Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગિલ-વિરાટના ફ્લૉપ શો બાદ વહારે આવ્યા મુંબઈકરો

ગિલ-વિરાટના ફ્લૉપ શો બાદ વહારે આવ્યા મુંબઈકરો

14 February, 2021 10:09 AM IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગિલ-વિરાટના ફ્લૉપ શો બાદ વહારે આવ્યા મુંબઈકરો

ગિલ-વિરાટના ફ્લૉપ શો બાદ વહારે આવ્યા મુંબઈકરો


મસ્ટ વિન મૅચમાં યુવા ઓપનર અને કૅપ્ટન ખાતું ખોલાવી ન શક્યા અને પુજારા ૨૧ રન જ બનાવી શક્યો, લંચ પહેલાં ૮૬ રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ અન્ડરપ્રેશર રોહિત શર્મા (૧૬૧) અને અજિંક્ય રહાણે (૬૭) વચ્ચે થયેલી ચોથી વિકેટ માટેની ૧૬૨ રનની પાર્ટનરશિપે ટીમને સહારો આપ્યો. ભારતનો ૩૦૨મો ટેસ્ટ ક્રિકેટર બન્યો ગુજરાતનો ઑલરાઉન્ડર અક્ષર પટેલ, બે વર્ષ બાદ આખરે મોકો મળ્યો કુલદીપ યાદવને

પહેલી ટેસ્ટમાં ૨૨૭ રનથી કારમા પરાજય બાદ ભારતીય ટીમે મસ્ટ વિન બીજી ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં પહેલા દિવસે રોહિત શર્માની સેન્ચુરી અને વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણેની હાફ-સેન્ચુરીના જોરે ૬ વિકેટે ૩૦૦ રન બનાવીને સારી શરૂઆત કરી હતી.



એક વર્ષ કરતાં વધુ સમય બાદ ભારતમાં પ્રેક્ષકોની હાજરીમાં રમાઈ રહેલી આ પહેલી ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચમાં ભારતે બીજી જ ઓવરમાં શુભમન ગિલની વિકેટ ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. ત્યાર બાદ રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા (૨૧) વચ્ચે ૮૪ રનની પાર્ટનરશિપને લીધે કમબૅક કર્યું હતું. પુજારા બાદ કૅપ્ટન વિરાટ કોહલી તરત જ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ જતાં સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. વિરાટ પણ કઈ રીતે બોલ્ડ થયો એ તે સમજી નહોતો શક્યો અને રિપ્લે જોયા બાદ તે બોલ્ડ થયાનું કન્ફર્મ થતાં નિરાશ થઈને પૅવિલિયનમાં પાછો ફર્યો હતો. ૮૬ રનમાં ૩ વિકેટ બાદ બે મુંબઈકર બૅટ્સમેનો રોહિત શર્મા અને અજિંક્ય રહાણે ટીમનની વહારે આવ્યા હતા. રવિચન્દ્રન અશ્વિન ૧૩ રન બનાવી શક્યો હતો, જ્યારે મૅન ઇન ફૉર્મ રિષભ પંત ૫૬ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૩૩ તથા પ્રથમ ટેસ્ટ રમી રહેલો અક્ષર પટેલ પાંચ રન બનાવીને અણનમ રહ્યા હતા.


પહેલા જ દિવસે સ્પિનરોને મદદ કરતી પિચ પર ઇંગ્લૅન્ડ વતી જૅક લીચ અને મોઇન અલીએ બે-બે તથા કૅપ્ટન જો રૂટે એક વિકેટ લીધી હતી. પેસ બોલર ઓલી સ્ટોનને એક વિકેટ મળી હતી.

મુંબઈકર જોડીએ લાજ રાખી


પહેલી ટેસ્ટના નબળા પર્ફોર્મન્સ બાદ ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ અને ચાહકો રોહિત શર્મા અને રહાણેને ડ્રૉપ કરીને યુવાઓને તક આપવાની વાતો કરતા હતા, પણ ગઈ કાલે બન્નેએ તેમનો ક્લાસ બતાવતાં કમાલની ઇનિંગ્સ સાથે ટીમને જરૂરી સહારો આપીને સન્માનજનક સ્કોર સુધી લઈ ગયા હતા. રોહિત ઑસ્ટ્રેલિયામાં છેલ્લી બે ટેસ્ટ અને ચેન્નઈની પહેલી ટેસ્ટમાં ખાસ કંઈ નહોતો કરી શક્યો, પણ કાલે શરૂઆતથી જ વન-ડે સ્ટાઇલમાં આક્રમક રીતે રમતાં ૧૩૦ બૉલમાં ટેસ્ટ-કરીઅરની સાતમી સેન્ચુરી ફટકારી હતી. લીચના બૉલમાં આઉટ થતાં પહેલાં ૨૩૧ બૉલમાં બે સિક્સર અને ૧૮ ફોર સાથે ૧૬૧ રનની શાનદાર ઇનિંગ્સ રમીને રોહિતે ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. જ્યારે રહાણે ૧૪૯ બૉલમાં ૯ ફોર સાથે ૬૭ રન બનાવીને મોઇન અલીના બૉલમાં બોલ્ડ થયો હતો.

અક્ષર ટેસ્ટ ક્રિકેટ નંબર ૩૦૨

પહેલી ટેસ્ટમાં ઇન્જરીને લીધે ડેબ્યુ ન કરી શકનાર ગુજરાતનો ઑલરાઉન્ડર અક્ષર પટેલ આખરે ભારતનો ટેસ્ટ ક્રિકેટર નંબર ૩૦૨ બન્યો છે. અક્ષરને ટેસ્ટ કૅપ વિરાટ કોહલીએ આપી હતી.

બુમરાહને આરામ, ગાવસકર નારાજ

ડે-નાઇટ ટેસ્ટ પહેલાં આરામ આપવા બીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહનો સમાવેશ નથી કરવામાં આવ્યો. ટીમ મૅનેજમેન્ટના આ નિર્ણયથી ભૂતપૂર્વ ક્રિકેટરોમાં બે મત જોવા મળ્યા હતા. અમુકે સ્પિન પિચ પર તેને ન રમાડવાનું યોગ્ય લાગતું હતું, પણ સુનીલ ગાવસકરે આની ભારે ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ટીમે આ મૅચ જીતવી જરૂરી હોવાથી ટીમના નંબર-વન બોલરને આમ બહાર બેસાડવો યોગ્ય નથી અને બીજી તથા ત્રીજી ટેસ્ટ વચ્ચે ૭ દિવસનો ગૅપ હોવાથી આરામ આપવાની જરૂર નહોતી.

40 - રોહિત શર્માએ ટેસ્ટમાં ૭, વન-ડેમાં ૨૯ અને ટી૨૦માં ૪ સેન્ચુરી સાથે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કુલ આટલી સેન્ચુરી ફટકારી છે.

83.55 - ગઈ કાલની ઇનિંગ્સ સાથે રોહિતની હવે ઘરઆંગણે ટેસ્ટમાં આટલી ઍવરેજ થઈ ગઈ છે. ઘરઆંગણે ૧૫૦૦થી વધુ રન બનાવનાર બધા ૨૦૩ બૅટ્સમેનોમાં આ બીજા નંબરની ઍવરેજ છે. ૯૮.૨૨ની ઍવરેજ સાથે ડૉન બ્રૅડમૅન પહેલા નંબરે છે.

ઘરઆંગણે ૨૦૦ સિક્સર, રોહિત પ્રથમ

ગઈ કાલે રોહિતની બે સિક્સર સાથે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં હવે રોહિતના નામે કુલ ૪૩૦ સિક્સર થઈ ગઈ છે. ગઈ કાલે બે સિક્સરમાંની પ્રથમ સિક્સર સાથે રોહિતે ઘરઆંગણે ૨૦૦ સિક્સરનો લૅન્ડમાર્ક મેળવી લીધો છે. આવી કમાલ કરનાર તે પ્રથમ ભારતીય બૅટ્સમૅન બન્યો છે. રોહિત બાદ ધોની ૧૮૬ સિક્સર સાથે બીજા નંબરે અને ૧૧૩ સિક્સર સાથે યુવરાજ સિંહ ત્રીજા નંબરે છે.

રોહિત ઘરઆંગણે ૧૨૩મી ઇનિંગ્સમાં ૨૦૦ સિક્સર ફટકારીને સૌથી ઓછી મૅચમાં આ કમાલ કરનાર બૅટ્સમૅન પણ બન્યો છે. તેણે ૧૬૧ ઇનિંગ્સના ન્યુ ઝીલૅન્ડના માર્ટિન ગપ્ટિલનો રેકૉર્ડ તોડી નાખ્યો છે.

લૅન્ડમાર્ક સિક્સર કોના નામે?

૫૦ સિક્સરઃ કપિલ દેવ

૧૦૦ સિક્સરઃ સચિન તેન્ડુલકર

૧૫૦ સિક્સરઃ મહેન્દ્ર સિંહ ધોની

૨૦૦ સિક્સરઃ રોહિત શર્મા

ચાર દેશ સામે ત્રણેય ફૉર્મેટમાં સેન્ચુરી, રોહિત એકમાત્ર ખેલાડી

પહેલી ટેસ્ટની નિષ્ફળતા ભુલાવીને રોહિત શર્મા ગઈ કાલે ધમાકેદાર સેન્ચુરી ફટકારીને ટીમની વહારે આવ્યો હતો. ઇંગ્લૅન્ડ સામે આ તેની ટેસ્ટમાં પહેલી સેન્ચુરી હતી અને આ સાથે તેણે એક અદ્ભુત રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો. ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા મળી ચાર-ચાર દેશ સામે ત્રણેય ફૉર્મેટમાં સેન્ચુરી ફટકારનાર દુનિયાનો તે પ્રથમ ખેલાડી બન્યો છે.

રોહિતે કરી ક્રિસ ગેઇલના રેકૉર્ડની બરોબરી

રોહિતની ઇંગ્લૅન્ડ સામેની આ પહેલી ટેસ્ટ સેન્ચુરી સાથે વન-ડે, ટી૨૦ અને ટેસ્ટ ક્રિકેટનાં ત્રણેય ઇન્ટરનૅશનલ ફૉર્મેટમાં ઇંગ્લૅન્ડ સામે સેન્ચુરી ફટકારવાના ગેઇલના રેકૉર્ડની બરોબરી કરી લીધી છે. આમ ઇંગ્લૅન્ડ સામે ત્રણેય ફૉર્મેટમાં સેન્ચુરી ફટકારનાર અત્યાર સુધી ગેઇલ એકમાત્ર ખેલાડી હતો.

ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ચાર સેન્ચુરી, રોહિત નંબર-વન ભારતીય બૅટ્સમૅન

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં રોહિતની આ ચોથી સેન્ચુરી હતી અને આ સાથે તેણે સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, બાબર આઝમની બરોબરી કરી લીધી છે. ત્રણ સેન્ચુરી ફટકારનાર અજિંક્ય રહાણેને પાછળ રાખીને તે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર ભારતીય બૅટ્સમૅન બન્યો છે.

ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર બૅટ્સમૅન પણ બન્યો છે. જોકે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ઓવરઑલ સૌથી વધુ પાંચ સેન્ચુરી સાથે ઑસ્ટ્રેલિયાનો માર્નસ લબુશેન ટૉપ પર છે. આ ટેસ્ટની બીજી ઇનિંગ્સ અને ત્યાર બાદ અમદાવાદમાં રમાનારી બે ટેસ્ટમાં જો રોહિત વધુ સેન્ચુરી ફટકારશે તો તે લબુશેનની પણ બરોબરી કરી લેશે.

રોહિતની ૭ ટેસ્ટ સેન્ચુરી, બધી ઘરઆંગણે

રોહિત શર્માએ ગઈ કાલે ટેસ્ટમાં સાતમી સેન્ચુરી ફટકારી હતી અને તેની આ બધી સેન્ચુરી ઘરઆંગણે થઈ છે. વિદેશમાં એક પણ સેન્ચુરી વગર ઘરઆંગણે સૌથી વધુ સેન્ચુરી ફટકારવાનો રેકૉર્ડ બંગલા દેશના મોમિનુલ હકના નામે છે. તેણે કુલ ૧૦ સેન્ચુરી ફટકારી છે. રોહિતની આ ૭ સેન્ચુરી બીજા ક્રમાંકે છે. એ ઉપરાંત ટેસ્ટ કરીઅરની પ્રથમ સાત સેન્ચુરી ઘરઆંગણે મારનાર રોહિત પ્રથમ ભારતીય બૅટ્સમૅન બન્યો હતો. આ પહેલાં ૬ સેન્ચુરીનો રેકૉર્ડ મોહમ્મદ અઝહરુદ્દીનના નામે હતો.

વિરાટ ઝીરો, મોઇન પ્રથમ સ્પિનર

4 - વિરાટ કોહલી ટેસ્ટમાં સૌથી વધુ આટલામી વાર ઇંગ્લૅન્ડ સામે ઝીરોમાં આઉટ થયો છે. બીજા નંબરે ઑસ્ટ્રેલિયા સામે ત્રણ, વેસ્ટ ઇન્ડીઝ સામે બે તથા બંગલા દેશ-શ્રીલંકા સામે એક-એક વાર આઉટ થયો છે.

12 - ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં વિરાટે કૅપ્ટન તરીકે આટલામી વાર ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈને ધોની (૧૧)ને પાછળ રાખી દીધો છે. જોકે આ મામલે ભારતીય રેકૉર્ડ ૧૩ વાર સૌરવ ગાંગુલીના નામે છે અને વિરાટ હવે એનાથી એક ડગલું દૂર છે.

વિરાટની રમત માણવા સ્ટેડિયમમાં આવેલા પ્રેક્ષકોએ ગઈ કાલે નિરાશ થવું પડ્યું હતું. વિરાટ પાંચમા જ બૉલમાં જ ખાતું ખોલાવ્યા વિના મોઇન અલીના બૉલમાં થાપ ખાઈ જતાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. મોઇન અલીએ આ સાથે એક કમાલ કરી હતી, કેમ કે વિરાટને ઝીરો પર આઉટ કરનાર તે પ્રથમ સ્પિનર બન્યો હતો. ટેસ્ટમાં વિરાટ ગઈ કાલે ૧૧મી વાર ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો, પણ આ પહેલાં તે ક્યારેય સ્પિનરના બૉલમાં આ રીતે આઉટ નહોતો થયો. વિરાટ ઘરઆંગણે ચોથી વાર ઝીરો પર આઉટ થયો હતો. વિરાટ ઉપરાંત યુવા ઓપનર શુભમન ગિલ પણ ખાતું નહોતો ખોલાવી શક્યો.

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2021 10:09 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK