ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચના બીજા દિવસના અંત સુધી ભારતે મૅચમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી. પહેલી ઇનિંગમાં રમવા ઊતરેલી ભારતીય ટીમ બીજા દિવસે માત્ર ૨૯ રન પોતાના સ્કોરમાં ઉમેરી શકી હતી અને ૩૨૯ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઇંગ્લૅન્ડ પહેલી ઇનિંગમાં માત્ર ૧૩૪ રન કરી પૅવિલિયનભેગું થઈ ગયું હતું અને ફૉલોઑનથી બચવામાં સફળ થયું હતું. બીજી ઇનિંગમાં ભારતે એક વિકેટે ૫૪ રન બનાવીને કુલ ૨૪૯ રનની લીડ લીધી છે.
ભારતે ૨૯ રનમાં ગુમાવી છેલ્લી ચાર વિકેટ
રિષભ પંત અને અક્ષર પટેલ મૅચના બીજા દિવસે મેદાનમાં ઊતર્યા હતા અને પોતાના વ્યક્તિગત સ્કોરમાં એક પણ રન ઉમેર્યા વગર અક્ષર પાંચ રને આઉટ થયો હતો. ઇશાન્ત શર્મા અને કુલદીપ યાદવ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. ત્યાર બાદ મોહમ્મદ સિરાજ માત્ર ચાર રન કરીને આઉટ થયો હતો. એમ ભારતે બીજા દિવસે માત્ર ૨૯ રન વધારે પોતાના સ્કોરમાં જોડીને ચાર વિકેટ ગુમાવી હતી. સામા પક્ષે રિષભ પંતે ફરી એક વાર બૅટિંગમાં પોતાની કમાલ દેખાડી હતી અને છેલ્લે સુધી અણનમ રહી ૫૮ રન બનાવ્યા હતા.
રોહિતના સ્કોરની લગોલગ પણ ન પહોંચી ઇંગ્લૅન્ડની ટીમ
ભારતે ૩૨૯ રન બનાવ્યા બાદ મેદાનમાં ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમ રોહિત શર્માએ પહેલી ઇનિંગમાં કરેલા ૧૬૧ જેટલા પણ રન નહોતી કરી શકી અને માત્ર ૧૩૪ રનમાં પૅવિલિયનભેગી થઈ ગઈ હતી. વિકેટકીપર બેન ફોકસે સૌથી વધારે અણનમ ૪૨ રન બનાવ્યા હતા, જ્યારે અન્ય કોઈ પણ ઇંગ્લિશ પ્લેયર ૨૫ રનનો આંકડો પાર નહોતો કરી શક્યો. ઇંગ્લૅન્ડનો ફૉર્મમાં ચાલી રહેલો કૅપ્ટન જો રૂટ (૬) ડેબ્યુ પ્લેયર અક્ષર પટેલનો પ્રથમ શિકાર બન્યો હતો જ્યારે ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ ૧૮ રને અશ્વિનના હાથે બોલ્ડ થયો હતો. એક સમયે ઇંગ્લૅન્ડના માથે ફૉલોઑનનો ભય તોળાઈ રહ્યો હતો, પણ માંડ-માંડ તેઓ ૧૩૪ રન કરીને ફૉલોઑન ટાળ હતી. રવિચંદ્રન અશ્વિનને સૌથી વધારે પાંચ વિકેટ મળી હતી, જ્યારે ઇશાન્ત શર્મા અને અક્ષર પટેલને બે-બે અને મોહમ્મદ સિરાજને એક વિકેટ મળી હતી. બે વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં કમબૅક કરનાર કુલદીપ યાદવ પહેલી ઇનિંગમાં વિકેટલેસ રહ્યો હતો.
બીજી ઇનિંગ્માં ભારત એક વિકેટે ૫૪ રન
પહેલી ઇનિંગની ૧૯૫ રનની લીડ લઈને ભારતીય ટીમ બીજી ઇનિંગમાં રમવા ઊતરી હતી અને દિવસના અંત સુધી એણે એક વિકેટે ૫૪ રન બનાવીને કુલ ૨૪૯ રનની લીડ બનાવી લીધી હતી. શુભમન ગિલ ૧૪ રને આઉટ થયો હતો. દિવસના અંત સુધી રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા અનુક્રમે અણનમ ૨૫ અને ૭ રન બનાવી લીધા હતા.
અશ્વિને તોડ્યો હરભજનનો રેકૉર્ડ
ભારતની ધરતી પર સૌથી વધારે ટેસ્ટ વિકેટ લેવાના મુદ્દે ગઈ કાલે રવિચંદ્રન અશ્વિને હરભજન સિંહનો રેકૉર્ડ તોડ્યો હતો. ઇંગ્લૅન્ડ સામેની પહેલી ઇનિંગમાં પાંચ વિકેટ લઈને તેણે ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની કુલ વિકેટની સંખ્યા ૨૬૮ સુધી પહોંચાડી દીધી હતી. હરભજન સિંહે ઘરઆંગણે ટેસ્ટ મૅચમાં ૨૬૫ વિકેટ લીધી હતી. અશ્વિન હવે આ યાદીમાં ૨૬૮ વિકેટ સાથે બીજા ક્રમે, જ્યારે ૩૫૦ ટેસ્ટ વિકેટ સાથે અનિલ કુંબલે પહેલા ક્રમાંકે છે.
200 - ટેસ્ટ ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિન કુલ આટલા ડાબોડી બૅટ્સમૅનને આઉટ કરનાર પહેલો બોલર બન્યો છે, જેમાં તેણે સૌથી વધારે ડેવિડ વૉર્નરને ૧૦ વાર, ઍલિસ્ટર કુક અને બેન સ્ટોક્સને ૯-૯ વાર, એડ કોવેન અને જેમ્સ ઍન્ડરસનને ૭-૭ વાર વાર આઉટ કર્યા છે.
ચેન્નઈની પિચ પર ભડક્યા માઇકલ વૉન અને શેન વૉર્ન
ઇંગ્લૅન્ડની ટીમ જે પ્રમાણે ૧૩૪ રનમાં ઑલઆઉટ થઈ એ જોતાં ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન માઇકન વૉન ભડકી ગયો હતો. વૉને કહ્યું કે ‘એ વાતમાં બેમત નથી કે ઇન્ડિયા ઇંગ્લૅન્ડ કરતાં સારી મૅચ રમ્યું, પણ આ પિચ પાંચ દિવસની ટેસ્ટ મૅચ માટે નથી.’ વૉનની આ વાતમાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર શેન વૉર્ને સૂર પુરાવ્યો હતો અને કહ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડે ઇન્ડિયાને ૨૨૦ રનમાં ઑલઆઉટ કરવી જોઈતી હતી, પણ તેઓ એમ ન કરી શક્યા.’ આ ઉપરાંત માઇકલ વૉને પિચ પર સીમિંગ અને સ્પિનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળી ન રહ્યો હોવાની ફરિયાદ કરી હતી.
એક પણ એક્સ્ટ્રા રન આપ્યા વિના રમાયેલી સૌથી મોટી ઇનિંગ્સ
રન ટીમ વિરોધી ટીમ સ્ટેડિયમ વર્ષ
૩૨૯ ભારત ઇંગ્લૅન્ડ ચેન્નઈ ૨૦૨૦-’૨૧
૩૨૮ પાકિસ્તાન ભારત લાહોર ૧૯૫૪-’૫૫
૨૫૨ સાઉથ આફ્રિકા ઇંગ્લૅન્ડ ડર્બન ૧૯૩૦-’૩૧
૨૪૭ સાઉથ આફ્રિકા ઇંગ્લૅન્ડ નોટિંગહૅમ ૧૯૬૦
ફ્લાઇંગ પંત
બૅટિંગમાં કમાલ કર્યા બાદ રિષભ પંતે ગઈ કાલે વિકેટકીપિંગમાં પણ કમાલ કરી હતી. ખાસ કરીને મોહમ્મદ સિરાજની બોલિંગમાં વિકેટની પાછળ ડાઇવ મારીને ઑલી પૉપનો એક હાથે જે કૅચ પકડ્યો હતો એ ખરેખર લાજવાબ હતો અને ટીમના સાથી-પ્લેયરોએ પણ તેને આ શાનદાર કૅચ માટે વધાવ્યો હતો. આટલુ જ નહીં અગાઉ કૅચ છોડ્યા પછી ભારે ટ્રોલ થનાર પંત પર આજે સોશ્યલ મીડિયા ઓવારી ગયું હતું અને બીસીસીઆઈએ પણ ખાસ ટ્વીટ કરીને રિષભને શાબાશી આપી હતી.
પંતે તોડ્યો કપિલ દેવનો રેકૉર્ડ
ઇંગ્લૅન્ડ સામેની પહેલી ઇનિંગમાં રિષભ પંતે ૭૭ બૉલમાં અણનમ ૫૮ રન કર્યા હતા, જેમાં તેણે ૭ ચોગ્ગા અને ત્રણ સિક્સર મારી હતી. ટેસ્ટ મૅચમાં ટી૨૦ની જેમ ધમાકેદાર ઇનિંગ્સ રમીને પંતે ૨૩ વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર ફટકારવાનો કપિલ દેવનો રેકૉર્ડ તોડ્યો હતો. પંત આ યાદીમાં હવે ૩૧ વિકેટ સાથે શીર્ષ સ્થાને છે; જ્યારે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે અનુક્રમે ટિમ સાઉધી, કપિલ દેવ, ક્રેગ મૅક્મિલન અને શિમરન હેટમાયર સ્થાન ધરાવે છે; જેમણે ૨૩ વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં અનુક્રમે ૩૦, ૨૯, ૨૮ અને ૨૭ સિક્સર ફટકારી છે.
પંત અને રૂટ વચ્ચે મગજમારી થતાં પ્રેક્ષકોએ લગાવ્યા પંત-પંતના નારા
ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચના પહેલા દિવસના અંતિમ સેશનમાં રિષભ પંત અને જો રૂટ વચ્ચે મગજમારી થઈ હતી જેમાં પછીથી બેન સ્ટોક્સ પણ જોડાયો હતો. વાસ્તવમાં જો રૂટ જ્યારે બોલિંગ કરવા આવ્યો ત્યારે પંત જાણવા માગતો હતો કે શું દિવસની એ છેલ્લી ઓવર છે કે નહીં? આ વાતની પુષ્ટિ કરવામાં તે સમય લઈ રહ્યો હતો. રૂટે છેલ્લી મિનિટમાં પોતાની ઓવર પૂરી કર્યા બાદ ઓલી સ્ટોને દિવસની છેલ્લી ઓવર નાખી હતી. એ દરમ્યાન પંત અને રૂટ વચ્ચે ખાસ્સી બોલાચાલી થઈ ગઈ અને પછીથી બેન સ્ટોક્સ પણ એમાં સામેલ થયો હતો. રૂટની બોલિંગ દરમ્યાન ઇંગ્લૅન્ડના ફીલ્ડરે પણ ટિપ્પણી કરી હતી એટલે પંત આરામથી પોતાનું બૅટ પાછળ રાખી ઊભો રહી ગયો હતો. આ ઘટના દરમ્યાન સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોએ પંત-પંતના નારા લગાવ્યા હતા.