IPL 2019: રોહિતની ટીમે ધોનીની ટીમને 6 વિકેટથી હરાવીને ફાઇનલમાં કર્યો પ્રવેશ

(મિડ-ડે પ્રતિનિધિ) | ચેન્નઈ | May 08, 2019, 12:08 IST

૧૩૨ રનના ટાર્ગેટને મુંબઈના સૂર્યકુમાર યાદવે મુશ્કેલ પિચ પર યાદગાર નૉટઆઉટ ૭૧ રન ફટકારીને કરાવ્યો ચેઝ, આજે જે જીતશે એનો મુકાબલો શુક્રવારે ચેન્નઈ સામે થશે

IPL 2019: રોહિતની ટીમે ધોનીની ટીમને 6 વિકેટથી હરાવીને ફાઇનલમાં કર્યો પ્રવેશ
રોહિત શર્મા

આઇપીએલની વર્તમાન સીઝનમાં સતત ટોપ રહેનારી ચેન્નઈની ટીમને મુંબઈએ ૧૩૧ રને રોક્યા બાદ ૬ વિકેટથી જીત મેળવીને પાંચમી વખત દમામભેર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ૧૩૨ રનના ટાર્ગેટ સામે ૩.૨ ઓવરમાં ૨૧ રને બે વિકેટ ગુમાવ્યા પછી સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને ત્રીજી વિકેટ માટે કીમતી ૮૦ રન ઉમેરીને મુંબઈ માટે સુનિશ્ચિત કરી હતી. મુંબઈએ આ સીઝનમાં ચેન્નઈને ત્રીજી વખત હરાવ્યું છે અને એક સીઝનમાં એક ટીમને ત્રણ વખત હરાવવાની સિદ્ધિ ત્રીજી વખત મેળવી હતી. ૨૦૧૩ અને ૨૦૧૫માં મુંબઈએ ૩-૩ મૅચ જીતી હતી. આજે જે જીતશે તેનો મુકાબલો શુક્રવારે રમાનારી બીજી ક્વૉલિફાયર મૅચમાં ચેન્નઈ સામે થશે.

ટૉસ જીતીને ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મુશ્કેલ પિચ પર પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાહુલ ચહર, કૃણાલ પંડ્યા સહિત મુંબઈના બોલરોની કરકસરભરી બોલિંગને કારણે ચેન્નઈની શરૂઆત ખરાબ રહી હતી. ૬ ઓવરમાં ૩૨ રનમાં ૩ અને ૧૨.૫ ઓવરમાં ૬૬ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ૨૬ બૉલમાં ૨૬ રન બનાવનાર મુરલી વિજયને ક્વિન્ટન ડી કૉકે રાહુલની બોલિંગમાં સ્ટમ્પ-આઉટ કર્યો હતો. ભારતની વર્લ્ડ કપ ટીમમાં ચોથા ક્રમના જોરદાર દાવેદાર અંબાતી રાયુડુ અને ધોનીએ વિકટ પરિસ્થિતિમાં સંભાળીને બૅટિંગ કરી હતી. શરૂઆતમાં ડિફેન્સિવ રમ્યા પછી છેલ્લી ૪ ઓવરમાં ૩૫ રન બનાવીને ટીમનો સ્કોર ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૩૧ રન સુધી પહોંચાડ્યો હતો. રાયુડુ અને ધોની વચ્ચે ૮ ઓવરમાં ૬૬ રનની પાર્ટનરશિપ થઈ હતી. રાયુડુએ ૩૭ બૉલમાં ૪૨ અને ધોનીએ ૨૯ બૉલમાં ૩ સિક્સરની મદદથી ૩૩ રન ફટકાર્યા હતા.

આ પણ વાંચો : વિશ્વ કપ 2019 માટે ઈશાંત શર્માનું નામ રિઝર્વ પ્લેર્યસની યાદીમાં સામેલ

ઈમરાન તાહિરે પૂરી કરી ૩૦૦ ટી-૨૦ વિકેટ

ચેન્નઈના ૪૦ વર્ષના સ્પિનર ઈમરાન તાહિરે ગઈ કાલની મૅચમાં મુંબઈ સામે ૩૦૦ વિકેટ પૂરી કરી હતી. તેણે ૪ ઓવરમાં ૩૩ રન આપીને ઈશાન કિશન અને કૃણાલ પંડ્યાને સતત બે બૉલમાં આઉટ કર્યા હતા. તેણે આઇપીએલની ૫૨ મૅચમાં ૭૪ વિકેટ લીધી છે.

જીતનું જશન : મુંબઈના વિજયને ઉજવણી કરી રહેલા હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK