દિલધડક મૅચમાં ભારત જીત્યું, પણ ફિક્સિંગની ચર્ચા

Published: 29th December, 2012 06:04 IST

૫૪,૦૦૦થી પણ વધુ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ૭ ગગનચુંબી સિક્સર ફટકારીને ભારતની જીતનો પાયો નાખી આપ્યો : તેના સહિત ચાર બોલરોએ એક-એક વિકેટ લઈને અને સુપરબોલર ડિન્ડાએ ત્રણ વિકેટ લઈને ભારતને દિલધડક જીત અપાવીઅમદાવાદ: યુવરાજ સિંહે ગઈ કાલે ભારતને પાકિસ્તાન સામેની બીજી અને છેલ્લી T20 મૅચમાં ઑલરાઉન્ડ પફોર્ર્મન્સથી વિજય અપાવીને દેશની આબરૂ સાચવી હતી. તેણે ૩૬ બૉલમાં ૭ સિક્સર અને ૪ ફોરની મદદથી ૭૨ રન ખડકી દીધા હતા અને પછી ઓપનર અહમદ શેહઝાદની વિકેટ પણ અપાવી હતી. જોકે આ જીતમાં ત્રણ વિકેટ લેનાર પેસબોલર અશોક ડિન્ડાનું તેમ જ બીજા બોલરોના પણ મોટા યોગદાનો હતા.

યુવરાજની ૭ સિક્સર ભારતીયોમાં હાઇએસ્ટ અને વિશ્વભરમાં જૉઇન્ટ સિક્સ્થ-હાઇએસ્ટ છે. તેણે મૅચમાં સાત સિક્સર ફટકારવાની સિદ્ધિ બીજી વાર મેળવી છે.

ભારતે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે પાકિસ્તાન સામેના હાઇએસ્ટ ૧૯૨ રન બનાવ્યા હતા. પાકિસ્તાન ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૮૧ રન બનાવી શક્યું હતું. ઇશાન્ત શર્માની ૨૦મી ઓવરમાં પાકિસ્તાને જીતવા ૨૦ રન બનાવવાના હતા અને એની ૪ વિકેટ બાકી હતી. જોકે એક વાઇડ સહિત કુલ ૮ રન બન્યા હતા અને છેલ્લા બૉલમાં ઉમર ગુલની વિકેટ પણ પડી હતી. પાકિસ્તાનની ૧૧ રનથી હાર થઈ હતી. એ પહેલાં ૧૯મી ઓવર અશોક ડિન્ડાની હતી જેમાં માત્ર ૬ રન બન્યા હતા અને બે વિકેટ પડી હતી.

કાલથી વન-ડે સિરીઝ : બધી ડે મૅચ

બન્ને દેશ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થશે. આવતી કાલની ચેન્નઈની પ્રથમ મૅચ સવારે ૯.૦૦થી સ્ટાર ક્રિકેટ અને સ્ટાર સ્પોર્ટ્સ પર લાઇવ જોવા મળશે. બીજી બે મૅચ બપોરે ૧૨.૦૦ વાગ્યે શરૂ થશે.

મૅચ ફિક્સ થઈ હતી?

મુંબઈના ટૅરર-અટૅક બાદ આ સિરીઝ સાથે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટમૈત્રી ફરી શરૂ થઈ છે અને એમાં બન્નેનો સરખો હિસાબ રહે એ માટે સિરીઝ ૧-૧થી ડ્રૉ કરાવવામાં આવી હોવાની ગઈ કાલે મુંબઈના સટ્ટાબજારમાં ખૂબ ચર્ચા હતી.

પ્રથમ મૅચ પાકિસ્તાને જીતી લીધી હતી અને ગઈ કાલની ભારતની જીત માટેનો તખ્તો અગાઉથી જ તૈયાર હોવાનું મનાય છે. આ સિરીઝ ડ્રૉ થયા પછી હવે આવતી કાલે ચેન્નઈની વન-ડે સાથે ત્રણ મૅચની સિરીઝનો નવો હિસાબ શરૂ થશે.

સ્કોર-બોર્ડ

ભારત


૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૨ રન (યુવરાજ ૭૨ રન, ધોની ૩૩ રન, રહાણે ૨૮ રન, કોહલી ૨૭ રન, ગંભીર ૨૧ રન, ઉમર ગુલ ૩૭ રનમાં ચાર વિકેટ, તનવીર ૪૪ રનમાં, અજમલ ૪૨ રનમાં અને આફ્રિદી ૩૩ રનમાં વિકેટ નહીં)

પાકિસ્તાન

૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૮૧ રન (હફીઝ પંચાવન, નસીર જમશેદ ૪૧, અહમદ શેહઝાદ ૩૧, ઉમર અકમલ ૨૪, ડિન્ડા ૩૬ રનમાં ત્રણ તેમ જ યુવરાજ ૨૩ રનમાં એક, અશ્વિન ૨૮ રનમાં એક, ઇશાન્ત ૩૪ રનમાં એક અને ભુવનેશ્વર ૪૬ રનમાં એક વિકેટ)

ટૉસ : પાકિસ્તાન

મૅન ઑફ ધ મૅચ : યુવરાજ સિંહ

મૅન ઑફ ધ સિરીઝ : મોહમ્મદ હફીઝ

યુવરાજ T20માં ૫૦ સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય

યુવરાજ સિંહ T20 ઇન્ટરનૅશનલમાં ૫૦ કે ૫૦ કરતાં વધુ સિક્સર ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો પ્લેયર બન્યો છે. તેણે ગઈ કાલે પાકિસ્તાન સામેની મૅચમાં ૭ છગ્ગા ફટકાર્યા હતા અને તેની હવે કુલ ૫૪ સિક્સર થઈ છે.

આ લિસ્ટમાં બ્રેન્ડન મૅક્લમ ૬૮ સિક્સર સાથે પ્રથમ,  શેન વૉટ્સન ૬૨ સાથે બીજો અને ક્રિસ ગેઇલ ૫૯ સાથે ત્રીજો છે. યુવીનું સ્થાન ૫૪ સાથે ચોથું અને ડેવિડ વૉર્નરનું ૫૧ સિક્સર સાથે પાંચમું છે. યુવીની ૫૪ સિક્સર માત્ર ૩૩ મૅચમાં છે. આની સરખામણીમાં મૅક્લમની હાઇએસ્ટ ૬૮ સિક્સર ૫૭ મૅચમાં છે. 

અનંત ગવંડળકર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK