અને શનિવારે રાજસ્થાન સામે બૅન્ગલોરે રમવાનું છે. આમ બૅન્ગલોર માટે આ અઠવાડિયું મહત્ત્વનું છે. બૅન્ગલોરના કોચ સિમોન કૅટિચે આ બાબતે કહ્યું હતું કે ‘અમારે આઠ દિવસમાં ચાર મૅચ રમવાની છે અને એ અમારા માટે અઘરું રહેશે. આ તબક્કો નક્કી કરશે કે અમે ટુર્નામેન્ટમાં આગળ વધીશું કે બહાર થઈ જઈશું. હું હજી પણ ઇચ્છું છું કે અમારા પ્લેયર પૉઝિટિવ રહે. અમારી ટીમમાં આ વખતે ભરપૂર એનર્જી છે. જો અમે લય મેળવી લીધો તો કોઈ પણ ટીમને ભારે પડીશું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK