ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે બીજી વન-ડે આજે ઓકલૅન્ડમાં રમાશે

Published: Feb 08, 2020, 10:32 IST | Auckland

છેલ્લાં ૬ વર્ષથી વન-ડે મૅચમાં ન્યુ ઝીલૅન્ડ ઘરઆંગણે ભારત સામે એક પણ સિરીઝ નથી જીત્યું : સિરીઝ જીતવાની આજે તેમને સુવર્ણ તક : ઑસ્ટ્રેલિયા સામે કરેલો ચમકારો આ સિરીઝમાં પણ કરવા કૉન્ફિડન્ટ છે ભારતીય ટીમ

કુલદીપ યાદવ ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન.
કુલદીપ યાદવ ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન.

ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે બીજી વન-ડે આજે ઓકલૅન્ડમાં રમાશે. ઇન્ડિયા માટે આજે સિરીઝ લેવલ કરવાની અને ન્યુ ઝીલૅન્ડ માટે છ વર્ષ બાદ ઘરઆંગણે ઇન્ડિયા સામે સિરીઝ જીતવાની સુર્વણ તક છે. ૧-૦થી આગળ ચાલી રહેલી ન્યુ ઝીલૅન્ડ સામે વિરાટસેના આજની મૅચ હારી જશે તો સિરીઝ પણ ૨-૦થી ગુમાવશે. પહેલી વન-ડેમાં ૩૪૭ જેવો મોટો સ્કોર કર્યા છતાં ઇન્ડિયન બોલરો ન્યુ ઝીલૅન્ડની ટીમ પર દબાણ લાવી શક્યા નહોતા અને મૅચ ગુમાવી બેઠા હતા.

વિરાટસેના માટે આજે સારો સ્કોર કરવાની સાથે એક સારી સ્ટ્રૅટેજી સાથે મેદાનમાં ઊતરવું જરૂરી છે. કરો યા મરો જેવી સ્થિતિમાં ફરી એક વાર ઇન્ડિયન ટીમ પહોંચી ગઈ છે. આ પહેલાં પણ જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝમાંની પહેલી મૅચ ઇન્ડિયાએ ૧૦ વિકેટે ગુમાવી હતી અને ત્યાર બાદ સારું કમબૅક કરીને સિરીઝ ૨-૧થી પોતાના નામે કરી હતી. નવાઈની વાત એ કે ઑસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડેમાં ઇન્ડિયા ટૉસ હારી હતી અને એણે પહેલાં બૅટિંગમાં આવવું પડ્યું હતું. ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી વન-ડેમાં પણ આ જ ઘટનાક્રમ રિપીટ થયો હતો. ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની જેમ આ સિરીઝમાં પણ ટીમ ઇન્ડિયા કમબૅક કરી શકશે કે નહીં એ જોવાનું રહેશે.

પહેલી વન-ડેમાં શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ સૌથી મોંઘા બોલર સાબિત થયા હતા અને બુમરાહ, શમી જેવા અનુભવી બોલરો પણ વિરોધી ટીમ પર પ્રેશર લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. બોલિંગ સાથે ફીલ્ડિંગને લઈને પણ ચિંતાનાં વાદળો ઘેરાયેલાં છે.

ન્યુ ઝીલૅન્ડ પોતાના અનુભવી કૅપ્ટન કેન વિલિયમસન વિના આ સિરીઝમાં એક મૅચ જીતી ચૂક્યું છે, જેમાં તેમણે વન-ડેનો હાઇએસ્ટ સ્કોર ચેઝ કર્યો હતો. સિરીઝની બીજી મૅચ જીતીને ટૉમ લથમ ભારત સામેની આ સિરીઝ જીતવા માગશે. ન્યુ ઝીલૅન્ડ છેલ્લે ૨૦૧૪માં ઘરઆંગણે ભારત સામે પાંચ વન-ડે મૅચની સિરીઝ ૪-૦થી જીત્યું હતું અને આ વખતે ફરી એક વાર ભારતને હરાવવાની તેમને તક મળી છે. એવામાં લૅથમ અને કોહલી શું યોજના બનાવી મેદાનમાં ઊતરશે એ જોવાનું રસપ્રદ રહશે. ઈડન પાર્કમાં રમાઈ રહેલી આ મૅચમાં પણ રનનો વરસાદ જોવા મળશે કારણ કે બાઉન્ડરી ખૂબ નાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK