IPL 2019: આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે ટક્કર

વાનખેડે | Apr 10, 2019, 11:05 IST

મુંબઈ આજે મોહાલીની હારનો બદલો વાનખેડેમાં લેવાના મૂડમાં

IPL 2019: આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે ટક્કર
ગજાવશે કોણ વાનખેડે? : રોહિત શર્મા અને રવિચન્દ્રન અશ્વિન.

સિઝનની બન્ને ટીમો વચ્ચેના પહેલા જંગમાં અશ્વિન ઍન્ડ કંપનીએ ૮ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો : બન્ને ટીમોએ છેલ્લી લીગમાં ચૅમ્પિયન હૈદરાબાદને હરાવ્યું છે : રેકૉર્ડ બ્રેક ઍન્ટ્રી કરનાર જોસેફ અલ્ઝારી પર આજે બધાની નજર રહેશે વાનખેડેમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો જંગ કિંગ્સ ઇલેવન પંજાબ સામે જામશે. સિઝનની બન્ને ટીમો વચ્ચેના પહેલા જંગમાં પંજાબે મુંબઈને ૮ વિકેટે પછાડી દીધું હતું. આજે રોહિત સેના ઘરઆંગણે એ હારનો બદલો લઈને જીતની હૅટ-ટ્રિક સાથે પૉઇન્ટ ટેબલમાં ટૉપ ફોરમાં પ્રવેશ કરવાના મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં ઊતરશે. પંજાબ અત્યાર સુધી ૬ મૅચમાં બે હાર અને ચાર જીત સાથે કુલ ૮ પૉઇન્ટ મેળવીને પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે જ્યારે મુંબઈ પાંચમાંથી બે હાર અને ૩ જીત સાથે કુલ ૬ પૉઇન્ટ સાથે પાંચમા ક્રમાંકે છે.

બન્નેએ ચૅમ્પિયન્સને હરાવ્યા છે

બન્ને ટીમો છેલ્લી લીગમાં ગઈ સિઝનના ચૅમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદને પછાડયા હોવાથી ફૂલ જોશમાં છે. આ જોશને લીધે મુંબઈકરો આજે પૈસા વસૂલ મુકાબલાની અપેક્ષા રાખી રહ્યા છે. મુંબઈએ હૈદરાબાદને યુવા કૅરેબિયન પેસબોલર જોસેફ અલ્ફારીના રેકૉર્ડ બ્રેક ૧૨ રનમાં ૬ વિકેટના પરાક્રમના જોરે ૪૦ રનથી હરાવ્યું હતું જ્યારે પંજાબે બોલરોની કમાલ બાદ ઓપનર લોકેશ રાહુલના મૅચ વિનિંગ ઇનિંગ્સના જોરે સેકન્ડ લાસ્ટ બોલે ૬ વિકેટે વિજય મેળવ્યો હતો.

વળતા પ્રહારની પરંપરા જળવાશે?

આ બારમી સિઝનના પહેલા મોહાલીમાં જામેલા જંગમાં પંજાબે મુંબઈ સામે ૮ વિકેટે જીતી મેળવી હતી. હવે આજે ઘરઆંગણે મુંબઈ એ હારનો બદલો લેવા તત્પર છે. અત્યાર સુધીની ૧૧ સિઝન પર નજર કરતાં એક વાત નોંધવાલાયક છે કે આઠ સિઝનમાં બન્ને ટીમ ૧-૧થી જીતીને બરોબરીમાં રહી છે.

૧૨-૧૧થી મુંબઈ આગળ

મુંબઈ અને પંજાબ અત્યાર સુધી કુલ ૨૩ વાર એકબીજા સામે ટકરાયા છે. જેમાંથી પંજાબની ૧૧ જીત સામે મુંબઈ ૧૨ જીત સાથે એક ડગલું આગળ છે.

વાનખેડેમાં બન્ને બરોબરીમાં

વાનખેડેમાં મુંબઈ અને પંજાબ વચ્ચે અત્યાર સુધી આઠ મુકાબલા થયા છે અને બન્ને ટીમ ૪-૪ જીત સાથે એકબીજાને બરોબરની ટક્કર આપી રહી છે. આજે નવો હિસાબ લખાશે.

અલ્ઝારી પર રહેશે ફોકસ

શનિવારે આ હાઈ પ્રોફાઇલ ટૂર્નામેન્ટની પહેલી જ મૅચમાં ફક્ત ૧૨ રનમાં ૬ વિકેટ સાથે તરખાટ મચાવીને રેકૉર્ડ બ્રેક ઍન્ટ્રી મારનાર વેસ્ટ ઇન્ડિયન યુવા પેસબોલર જોસેફ અલ્ઝારી આજે બીજી મૅચમાં કેવી કમાલ કરે છે એના પર સૌ કોઈની નજર રહેશે. ન્યૂ ઝીલૅન્ડનો પેસબોલર ઍડમ મિલ્ને ઇન્જરીને લીધે મુંબઈ ટીમમાં સ્થાન મેળવનાર જોસેફને શનિવાર સુધી પ્લેઇંગ ઇલેવનમાં ચાન્સ નહોતો મળ્યો પણ લસિથ મલિંગા ડૉમેસ્ટિક ટૂર્નામેન્ટ માટે શ્રીલંકા જતો રહેતા મોકો મળી ગયો અને તે મોકે પર ચોકો નહીં પણ છક્કા લગાવીને સ્ટાર બની ગયો હતો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK