મુંબઈના રહાણેએ ભારતને બનાવ્યું અજિંક્ય : ભારતનો શ્રેણીવિજય

Published: 21st October, 2011 15:26 IST

મોહાલી: ભારતીય ક્રિકેટરોએ ગઈ કાલે જાણે ઍડવાન્સમાં દિવાળી ઉજવવાની શરૂઆત કરી લીધી હતી. ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામે ભારતનો સતત ત્રીજી વન-ડેમાં વિજય થયો હતો અને ૩-૦ની અપરાજિત સરસાઈ સાથે હવે ધોની તથા તેના ધુરંધરો મુંબઈ ચોથી મૅચ રમવા આવી રહ્યા છે. મુંબઈનો જ ઓપનિંગ બૅટ્સમૅન અજિંક્ય રહાણે (૯૧ રન, ૧૦૪ બૉલ, ૬ ફોર) આ જીતનો સૂત્રધાર હતો.

 

મુંબઈચા મુલગાએ ૯૧ રનથી ટીમને અજેય બનાવી રાખી : ભારત રૅન્કિંગ્સમાં ત્રીજે

આ મૅન ઑફ ધ મૅચ ૯ રન માટે પ્રથમ સદી ચૂક્યો હતો, પરંતુ ૨૯૯ રનનો ટાર્ગેટ મળ્યા પછી પાર્થિવ પટેલ (૩૮ રન) સાથેની તેની ૭૯ રનની તથા ગૌતમ ગંભીર (૫૮ રન) સાથેની ૧૧૧ રનની ભાગીદારી મૅચવિનિંગ નીવડી હતી. ભારત રૅન્કિંગ્સમાં ચોથા પરથી ત્રીજા નંબરે આવી ગયું છે.
ઇંગ્લૅન્ડે બૅટિંગ લઈને ૪ વિકેટે ૨૯૮ રન કર્યા હતા જેમાં જોનથન ટ્રૉટના ૯૮ રન, સમિત પટેલના બે સિક્સર સાથેના અણનમ ૭૦ રન અને કેવિન પીટરસનના ૬૪ રનનો સમાવેશ હતો. ભારતે ચાર બૉલ બાકી રાખીને પાંચ વિકેટે ૩૦૦ રનના સ્કોર સાથે શાનદાર જીત મેળવી હતી. મહેન્દ્ર સિંહ ધોની ૩૫ રને અને રવીન્દ્ર જાડેજા ૨૬ રને અણનમ રહ્યો હતો. છેલ્લા ૬ બૉલમાં ભારતે ૭ રન કરવાના હતા. ધોનીએ બ્રેસ્નનના પહેલા બન્ને બૉલમાં ફોર ફટકારીને જીત અપાવી હતી. સ્ટીવન ફિન અને બ્રેસ્નને બે-બે વિકેટ લીધી હતી.


સતત હારી રહેલા ઇંગ્લૅન્ડના પ્લેયરો ગઈ કાલે મૅચ દરમ્યાન વારંવાર કારણ વગર ગુસ્સે થયેલા દેખાયા હતા. ભારત વન-ડેના રૅન્કિંગ્સમાં ગઈ કાલે ચોથા નંબર પરથી ત્રીજે આવી ગયું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK