Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લૉર્ડ્‌સની ટિકિટ માટે મોટેરામાં ટેસ્ટ

લૉર્ડ્‌સની ટિકિટ માટે મોટેરામાં ટેસ્ટ

24 February, 2021 11:33 AM IST | Ahmedabad
Sunil Vaidh

લૉર્ડ્‌સની ટિકિટ માટે મોટેરામાં ટેસ્ટ

તસવીર : હરિત જોશી

તસવીર : હરિત જોશી


અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમ ઇતિહાસ સર્જવાની કગાર પર ઊભું છે ત્યારે મોટેરાનું આ દુનિયાનું સૌથી વિશાળ ક્રિકેટનું મેદાન નવવધૂના ભવ્ય માંડવાની જેમ દરેકના મોઢેથી વાહવાહી મેળવી રહ્યું હતું અને કન્યાના ભાઈ હરખાય એમ ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ પણ ૧,૧૦,૦૦૦ની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમને ભારતીય સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરેન રિજિજુને બતાવતાં ગર્વ અનુભવી રહ્યા હતા અને એ સમજવા જેવી વાત હતી.

મોટેરા સ્ટેડિયમની આ ગર્વ લેવા જેવી પળો પાંચ દિવસ પછી પણ રહી શકશે કે નહીં એ કહેવું ઘણું અઘરું છે, કારણ કે પિન્ક બૉલના ક્રિકેટ વિશે ભવિષ્યવાણી કરવી બહુ મોટું જોખમ કહેવાય.  



ભારત-ઇંગ્લૅન્ડનો પિન્ક બૉલનો ઇતિહાસ જુઓ તો ખ્યાલ આવે. હજી તાજેતરના ભૂતકાળમાં આપણે ૩૬ રનમાં ઑલઆઉટ થઈને ભારે નામોશીભરી હાર ખમી હતી તેમ જ ઇંગ્લૅન્ડે પણ ૨૦૧૮માં ન્યુ ઝીલૅન્ડ સામે ૫૮ રનમાં ઑલઆઉટ થઈને નાલેશીભરી ઇનિંગ્સથી હાર્યા હતા. ૧૯૮૩માં જ્યારે આ ગ્રાઉન્ડ પર પહેલી વખત ટેસ્ટ મૅચ રમાઈ ત્યારે કપિલ દેવે બીજી ઇનિંગ્સમાં ૯ વિકેટ લીધી હતી, સુનીલ ગાવસકરે પહેલી ઇનિંગ્સમાં ૯૦ રન કર્યા હતા અને છતાં ભારત એ મૅચ હારી ગયું હતું, કારણ કે ત્યારની પિચ ખતરનાક કહી શકાય એવી હતી.


એ જીતના અંતે વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન ક્લાઇવ લૉયડે કહ્યું હતું કે ભગવાનનો પાડ માનો કે અમે બધા સલામત છીએ. એ વખતે ગુજરાત ક્રિકેટ અસોસિએશનના મૃગેશ જયક્રિષ્નએ એડીચોટીનું જોર લગાડીને સ્ટેડિયમ ફક્ત ૯ મહિનામાં તૈયાર કરેલું જેને કારણે પિચ બનવામાં પૂરતું ધ્યાન નહોતું અપાયું. જ્યારે આ વખતે ગુજરાત ક્રિકેટ અસોસિએશને પાંચ વર્ષ કરતાં વધારે સમય લઈ એક બેનમૂન સ્ટેડિયમ બનાવ્યું છે અને જાહેર છે કે આટલા લાંબા સમયને કારણે દરેક પિચ પર પૂરતું ધ્યાન અપાયું છે અને દરેક પિચ ઉમદા ક્વૉલિટીની બની છે. પિન્ક બૉલ માટે પિચ પર ૬ મિલીમીટર જેટલું ઘાસ હોવું જરૂરી છે, પણ એક અંદાજ એવો છે કે ભારતીય ટીમ ઘાસ રહેવા નહીં દે અને એના વિશે ઇંગ્લૅન્ડના પેસ બોલર જેમ્સ ઍન્ડરસને પણ શંકા દર્શાવી છે.

વધારે ચમક ધરાવતો પિન્ક બૉલ રિવર્સ સ્વિંગ પણ થાય એમ લાગતું નથી માટે જે ટીમના બૅટ્સમેનો શરૂઆતના કલાક અને પછી આથમતા સૂરજ વખતના સંધ્યાકાળની રોશની અને સ્ટેડિયમની લાઇટના મિશ્ર પ્રકાશમાં કુશળતા દેખાડશે તેની ટીમ સફળ થશે. દિવસ-રાતની ટેસ્ટમાં સંધ્યાકાળ સૌથી નાજુક સમય કહેવાય છે.


આજે બપોરે વિરાટ કોહલીને રેફરીને આપાનારી ટીમ-શીટમાં ૧૦ ખેલાડીઓનાં નામ લખવાનું ખૂબ જ સહેલું થશે, પણ ૧૧મા નામ માટે ઘણોબધો વિચાર કરવો પડશે. ચાઇનામૅન બોલર કુલદીપ યાદવને લેવો કે ફાસ્ટ બોલર ઉમેશ યાદવને કે પછી હાર્દિક પંડ્યાને. હાર્દિક ચેન્નઈની મૅચ પછી પિન્ક બૉલથી બોલિંગની પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો છે માટે શક્ય છે તેને રમાડી બૅટિંગ વધુ મજબૂત કરવામાં આવે છતાં ભારત પાસે બે સ્પિનર તો હશે જ. જ્યારે ઇંગ્લૅન્ડની સમસ્યા એ છે કે એક જ સ્પિનર જૅક લીચને રમાડી જોખમ લેવું કે ડોમ બેસને પણ રમાડવો. કૅપ્ટન જો રૂટને જૉની બેરસ્ટોનો સારો સાથ મળશે, ખાસ કરીને અશ્વિન અને અક્ષરની સ્પિન સામે ટકવા માટે.

રંગબેરંગી ખુરસીઓ અને લીલુંછમ આઉટફીલ્ડ મોટેરા સ્ટેડિયમને ખરેખર એક નાયાબ હીરો બનાવે છે. આનાથી ફક્ત અમદાવાદ કે ગુજરાત જ નહીં, સમગ્ર ભારતનું માથું ગર્વથી ઊંચું થઈ જાય.

આશા રાખીએ કે કોહલીના ‘બોય્‍સ’ આ પિન્ક બૉલ ટેસ્ટમાં જબરદસ્ત દેખાવ કરી આપણી છાતી પહોળી કરે અને જૂન મહિનામાં ભારત લૉર્ડ્સ પર ન્યુ ઝીલૅન્ડ સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં રમે.

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2021 11:33 AM IST | Ahmedabad | Sunil Vaidh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK