હારથી બચવા ઇંગ્લૅન્ડે તોડવો પડશે વર્લ્ડ રેકૉર્ડ

Published: 16th February, 2021 08:17 IST | Gujarati Mid-day Correspondent | Chennai

બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ૪૮૨ રનના ટાર્ગેટ સામે ઇંગ્લિશ ટીમ ૩ વિકેટે ૫૩ રન

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ ૪૧૮ અને ભારતની ધરતી પર સૌથી મોટા ૩૮૭ રનના ટાર્ગેટ-ચેઝનો રેકૉર્ડ છે. અંગ્રેજોએ જીતવા માટે આજે આ બન્ને કીર્તિમાન તોડવાં પડશે: ઇંગ્લૅન્ડ જીતથી ૪૨૯ રન અને ભારત પહેલી ટેસ્ટની હારના બદલાથી ૭ વિકેટ દૂરઃ અશ્વિને બૅટિંગમાં પણ કમાલ કરતાં ફટકારી કરીઅરની પાંચમી સેન્ચુરી

ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે આશા જીવંત રાખતા મસ્ટ વિન ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ગઈ કાલે ત્રીજા દિવસે ભારતે મૅચ પર પકડ મજબૂત કરી લીધી છે. ટીમ ઇન્ડિયાએ આપેલા ૪૮૨ રનના ટાર્ગેટ સામે દિવસના અંત સુધીમાં ઇંગ્લૅન્ડે ૫૩ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. આજે ચોથા અને લગભગ છેલ્લા દિવસે ઇંગ્લૅન્ડને જીતવા માટે હજી ૪૨૯ રનની જરૂર છે અને કૅપ્ટન જો રૂટ સહિત ૭ વિકેટ તેમના હાથમાં છે.

ભારતે એક વિકેટે ૫૪ રનથી આગળ રમતાં ગઈ કાલે અશ્વિનની સેન્ચુરી (૧૪૮ બૉલમાં એક સિક્સર અને ૧૪ ફોર સાથે ૧૦૬ રન) અને કૅપ્ટન કોહલીની હાફ સેન્ચુરી (૧૪૯ બૉલમાં ૭ ફોર સાથે ૬૨ રન)ના દમ પર ૨૮૬ રન બનાવીને ઇંગ્લૅન્ડને ૪૮૨ રનનો મસમોટો ટાર્ગેટ આપ્યો હતો. ભારતને પહેલી ઇનિંગ્સમાં ૧૯૫ રનની મૅચવિનિંગ લીડ મળી હતી. ચેતેશ્વર પુજારા ફક્ત ૭ રન બનાવીને રનઆઉટ થયા બાદ રોહિત શર્મા ૨૬ રન બનાવીને પૅવિલિયનમાં પાછો ફર્યો હતો. જ્યારે પરાક્રમી રિષભ પંત ફક્ત ૮, અજિંક્ય રહાણે ૧૦, અક્ષર પટેલ ૭ રન સાથે ફ્લૉપ રહ્યા હતા. ૧૦૬ રનમાં ૬ વિકેટ ગુમાવ્યા બાદ કોહલી-અશ્વિનની જોડીએ ૯૬ રનની પાર્ટનરશિપ કરીને ઇંગ્લૅન્ડ માટે કમબૅકના દરવાજા મોટા ભાગે બંધ કરી દીધા હતા.

ઇંગ્લૅન્ડ વતી જૅક લીચ અને મોઇન અલીએ ૪-૪ વિકેટ અને પેસબોલર ઓલી સ્ટોનને એક વિકેટ મળી હતી.

ઇગ્લૅન્ડ માટે જીત આસાન નથી, કેમ કે....

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી હાઇએસ્ટ ટાર્ગેટ-ચેઝનો રેકૉર્ડ ૪૧૮ રનનો છે. જે વેસ્ટ ઇન્ડીઝે ૨૦૦૪માં ઑસ્ટ્રેલિયા સામે રચ્યો હતો.

ભારતની ધરતી પર હાઇએસ્ટ ટાર્ગેટ-ચેઝનો રેકૉર્ડ ૩૮૭ રનનો છે. ૨૦૦૮માં ચેન્નઈ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે ભારતીય ટીમે ૬ વિકેટે જીત સાથે આ રેકૉર્ડ બનાવ્યો હતો.

ભારતીય ધરતી પર કોઈ વિદેશી ટીમનો હાઇએસ્ટ ચેઝ સ્કોર ૨૭૬ રનનો છે. ૧૯૮૭માં દિલ્હી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝે આ કમાલ કરતાં ભારતને પાંચ વિકેટ પરાસ્ત કરી હતી.

એશિયાની વાત કરીએ તો ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં હાઇએસ્ટ સ્કોર ૪૧૩ રનનો છે, જે બંગલા દેશે ૨૦૦૮માં શ્રીલંકા સામે બનાવ્યો હતો. આ કમાલ છતાં બંગલા દેશ એ ટેસ્ટ ૧૦૭ રનથી હારી ગયું હતું.

પાંચ વિકેટ અને સેન્ચુરીની ત્રણ-ત્રણ વાર કમાલ કરનાર અશ્વિન પ્રથમ ભારતીય

ઘરઆંગણે અને લગભગ ૩૯૦ દિવસ બાદ મેદાનમાં આવેલા ક્રિકેટપ્રેમીઓને રવિચન્દ્રન અશ્વિને જરાય નિરાશ નહોતા કર્યા. પોતાના લાડકા હીરો અશ્વિને પાંચ વિકેટના પરાક્રમ બાદ બીજી ઇનિંગ્સમાં બૅટ વડે પણ પાવર બતાવતાં કરીઅરની પાંચમી સેન્ચુરી ફટકારીને ચેન્નઈકરોના પૈસા વસૂલ કરી આપ્યા હતા. એક મૅચમાં પાંચ વિકેટ અને સેન્ચુરીની ડબલ કમાલ અશ્વિને તેની ટેસ્ટ કરીઅરમાં ત્રીજી વાર કરી હતી. આવા ડબલ ધમાકા ત્રણ વાર કરનાર અશ્વિન પહેલો ભારતીય ખેલાડી‍‍‍ બન્યો છે. ભારત વતી આવી કમાલ અત્યાર સુધી વિનુ માંકડ અને પોલી ઉમરીગરે એક-એક વાર કરી છે.

એક જ ટેસ્ટમાં પાંચ વિકેટ અને સેન્ચુરી કરવાનું કારનામું સૌથી વધુ પાંચ વાર ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇયાન બોથમના નામે છે. ત્રણ વાર કરવાની સાથે અશ્વિન બીજા નંબરે છે, જ્યારે પાકિસ્તાનના મુશ્તાક અહમદ, સાઉથ આફ્રિકાનો જૅક કૅલિસ અને બંગલા દેશનો ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન બે-બે વાર આવી કમાલ કરી ચૂક્યો છે.

40

અશ્વિન ટેસ્ટમાં આટલી ટેસ્ટ બાદ સેન્ચુરી ફટકારવામાં સફળ થયો છે. છેલ્લે તેણે ઑગસ્ટ ૨૦૧૬માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૧૮ રન બનાવ્યા હતા.

350

અશ્વિન ઘરઆંગણે આટલી ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર અનિલ કુંબલે (૪૭૬) અને હરભજન સિંહ (૩૭૬) બાદ ત્રીજો ભારતીય બોલર બન્યો છે.

અન્ય કારનામાં

ઇંગ્લૅન્ડ સામે ત્રણેય ફૉર્મેટમાં મળીને કુલ ૧૦૦૦ રન અને ૧૦૦ વિકેટની ડબલ ધમાલ કરનાર કપિલ દેવ બાદ તે બીજો ભારતીય ખેલાડી બન્યો. કપિલ દેવે ઇંગ્લૅન્ડ સામે ૫૦ મૅચમાં ૧૧૩ વિકેટ અને ૧૮૦૪ રન બનાવ્યા હતા, જ્યારે અશ્વિને ગઈ કાલ સુધી ૪૫ ટેસ્ટમાં ૧૦૬ વિકેટ અને ૧૦૯૦ રન બનાવ્યા છે.

છઠ્ઠા કે એનાથી નીચલા ક્રમાંકે બૅટિંગ કરીને એ જ ટીમ સામે સૌથી વધુ વાર ફિફ્ટી પ્લસના સ્કોરની યાદીમાં અશ્વિન ત્રીજા નંબરે પહોંચી ગયો છે. અશ્વિને સાતમી વાર ઇંગ્લૅન્ડ સામે આવી કમાલ કરી છે. આ યાદીમાં ૧૦ વાર સાથે ઑસ્ટ્રેલિયાનો બ્રૅડ હેડિન ટૉપ પર છે, જે તેણે ઇંગ્લૅન્ડ સામે કરી હતી, જ્યારે બીજા નંબરે ૮ વાર સાથે ઍલન નોટ છે. તેણે આ કમાલ ઑસ્ટ્રેલિયા સામે કરી હતી.

છઠ્ઠા કે એનાથી નીચલા ક્રમાંકે બૅટિંગ કરતાં અશ્વિન ટીમનો ટૉપ સ્કોરર નવમી વાર બન્યો હતો. આ યાદીમાં ૧૪ વાર આવી કમાલ સાથે કપિલ દેવ ટૉપ પર છે. ૧૩ વાર સાથે વીવીએસ લક્ષ્મણ બીજા અને ૧૦ વાર સાથે મહેન્દ્ર સિંહ ધોની ત્રીજા ક્રમાંકે છે. અશ્વિન હવે ચોથા ક્રમાંકે પહોંચી ગયો છે.

કૃષ્નમાચારી શ્રીકાંત બાદ ચેન્નઈમાં ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર અશ્વિન તામિલનાડુનો બીજો ખેલાડી બન્યો છે.

સ્ટોક્સના કરતબે પ્રેક્ષકોને મજા કરાવી

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે પગ ઊંચા કરીને હાથ પર ચાલીને કરેલા કરતબે બધાને ચોંકાવી દીધા હતા. સ્ટાર સ્પોર્ટ્સે સ્ટોક્સનો ૨૩ સેકન્ડનો વિડિયો શૅર કરીને મસ્તી કરતાં લખ્યું હતું, ‘સ્ટોક્સ ઊંધો થઈને જોઈ રહ્યો છે કે આ સ્પિન ટ્રૅક પર વિરાટ અને અશ્વિને આટલી આસાનીથી કઈ રીતે બૅટિંગ કરી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK