IPL 2002: લીગના ટોચના સ્થાન પર હવે મુંબઈની નજર

Updated: 28th October, 2020 11:40 IST | Sunil Vaidya | Mumbai

ચેન્નઈ સુપર કિંગ્સ જખમી વાઘ જેવા ખતરનાક; રોહિત રમશે કે નહીં?

૯૦ના દાયકામાં એક ઉક્તિ હતી કે ‘ક્રિકેટની ટુર્નામેન્ટ યુએઈમાં હોય અને શુક્રવાર હોય તો એ ભારત-પાકિસ્તાનનો જ મુકાબલો હોય.’ આજે પણ કંઈક આવું જ થશે, ભારત અને પાકિસ્તાન એશિયાનાં મહારથી હતાં તો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ આઇપીએલનાં મોટાં માથાં છે. આ બન્ને આજે ટકરાશે, પણ એ વાત જુદી છે કે એક ઊંચાઈ પર છે અને બીજો ૨૦૨૦ની આઇપીએલમાં છેક તળિયે બેઠો છે.
હા, મુંબઈ ઇન્ડિયન્સ ફરી એક વાર ૮ ટીમની લીગમાં ટોચ પર પહોંચવાનો મોકો ઝડપી લેવા તત્પર હશે, કારણ કે સામે છે હારપ છી હારની હતાશામાં ગરકાવ એવી ચેન્નઈ સુપર કિંગ્સ. આ બન્ને ટીમો આઇપીએલના મહારથી કહેવાય. પલટન ચાર ખિતાબ જીતી છે જ્યારે ચેન્નઈ પાસે ત્રણ ટાઇટલ છે. બન્ને હરીફો ૩૧ વાર એકબીજા સામે રમ્યા છે અને મુંબઈ ઇન્ડિયન્સ ૧૮ વાર જીત્યું છે.
ચેન્નઈએ મુંબઈને પહેલી જ મૅચમાં હરાવ્યા, પણ એ પછી ધોનીની ટીમ ૯માંથી ફક્ત બે જ મૅચ જીતી. તેમના દિગ્ગજ ખેલાડી સુરેશ રૈના અને હરભજન સિંહ શરૂઆતથી જ નથી રમ્યા અને એટલું ઓછું હોય એમ હવે તેમના ડેથ ઓવર સ્પેશ્યલિસ્ટ ડ્વેન બ્રાવો પણ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયો છે.
ચેન્નઈ સામે ઢગલો સમસ્યા છે, જ્યારે મુંબઈને ફક્ત એક જ ડર હોઈ શકે. કપ્તાન રોહિત શર્મા સુપરઓવરની સુપરહાર વખતે બીજી સુપરઓવરમાં રમવા નહોતો આવ્યો અને પછી ટીવી કે મીડિયા સામે પણ નહોતો આવ્યો. પોલાર્ડે ટીવીમાં કહ્યું હતું કે તેની તબિયત ખરાબ થઈ હતી માટે તે નથી આવ્યો. એ પછી મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રોહિતની તબિયત વિશ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
રોહિત રમશે કે નહીં એનાં કોઈ એંધાણ પણ નથી. આમ પણ છેલ્લી પાંચ ઇનિંગ્સમાં રોહિત ત્રણ વાર તો સિંગલ ડિજિટમાં જ આઉટ થયો છે અને બે વાર ૩૫ રનમાં આઉટ થયો છે. ૯ મૅચમાં ચાર ફિફ્ટી સાથે પલટનનો ભાર તો ક્વિન્ટન ડિકૉક ખેંચી રહ્યો છે છતાં રોહિત એવો હીરો છે કે તે ક્યારે ઝળકી ઊઠે એ કહેવાય નહીં.
એવું પણ નથી કે મુંબઈના બીજા ખેલાડીઓનું કોઈ યોગદાન નથી. તેમના મધ્યક્રમન બૅટ્સમૅન ડિકૉક જોરદાર શરૂઆત અને ઝડપી ૨૦-૨૫ કરીને ઇનિંગ્સને વેગ આપવાનું સરસ કામ કરી રહ્યો છે. જોકે રોહિતની કમાનમાં કદાચ ટુર્નામેન્ટનો સૌથી સક્ષમ બોલિંગ-અટૅક છે.
એક બાજુ કિંગ્સ ઇલેવન પંજાબ સામે થયેલી ડબલ સુપરઓવરની હારે મુંબઈ ઇન્ડિયન્સને જીત માટે વધારે ભૂખ્યા કર્યા હશે ત્યારે એ વાત તો ચોક્કસ છે કે ચેન્નઈ સુપર કિંગ્સ ‘નહીં નાહવાનું કે નહીં નિચોવવાનું’ના અભિગમ સાથે આ મૅચમાં ઊતરશે.
ચેન્નઈની આ સીઝનની રેસ તો પૂરી થઈ ગઈ છે, પણ એણે આવતી સીઝન માટે અત્યારથી તૈયારી કરવી પડશે. આ ટીમના ૫૦ ટકા ખેલાડીઓ આવતી સીઝનમાં કદાચ નહીં હોય માટે નવા ખેલાડીઓને તક આપીને માપ કાઢવાનો ટીમ પાસે આ એક સારો મોકો છે.
મુંબઈએ સાવધ રહીને આજની મૅચમાં મુકાબલો કરવો પડશે, કારણ કે જખમી વાઘ વધારે જોખમી હોય છે.

First Published: 23rd October, 2020 23:26 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK