ઈજાગ્રસ્ત સેહવાગ દિલ્હીને બચાવવા મેદાને પડ્યો

Published: 5th November, 2012 05:44 IST

ગઈ કાલે ચાર દિવસની રણજી મૅચના ત્રીજા દિવસે પંજાબનો ઓપનર જીવનજોત સિંહ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની પહેલી જ મૅચમાં ડબલ સેન્ચુરી બનાવનાર પાંચમો ભારતીય બન્યો હતો.


ગ્રુપ ‘એ’


હૈદરાબાદ V/S પંજાબ

ગઈ કાલે ચાર દિવસની રણજી મૅચના ત્રીજા દિવસે પંજાબનો ઓપનર જીવનજોત સિંહ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની પહેલી જ મૅચમાં ડબલ સેન્ચુરી બનાવનાર પાંચમો ભારતીય બન્યો હતો. તેણે હૈદરાબાદ સામેની મૅચના ત્રીજા દિવસે ૩૩ ફોરની મદદથી ૨૧૩ રન બનાવ્યા હતા. કરણ ગોયલે ૧૨૯ રન અને કૅપ્ટન હરભજન સિંહે અણનમ ૪૮ રન બનાવ્યા હતા. પંજાબની ટીમે છ વિકેટે ૫૬૫ના ટોટલ પર દાવ ડિક્લેર કર્યો હતો અને ફર્સ્ટ ઇનિંગ્સમાં ૩૦૭ રનની તોતિંગ લીડ લીધી હતી. હૈદરાબાદે બીજા દાવમાં ૪૬ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્રણેય વિકેટ સિદ્ધાર્થ કૌલે લીધી હતી. યોગાનુયોગ ત્રણેય વિકેટમાં સિદ્ધાર્થના ભાઈ ઉદય કૌલે કૅચ પકડ્યો હતો. પંજાબને આજે જીતવા માટે સાત વિકેટની જરૂર છે.

ગુજરાત V/S મધ્ય પ્રદેશ


ગુજરાતનો કૅપ્ટન પાર્થિવ પટેલ ગઈ કાલે બીજા દાવમાં પણ ચમક્યો હતો. પ્રથમ દાવમાં ૧૬૨ રન કર્યા પછી ગઈ કાલે તેણે ૭૭ બૉલમાં ૮૦ રન બનાવ્યા હતા. ફર્સ્ટ ઇનિંગ્સમાં ૧૦૫ રનની લીડ મેળવનાર ગુજરાતે ગઈ કાલે બીજો દાવ છ વિકેટે ૩૦૧ રનના ટોટલ પર ડિક્લેર કરીને મધ્ય પ્રદેશને ૪૦૭ રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો અને રમતના અંત સુધીમાં એના વિના વિકેટે ૨૩ રન હતા. ગુજરાત આજે છેલ્લા દિવસે જીતી જશે એવી પાકી શક્યતા છે.

બેન્ગાલ V/S રાજસ્થાન


બેન્ગાલના પ્રથમ દાવના ૨૫૮ રન સામે રાજસ્થાન ગઈ કાલે ૧૬૧ રને ઑલઆઉટ થઈ ગયું હતું અને બેન્ગાલે ૯૭ રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં બેન્ગાલના બૅડ લાઇટને લીધે રમત વહેલી બંધ રહી ત્યારે પાંચ વિકેટે ૧૦૯ રન હતા. બેન્ગાલ આજે ફર્સ્ટ ઇનિંગ્સની લીડને આધારે ત્રણ પૉઇન્ટ મેળવશે એવી પાકી સંભાવના છે.

ગ્રુપ ‘બી’


દિલ્હી V/S ઉત્તર પ્રદેશ

કૅપ્ટન વીરેન્દર સેહવાગ ગઈ કાલે ત્રીજા દિવસે દિલ્હીને પરાજયથી બચાવવા સંઘર્ષ કરી રહ્યો હતો. હાથની આંગળીની ઈજા છતાં બૅટિંગ કરવાનો સંકલ્પ કરનાર વીરુ છઠ્ઠા નંબરે આવ્યા પછી ૨૧ રને નૉટઆઉટ હતો. પ્રથમ દાવમાં ઉત્તર પ્રદેશે ૧૬૮ રનની લીડ મેળવી ત્યાર પછી દિલ્હીના રમતના અંત સુધીમાં ૪ વિકેટે ૧૯૭ રન હતા.

ગૌતમ ગંભીર ૪૭ રન બનાવીને આઉટ થઈ ગયો હતો, જ્યારે અન્ડર-૧૯ વલ્ર્ડ કપનો ચૅમ્પિયન કૅપ્ટન ઉન્મુક્ત ચંદ પહેલા જ બૉલે આઉટ થઈ ગયો હતો.

એ પહેલાં ઉત્તર પ્રદેશને પહેલા દાવમાં ૪૦૩ રનનું ટોટલ અપાવવામાં મુકુલ ડાગર (૧૧૯) ઉપરાંત મોહમ્મદ કૈફ (૯૧), કૅપ્ટન સુરેશ રૈના (પંચાવન) અને પ્રવીણ કુમાર (૫૧ નૉટઆઉટ)ના પણ યોગદાનો હતા. દિલ્હીના આશિષ સુમિત નારવાલે ચાર, નેહરાએ ત્રણ અને ઇશાન્ત શર્માએ બે વિકેટ લીધી હતી.

વિદર્ભ V/S હરિયાણા


હરિયાણાને ગઈ કાલે વિદર્ભની ટીમે ચાર દિવસની મૅચના ત્રીજા દિવસે બીજા દાવમાં ૧૮૩ રને આઉટ કર્યા બાદ માત્ર ૩૪ રનનો ટાર્ગેટ બે વિકેટના ભોગે મેળવીને મૅચ જીતી લીધી હતી. વિદર્ભને જીત બદલ છ પૉઇન્ટ મળ્યાં છે. જોકે આ ટીમે એક ઇનિંગ્સથી કે ૧૦ વિકેટે મૅચ જીતી હોત તો એને એક બોનસ પૉઇન્ટ પણ મળ્યો હોત.

બરોડા V/S કર્ણાટક


બરોડાએ પ્રથમ દાવમાં ૧૨૨ રનની લીડ લીધા પછી ગઈ કાલે ત્રીજા દિવસે બીજા દાવમાં ચાર વિકેટે ૧૧૫ રન બનાવ્યા હતા. યુસુફ પઠાણ ખાતું ખોલાવ્યા પહેલાં જ આઉટ થઈ ગયો હતો, જ્યારે ઇરફાન પઠાણ ૩૩ રને દાવમાં હતો. તેની અભિમન્યુ ચૌહાણ બાવન રને રમી રહ્યો હતો. એ પહેલાં કર્ણાટકને ૨૮૪ રને ઑલઆઉટ કરાવવામાં લેફ્ટી પેસબોલર ગગનદીપ સિંહનો મુખ્ય ફાળો હતો. ચોથી જ ફર્સ્ટ-ક્લાસ મૅચ રમી રહેલા ગગને ત્રીજી વખત પાંચ વિકેટ લીધી હતી.

ગ્રુપ ‘સી’


ઝારખંડની ટીમ જમ્મુ અને કાશ્મીરને એક દાવ તથા ૩૧ રનથી હરાવીને આ સીઝનની પ્રથમ વિજેતા ટીમ બની જ હતી, એણે એક ઇનિંગ્સથી જીત મેળવવા બદલ એક બોનસ પૉઇન્ટ પણ મેળવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK