Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્ડિયાનો ઘરઆંગણે સતત ૧૧ ટેસ્ટ-સિરીઝ જીતવાનો વર્લ્ડ રેકૉર્ડ

ઇન્ડિયાનો ઘરઆંગણે સતત ૧૧ ટેસ્ટ-સિરીઝ જીતવાનો વર્લ્ડ રેકૉર્ડ

14 October, 2019 09:36 AM IST | પુણે

ઇન્ડિયાનો ઘરઆંગણે સતત ૧૧ ટેસ્ટ-સિરીઝ જીતવાનો વર્લ્ડ રેકૉર્ડ

ટીમ ઈન્ડિયાની મહત્વની જીત

ટીમ ઈન્ડિયાની મહત્વની જીત


આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપે રમાયેલી ટેસ્ટ મૅચમાં ભારતે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ જીતી લીધી છે. બન્ને ટીમ વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝમાં ભારતે ૧-૦થી લીડ મેળવી લીધી હતી અને બીજી ટેસ્ટ મૅચમાં પણ જીત હાંસલ કરીને ૨-૦થી લીડ લઈને સિરીઝ પોતાના નામે કરી લીધી છે.

મૅચના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગમાં ૨૭૫ રનમાં ઑલઆઉટ થતાં ચોથા દિવસે એ ફૉલોઑન થઈને રમવા ઊતરી હતી, પણ ભારતીય બોલરોની જબરદસ્ત બોલિંગ સામે બીજી ઇનિંગમાં પણ ૨૦૦ રનનો આંકડો એ પાર કરી શકી નહોતી અને ૧૮૯ રનમાં ઑલઆઉટ થઈ હતી. સાઉથ આફ્રિકાની નબળી બૅટિંગને લીધે ભારતે આ બીજી મૅચ એક ઇનિંગ અને ૧૩૭ રનથી જીતી લીધી અને સિરીઝ પણ ૨-૦થી પોતાના નામે કરી લીધી.



બીજી ઇનિંગમાં સાઉથ આફ્રિકાની શરૂઆત ફરી નબળી રહી અને બીજી ઇનિંગના બીજા જ બૉલમાં ટીમે ખાતું ખોલાવ્યા વિના એડિન માર્કરમ રૂપે પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. ડીન એલ્ગર પોતાની હાફ સેન્ચુરીથી બે રન દૂર હતો ત્યારે રવિચંદ્રન અશ્વિનનો શિકાર બન્યો હતો. એલ્ગર ઉપરાંત ટેમ્બા બવુમા, વર્નોન ફિલૅન્ડર અને કેશવ મહારાજ દ્વિઅંકી સ્કોર કરી શક્યા હતા, જ્યારે બાકીના સાઉથ આફ્રિકન પ્લેયર વ્યક્તિગત રીતે ૧૦ રનનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા.


ઉમેશ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે રવિચંદ્રન અશ્વિનને બે, ઇશાન્ત શર્માને એક અને મોહમ્મદ શમીને એક વિકેટ મળી હતી. રોહિત શર્માએ બે અને વિરાટ કોહલીએ એક ઓવર નાખી હતી. નાબાદ ૨૫૪ રનની ઇનિંગ રમનારા વિરાટ કોહલીને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. ત્રીજી અને અંતિમ ટેસ્ટ મૅચ રાંચીમાં ૧૯ ઑક્ટોબરથી રમાશે.

તોડ્યો ઑસ્ટ્રેલિયાનો રૅકૉર્ડ
વર્લ્ડ ટેસ્ટ રૅન્કિંગ્સમાં નંબર-વન ટીમ ઇન્ડિયાએ આ ટેસ્ટ મૅચ જીતીને વર્લ્ડ રેકૉર્ડ બનાવી લીધો છે. આ મૅચ જીતી ભારત ઘરઆંગણે રમાયેલી સતત ૧૧મી ટેસ્ટ-સિરીઝ જીત્યું છે, જે વર્લ્ડ રેકૉર્ડ છે. અત્યાર સુધી ઘરઆંગણે સૌથી વધારે ૧૦ ટેસ્ટ-સિરીઝ જીતવાનો રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના નામે હતો. એ ૧૯૯૪-’૯૫થી ૨૦૦૦-’૦૧ અને ૨૦૧૪થી ૨૦૧૮-’૧૯ દરમ્યાન એમ બે વખત ૧૦-૧૦ ટેસ્ટ-સિરીઝ જીતી હતી. વેસ્ટ ઇન્ડીઝે ૧૯૭૫-’૭૬થી ૧૯૮૫-’૮૬ સુધી ઘરઆંગણે સતત આઠ ટેસ્ટ-સિરીઝ પોતાના નામે કરી હતી. આ ટેસ્ટ-સિરીઝ જીતી લેતાં ભારતને આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ૨૦૦ પૉઇન્ટ્સ મળ્યા છે. ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા આ યાદીમાં ૬૦-૬૦ પૉઇન્ટ્સ સાથે બીજા ક્રમાંકે છે.


ફૉલોઑન કરાવનાર પ્રથમ ભારતીય કૅપ્ટન
ત્રીજા દિવસની રમત સમાપ્ત થતાં ચોથા દિવસે ભારત બીજી ઇનિંગ રમવા ઊતરે કે સાઉથ આફ્રિકાને ફૉલોઑન રમવા મોકલે એ નિર્ણય કોહલીએ લેવાનો હતો. અંતે ચોથા દિવસે સાઉથ આફ્રિકાની ટીમ ફૉલોઑન માટે આવી. મહેમાન ટીમને ફૉલોઑન માટે દબાણ કરનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય કૅપ્ટન બન્યો છે. આ પહેલાં ૨૦૦૮માં લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાને ફૉલોઑન કરવાનો વારો આવ્યો હતો.

સુપરમૅન સહા

સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મૅચમાં વિકેટકીપર તરીકે જવાબદારી નિભાવી રહેલા વૃદ્ધિમાન સહાએ પોતાની કીપિંગ-સ્ટાઇલથી ન તો માત્ર પોતાની ટીમ પાસેથી પણ ક્રિકેટના ચાહકો પાસેથી પણ વાહવાહી મેળવી હતી.
મૅચના ત્રીજા દિવસે સહાએ જબરદસ્ત કૅચ પકડ્યો હતો, પણ ચોથા દિવસે જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ ફૉલોઑનમાં બીજી ઇનિંગ રમવા આવી ત્યારે પણ સહાએ પોતે વર્લ્ડ ક્લાસ વિકેટકીપર શા માટે કહેવાય છે એ સાબિત કરી બતાવ્યું હતું.
ઉમેશ યાદવની બોલિંગમાં થિઉનીસ ડે બ્રુયનને ૮ રન પર આઉટ કરવામાં સહાએ પોતાની ડાબી બાજુ ડાઇવ મારીને જબરદસ્ત કૅચ પકડ્યો હતો. આ ઉપરાંત મોહમ્મદ શમીની ઓવરમાં પણ તેણે ટેમ્બા બવુમા અને અશ્વિનના સ્પેલમાં ફૅફ ડુ પ્લેસીના મહત્ત્વના કૅચ ઝડપ્યા હતા.સહાની આ શાનદાર કીપિંગ પર ટીમ ઇન્ડિયા અને ક્રિકેટચાહકોએ તેનાં મન ભરીને વખાણ કર્યાં હતાં. સહાએ ૩૩ ટેસ્ટ મૅચમાં કુલ ૭૭ કૅચ પકડ્યા છે અને ૧૦ સ્ટમ્પિંગ કર્યાં છે.

કોહલી ઍન્ડ ટીમ ખૂબ સારી રમત રમી : ફૅફ ડુ પ્લેસી
ભારત સામે બીજી ટેસ્ટ મૅચ મોટા અંતરથી હારી ગયા બાદ હરીફ ટીમ સાઉથ આફ્રિકાના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીએ કોહલી ઍન્ડ ટીમનાં ભરપૂર વખાણ કર્યાં હતાં.
એક ઇનિંગ અને ૧૩૭ રનના માર્જિનથી હારી ગયા બાદ આ સિરીઝ પણ મહેમાન ટીમે ૦-૨થી ગુમાવી દીધી છે. મૅચ બાદ વિરાટ સેનાની પ્રશંસા કરતાં ડુ પ્લેસીએ કહ્યું હતું કે ‘અમે જાણીએ છીએ કે આ ઉપખંડમાં રમવા આવો ત્યારે પહેલી ઇનિંગ ઘણી મહત્ત્વની હોય છે. તમે જેટલા વધારે રન સ્કોરબોર્ડ પર જોડો એટલું તમારી ટીમ માટે સારું. ઇન્ડિયન ટીમે અને ખાસ કરીને પહેલી ઇનિંગમાં કોહલી શાનદાર ઇનિંગ રમ્યો હતો. બે દિવસ મેદાનમાં બૅટિંગ કરવાનું કામ અઘરું છે, પણ એ સમયે તમારું માઇન્ડસેટ તમને મદદ કરે છે. બીજી ઇનિંગમાં અમારા બૅટ્સમેનોની માનસિકતા થોડી નબળી હતી જેનો ફાયદો યજમાને ઉપાડ્યો.’
કોહલીની નૉટઆઉટ ૨૫૪ રનની ઇનિંગની વાત કરતાં ડુ પ્લેસીએ કહ્યું કે ‘એક કૅપ્ટન તરીકે તમે બૅટ્સમૅનને રોકવાના દરેક પ્રયાસ કરો છો. તમે ફીલ્ડિંગમાં-બોલિંગમાં સુધારા કરો છો, પણ કોહલી એવો પ્લેયર છે જેની પાસે દરેક સવાલના જવાબ છે. રન પ્રત્યેની તેની ભૂખ ૧૦૦, ૧૫૦માં પૂરી ન થઈ અને તે ૨૫૪ રનની જબરદસ્ત ઇનિંગ રમી ગયો.’
સાઉથ આફ્રિકાની ટીમના મહાન પ્લેયર હાશિમ અમલા અને એ. બી. ડિવિલિયર્સના પર્યાય ટીમને જલદીથી ન મળી શકે એવી વાત પણ ડુ પ્લેસીએ કરી હતી.

મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશનમાં રમાયેલી ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મૅચ ભારતે એક ઇનિંગ અને ૧૩૭ રનથી જીતી લીધી છે, જેની સાથે ત્રણ મૅચની સિરીઝ પણ એણે ૨-૦થી પોતાના નામે કરી લીધી છે. આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ રહેલા વિરાટ કોહલીની ૨૫૪ રનની અણનમ ઇનિંગને કારણે ટીમ ૬૦૧ જેવો વિશાળ સ્કોર ઊભો કરી શકી હતી જેની સામે બન્ને ઇનિંગમાં મહેમાન ટીમ નબળી સાબિત થઈ હતી.
પોતાની જબરદસ્ત ડબલ સેન્ચુરીવાળી ઇનિંગ અને ગેમ વખતે પોતાના માઇન્ટસેટ વિશે વાત કરતાં કોહલીએ કહ્યું હતું કે ‘મારું માઇન્ડસેટ હંમેશાં ટીમ ઇન્ડિયાને મદદ કરવા માટે રહે છે. મારા ખ્યાલથી જ્યારે તમે ટીમ વિશે વિચારો છો ત્યારે તમારા માથા પરથી પ્રેશર જતું રહે છે. હું અત્યારે મારી લાઇફના એવા સ્ટેજ પર છું જે સ્ટેજ પરથી મને પોતાને માટે અને ટીમ માટે રમવાનું ગમે છે. મારું લક્ષ્ય હંમેશાં ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાનું રહે છે.’આ ઉપરાંત કોહલીએ પોતાની અને અજિંક્ય રહાણે સાથેની જોડી તેમ જ સમગ્ર ટીમનાં ‍વખાણ કર્યાં હતાં.

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2019 09:36 AM IST | પુણે

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK