IPL 2019: દિલ્હીને પહેલી વખત ફાઇનલમાં પહોંચતું રોકી શકશે ચેન્નઈ?

Published: May 10, 2019, 10:51 IST | (મિડ-ડે પ્રતિનિધિ) | વિશાખાપટ્ટનમ

મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ દુનિયાની સૌથી લોકપ્રિય ટી૨૦ ટુર્નામેન્ટ આઇપીએલની ફાઇનલમાં રેકૉર્ડ ૭ વખત પહોંચી છે, જ્યારે શ્રેયસ અય્યરની ટીમે બુધવારે પ્લે-ઑફમાં પહેલી વખત જીત મેળવી હતી

દિલ્હીએ બુધવારે હૈદરાબાદને બે વિકેટથી પછાડીને આઇપીએલના ઇતિહાસમાં પ્લે-ઑફ મૅચોમાં પહેલી જીત મેળવી હતી. ફાઇનલમાં પહોંચવા માટે આજે એણે વિશાખાપટ્ટનમના ડૉ. વાય. એસ. રાજશેખરા રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રણ વખતની ચૅમ્પિયન ચેન્નઈને પછાડવાની રહેશે જેનો મુંબઈ સામે પહેલી ક્વૉલિફાયરમાં ૬ વિકેટથી પરાજય થયો હતો. આ સીઝનમાં ચેન્નઈએ દિલ્હીને બન્ને મૅચમાં હરાવ્યું છે એથી દિલ્હીએ ધોનીની ટીમને નમાવવા સ્પેશ્યલ પર્ફોર્મન્સ આપવો અનિવાર્ય રહેશે.

પૃથ્વી-પંત પર મદાર

પાછલી સીઝનમાં દિલ્હી વતી ૬૮૪ રન બનાવનાર રિષભ પંતે શાનદાર ફૉર્મ જાળવી રાખ્યું છે. એલિમિનેટર મૅચમાં તેણે ૨૧ બૉલમાં પાંચ સિક્સરની મદદથી ૪૯ રન બનાવીને દિલ્હીને બીજી ક્વૉલિફાયરમાં પહોંચાડી દીધું હતું. એની પહેલાં પૃથ્વી શૉએ ૩૮ બૉલમાં ૬ ફોર અને ૨ સિક્સરની મદદથી ૫૬ રન બનાવીને દિલ્હીને શાનદાર શરૂઆત અપાવી હતી. આ બન્નેએ આ સીઝન દરમ્યાન જબરદસ્ત ધમાલ મચાવી છે. પંતે ૧૫ મૅચમાં ૪૫૦ અને ૧૯ વર્ષના પૃથ્વીએ ૧૫ મૅચમાં ૩૪૮ રન ફટકાર્યા છે. શિખર ધવને ૫૦૩ અને કૅપ્ટન શ્રેયસ અય્યરે ૪૫૦ રન બનાવ્યા છે. ઈશાન્ત શર્મા, કીમો પોલ, ટ્રેન્ટ બોલ્ટ અને અમિત મિશ્રાએ ચેન્નઈને કાબૂમાં રાખવું પડશે.

આ પણ વાંચોઃ સાક્ષી ધોનીથી રિતીકા સજદેહ, ક્રિકેટર્સની પત્નીઓ આ રીતે IPL કરી એન્જોય

ચેન્નઈના ટૉપ-ઑર્ડરે ફૉર્મ બતાવવું પડશે

મુંબઈ સામે પહેલી ક્વૉલિફાયર મૅચમાં ૨૦ ઓવરમાં ફક્ત ૧૩૧ રન બનાવનાર ચેન્નઈના ધુરંધર બૅટ્સમેનોએ દિલ્હીને હરાવવા અટૅકિંગ બૅટિંગ સાથે મોટો સ્કોર બનાવવો પડશે. આ સીઝનમાં ચેન્નઈ વતી ફક્ત મહેન્દ્ર સિંહ ધોની ૪૦૦ રન બનાવી શક્યો છે. સુરેશ રૈના ૩૬૪, ફૅફ ડુ પ્લેસી ૩૨૦, શેન વૉટસન ૨૬૮, અંબાતી રાયુડુ ૨૬૧, કેદાર જાધવ ૧૬૨ રન બનાવી શક્યા છે. બૅટિંગ કરતાં બોલિંગ સારી છે. ઇમરાન તાહિરે ૨૩, દીપક ચહરે ૧૭, હરભજન સિંહે ૧૪ અને રવીન્દ્ર જાડેજાએ ૧૩ વિકેટ લઈને બૅટ્સમેનોને અંકુશમાં રાખવામાં અમુક હદે સફળતા મેળવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK