IPL 2020: બે વિજયને લીધે ઉત્સાહી પંજાબની ટૉપની દિલ્હી સામે થશે આકરી કસોટી

Published: 20th October, 2020 16:30 IST | PTI | Dubai

છેલ્લી બે મૅચમાં બૅન્ગલોર અને મુંબઈને હરાવ્યા બાદ પંજાબનો આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે, જ્યારે દિલ્હી મુંબઈ સામે હાર્યા બાદ લાગલગાટ ત્રીજી ગેમ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરશે

શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને બીજી સુપરઓવરમાં હરાવ્યા બાદ કિંગ્સ ઇલેવન પંજાબનો આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે અને આ આત્મવિશ્વાસ સાથે આજે તે પૉઇન્ટ-ટેબલમ પર નંબર-વન એવી દિલ્હી કૅપિટલ્સ સામે બાથ ભીડવા દુબઈના મેદાનમાં ઊતરશે. સતત પાંચ મૅચ હાર્યા બાદ પંજાબની ટીમ છેલ્લી બે મૅચ જીતવામાં સફળ રહી છે જેમાં તેણે બૅન્ગ્લોર અને મુંબઈને પરાજય આપ્યો હતો. વળી મુંબઈ સામે પાંચ વિકેટે હાર્યા બાદ દિલ્હીની ટીમ રાજસ્થાન અને ચેન્નઈને હરાવીને આજે પંજાબ સામે સતત ત્રીજી જીત નોંધાવવાનો પૂરતો પ્રયાસ કરશે. દિલ્હી ૯માંથી ૭ મૅચ જીતીને +૦.૯૨૧ના રનરેટ સાથે પહેલા ક્રમે, જ્યારે પંજાબ ૯માંથી ૩ મૅચ જીતીને -૦.૨૬૨ના રનરેટ સાથે છઠ્ઠા ક્રમે છે.
પંજાબ હશે આત્મવિશ્વાસથી ભરપૂર
ટુર્નામેન્ટમાં લોકેશ રાહુલની પંજાબની ટીમ અત્યાર સુધી મોટા ભાગે હારતી જોવા મળી છે, પણ બૅન્ગલોર અને મુંબઈ સામેની કાંટે કી ટક્કર કહેવાય એવી મૅચમાં તેમનું નસીબ જોર કરી ગયેલું અને બન્ને મૅચ જીતવામાં પંજાબ સફળ રહ્યું. સ્વાભાવિક છે કે આ સતત મળેલી બીજી જીત બાદ પંજાબની ટીમનો આત્મવિશ્વાસ વધી ગયો હશે અને આજે દમદાર દિલ્હી સામે આ ટુર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવવા માટે એ પ્રયાસ કરશે. એક બાજુ ટીમના ઑલરાઉન્ડર પ્લેયર ગ્લેન મૅક્સવેલની ડેથ ઓવરમાં બોલિંગ અને તેનું પ્રદર્શન ટીમ માટે ચિંતાનો વિષય છે, તો બીજી બાજુ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ૬ મૅચ હારી હોવા છતાં પંજાબની ટીમના ઓપનિંગ પ્લેયર લોકેશ રાહુલ (૫૨૫) અને મયંક અગ્રવાલ (૩૯૩) ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર્સની યાદીમાં ટૉપ પર છે જે ટીમ માટે સારા સંકેત છે. ધુઆંધાર અને સ્ફોટક બૅટ્સમૅન ક્રિસ ગેઇલનો લાભ પણ ટીમને મળી રહ્યો હોવાથી ટીમની ઓપનિંગ જોડી પરનો ભાર થોડા ઘણા અંશે ઓછો થયો છે એમ કહી શકાય. નિકોલસ પૂરન પોતાની ઘાતકતા બતાવવામાં સક્ષમ છે, પણ હજી સુધી મૅચ વિનિંગ પારી નથી રમી શક્યો જેને કારણે પાવર-પ્લેમાં સ્પિનર્સ સામે રમવામાં મૅક્સવેલ પરનો ભાર વધી જાય છે.
દમદાર દિલ્હી પણ બતાવશે દમ
યુવા અને ટૅલન્ટેડ પ્લેયર શ્રેયસ ઐયરના નેતૃત્વમાં રમી રહેલી દિલ્હી કૅપિટલ્સની ટીમ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં ૯માંથી ૭ મૅચ જીતીને પૉઇન્ટ-ટેબલ પર ટોચના સ્થાને છે. રાજસ્થાન અને ચેન્નઈને માત આપ્યા બાદ દિલ્હી આજે પોતાનો વિજયરથ આગળ ધપાવાવ મેદાનમાં ઊતરશે. છેલ્લી કેટલીક મૅચમાં ઓપનિંગ પ્લેયર શિખર ધવન જબરદસ્ત ફૉર્મમાં હોવાનું પ્રદર્શન કરી ચૂક્યો છે પણ પૃથ્વી શૉ એવું કરવામાં નિષ્ફળ રહ્યો છે. અક્ષર પટેલ પણ ચેન્નઈ સામેની મૅચમાં બૉલ અને બૅટ વડે પોતાનું કૌવત બતાવવામાં સફળ રહ્યો હતો. રિષભ પંતની ગેરહાજરીમાં રમી રહેલા અજિંક્ય રહાણે હજી સુધી કોઈ મોટી પારી નથી રમ્યો. દિલ્હીની ટીમ પોતાના બોલર્સના સથવારે કોઈ પણ તગડી ટીમને હરાવવામાં સક્ષમ છે એવામાં આજે કઈ ટીમ બાજી મારી જાય છે એ જોવા જેવું રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK