વૉર્ન-૧૧ની જગ્યાએ ગિલક્રિસ્ટ-૧૧ની ટીમ હવે પૉન્ટિંગ-૧૧ સામે ટકરાશે

Published: Feb 07, 2020, 16:02 IST | Mumbai Desk

ઓસ્ટ્રેલિયામાં આગ : ચૅરિટી મૅચની તારીખ બદલાઈ ગઈ, હવે ૧૦ ફેબ્રુઆરીએ રમાશે

ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટેની ચેરિટી ક્રિકેટ મેચની તારીખ અને સ્થાન બદલવામાં આવ્યા છે. આઠમી ફેબ્રુઆરીએ સિડનીમાં પોન્ટિંગ-૧૧ અને ગિલક્રિસ્ટ-૧૧ની મેચ હવે ૧૦ ફેબ્રુઆરીએ મેલબર્નમાં રમાશે. સિડનીમાં ભારે વરસાદની સંભાવના હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખમાં ફેરફાર થતા શેન વોર્ન મેચમાં ભાગ લેશે નહીં. તેને ૧૦ ફેબ્રુઆરીએ પહેલેથી નિર્ધારિત કામ કરવાના છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટ્‌વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. આ મેચને બુશફાયર ક્રિકેટ બેશનું નામ આપવામાં આવ્યું છે. પોન્ટિંગ-૧૧નો કોચ સચિન તેંડુલકર અને ગિલક્રિસ્ટ-૧૧નો કોચ ટિમ પેઇન છે. આ મેચ ૧૦-૧૦ ઓવરની રમાશે. ૫ ઓવર પાવરપ્લેની હશે. તારીખમાં ફેરફાર થતા વોર્ન ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર્સ- સ્ટીવ વો, માઈકલ ક્લાર્ક અને માઈક હસી, વુમન પ્લેયર્સ હોલી ફરલીન્ગ અને ગ્રેસ હેરિસ અને રગ્બી લેજેન્ડ બ્રેડ ફિલ્ટર પણ ભાગ લેશે નહીં.

પોન્ટિંગ ૧૧ માટે જસ્ટિન લેન્ગર અને મેથ્યુ હેડનની આઇકોનિક જોડી ઓપનિંગ કરશે, જયારે પોન્ટિંગ ત્રીજા ક્રમે બેટિંગ કરશે. પોન્ટિંગ પછી વર્તમાન વુમન ક્રિકેટર એલિસ વિલાની, બ્રાયન લારા અને વુમન બિગ બેશથી જાણીતી થયેલી ફોબ લીચફિલ્ડ મિડલઓર્ડર સંભાળશે. તે ઉપરાંત દિગ્ગજ વસીમ અકરમ અને બ્રેટ લી ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટની જવાબદારી લેશે, ટીમમાં ડેન ક્રિશ્ચિયન ઓલરાઉન્ડર છે, જ્યારે બ્રેડ હેડિન વિકેટકીપિંગ કરશે. ફૂટબોલ લેજેન્ડ લુક હોજ પણ પોન્ટિંગ-૧૧નો ભાગ છે. બીજી તરફ ગિલક્રિસ્ટ ૧૧ માટે કપ્તાન ગિલક્રિસ્ટ અને શેન વોટ્‌સન ઓપનિંગ કરશે. બ્રેડ હોજ ત્રીજા અને યુવરાજ સિંહ ચોથા ક્રમે બેટિંગ કરશે. ઓસ્ટ્રેલિયાની જ પૂર્વ મહિલા ક્રિકેટર એલેક્સ બ્લેકવેલ પાંચમા ક્રમે બેટિંગ કરશે. તેના પછી એન્ડ્રુ સાયમન્ડ્‌સ આવશે. ટીમમાં વિન્ડીઝના દિગ્ગજ કર્ટની વોલ્શ, ઓસ્ટ્રેલિયાનો પૂર્વ બોલર પીટર સિડલ જેવા ફાસ્ટર્સ છે. તે ઉપરાંત ટીમમાં પૂર્વ ફૂટબોલર નિક રિવોલ્ટ અને લેગ સ્પિનર ફવાદ અહેમદ છે. એક પ્લેયર હજી ઉમેરવામાં આવશે. ટેસ્ટ કેપ્ટન ટિમ પેઇન કોચ તરીકે ફરજ નિભાવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK