Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારત પહેલા નંબરથી ગબડી ચોથા નંબરે

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારત પહેલા નંબરથી ગબડી ચોથા નંબરે

10 February, 2021 09:24 AM IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારત પહેલા નંબરથી ગબડી ચોથા નંબરે

ઓલ્ડ ઇઝ ગોલ્ડ: ગઈ કાલે ૩૮ વર્ષના ઍન્ડરસનના રિવર્સ સ્વિંગ સામે વિરાટસેના ઝૂકી ગઈ હતી

ઓલ્ડ ઇઝ ગોલ્ડ: ગઈ કાલે ૩૮ વર્ષના ઍન્ડરસનના રિવર્સ સ્વિંગ સામે વિરાટસેના ઝૂકી ગઈ હતી


ઈંગ્લૅન્ડે ટૉપમાં પહોંચી લૉર્ડ્સની ફાઇનલ માટે દાવો મજબૂત કર્યો: લીચ અને ઍન્ડરસને બીજી ઇનિંગ્સમાં ભારતનાં બૅન્ડ વગાડ્યાં: ચેન્નઈમાં અંગ્રેજો સામે ૨૨ વર્ષ બાદ હારી ટીમ ઇન્ડિયા: ભારતીય કૅપ્ટન વિરાટના આગમન સાથે ફરી જોવી પડી ટીમે નામોશી, જ્યારે ઇંગ્લૅન્ડનો કૅપ્ટન ૧૦૦મી મૅચમાં શાનદાર ડબલ સેન્ચુરીની કમાલ સાથે બન્યો મૅન ઑફ ધ મૅચ

ચેન્નઈ ઃ ભારતની સેકન્ડ ગ્રેડની ટીમે ઑસ્ટ્રેલિયામાં ડંકો વગાડીને મેળવેલી નામનાને ભારતની એ-ગ્રેડની ટીમે ગઈ કાલે ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે ૨૨૭ રનની શરણાગતિ સ્વીકારીને ભારે નામોશી વહોરી લીધી હતી. ૪૨૦ રનના ટાર્ગેટ સામે એક વિકેટે ૩૯ રનથી આગળ રમતાં માત્ર ૧૯૨ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ફક્ત કૅપ્ટન વિરાટ કોહલી (૭૨) અને ઓપનર શુભમન ગિલ (૫૦) હાફ સેન્ચુરી સાથે પ્રતિકાર કરી શક્યા હતા. જ્યારે ચેતેશ્વર પુજારા (૧૫), અજિંક્ય રહાણે (ઝીરો), રિષભ પંત (૧૧), વૉશિંગ્ટન સુંદર (ઝીરો) ફ્લૉપ રહ્યા હતા. ઇંગ્લૅન્ડના જૂના જોગી ૩૮ વર્ષના જિમી ઍન્ડરસને રિવર્સ સ્વિંગની કમાલ સાથે ૧૭ રનમાં ૩ તથા પહેલી ઇનિંગ્સની ધુલાઈ ભૂલાવીને સ્પિનર જૅક લીચે ૭૬ રનમાં ૪ વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચર, ડોમ બેસ અને બેન સ્ટોક્સને અેક-અેક વિકેટ મળી હતી.



૧૦૦મી લૅન્ડમાર્ક ટેસ્ટમાં ડબલ સેન્ચુરી ફટકારીને રેકૉર્ડ રચનાર ઇંગ્લૅન્ડનો કૅપ્ટન જો રૂટ મૅન ઑફ ધ મૅચ જાહેર


થયો હતો. હવે આ જ મેદાનમાં શનિવારથી બીજી ટેસ્ટ શરૂ થશે.

પહેલા નંબરે પહોંચ્યું ઇંગ્લૅન્ડ


ધમાકેદાર જીત સાથે ઇંગ્લૅન્ડ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં પૉઇન્ટ-ટેબલ પર ચોથા નંબરથી પહેલા નંબરે કૂદકો મારીને જૂનમાં ઘરઆંગણે લૉર્ડ્સમાં રમાનારી ફાઇનલ માટે દાવેદારી મજબૂત કરી લીધી છે. ન્યુ ઝીલૅન્ડ પહેલાં જ ફાઇનલમાં ક્વૉલિફાય કરી ચૂક્યું છે અને બીજા ફાઇનલિસ્ટ માટે ભારત, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સ્પર્ધા છે. ઇંગ્લૅન્ડે ગઈ કાલે પહેલી જીત મેળવી લીધી છે, પણ ફાઇનલમાં પ્રવેશ માટે એણે બાકીની ત્રણમાંથી હજી બે ટેસ્ટ મૅચ જીતવી પડશે. જ્યારે ભારતે હવે બાકીની ત્રણમાંથી બે ટેસ્ટ જીતવી પડશે અને એક ડ્રૉ કરાવવી પડશે.

કમનસીબ કોહલીની ફરી નામોશી

ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની પહેલી મૅચમાં ભારતે લોએસ્ટ ૩૬ રનમાં ઑલઆઉટ થઈને નામોશીભરી હાર સાથે શરૂઆત કરી હતી. એ મૅચમાં કૅપ્ટન વિરાટ કોહલી હતો અને ત્યાર બાદ તેના પ્રથમ સંતાનના જન્મ સમયે ફૅમિલી સાથે રહેવા ભારત પાછો આવી ગયો હતો. વિરાટની ગેરહાજરીમાં રહાણેએ ટીમની કમાન સંભાળી હતી અને ભારત કમાનના કમબૅક સાથે એક ડ્રૉ અને બે જીત સાથે બોર્ડર-ગાવસકર ટ્રોફી ભારત લઈ આવ્યું હતું. વિરાટ ફરી પાછો ટીમ સાથે જોડાઈ ગયો અને ભારતીય ટીમે ફરી આ સિરીઝની પહેલી મૅચમાં ૨૨૭ રનની નામોશીભરી હાર જોવી પડી. કૅપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતની આ સતત ચોથી હાર હતી. ગયા વર્ષ કિવીઓ સામે બન્ને ટેસ્ટ હાર્યા બાદ ઑસ્ટ્રેલિયા સામે અને હવે ગઈકાલે ઇંગ્લૅન્ડ સામે હાર થઈ હતી.

૨૨ વર્ષ બાદ હાર્યા ચેન્નઈમાં

ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં ભારતે ૨૨ વર્ષ બાદ હાર જોવી પડી હતી. છેલ્લે ભારત ૧૯૯૯માં પાકિસ્તાન સામે માત્ર ૧૨ રનથી હાર્યું હતું. ત્યાર બાદ આ ટેસ્ટ પહેલાં રમાયેલી આઠ મૅચમાં પાંચમાં ભારતની જીત થઈ હતી અને ત્રણ મૅચ ડ્રૉ રહી હતી.

બીજી તરફ ઇંગ્લૅન્ડ ૩૬ વર્ષ બાદ ચેન્નઈમાં ટેસ્ટ જીતી શક્યું હતું. છેલ્લે ૧૯૮૫માં ઇંગ્લૅન્ડે ભારતને ૯ વિકેટે પરાજિત કર્યું હતું.

૩૦ વર્ષની ઉંમર વટાવ્યા બાદ સૌથી વધુ વિકેટ હવે ઍન્ડરસનના નામે

૩૮ વર્ષના જિમી ઍન્ડરસને ગઈ કાલે શુભમન ગિલ, અજિંક્ય રહાણે અને રિષભ પંતને આઉટ કરીને ઇંગ્લૅન્ડની જીત આસાન બનાવી દીધી હતી. ઍન્ડરસન ઉંમર વધવાની સાથે વધુ ને વધુ ખીલી રહ્યો છે. ૩૦ વર્ષ વટાવ્યા બાદ સામાન્ય રીતે પેસ  બોલરો રિટાયરમેન્ટની તૈયારી કરતા હોય છે ત્યારે ઍન્ડરસને ૩૦ વર્ષની ઉંમર બાદ એટલે કે છેલ્લાં આઠ વર્ષમાં સૌથી વધુ ૩૪૬ વિકેટ લીધી છે. અત્યાર સુધી આ રેકૉર્ડ વેસ્ટ ઇન્ડિયન લેજન્ડ કર્ટની વૉલ્શના નામે હતો. વૉલ્શે ૩૦ની વય બાદ ૩૪૧ વિકેટ લીધી હતી. આ યાદીમાં ત્રીજા નંબરે ૨૮૭ વિકેટ સાથે ઑસ્ટ્રેલિયાનો ગ્લેન મૅકગ્રા છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડના રિચર્ડ હેડલીના નામે ૨૭૬ વિકેટ છે.

સૌથી વધુ ટેસ્ટ વિકેટના લિસ્ટમાં ઍન્ડરસન પેસ બોલરોમાં ૬૧૧ વિકેટ સાથે ટૉપ પર છે અને ઓવરઑલ તે ચોથા નંબરે છે. ત્રીજા નંબરે રહેલા અનિલ કુંબલે (૬૧૯ વિકેટ)થી તે હવે ૮ વિકેટ દૂર છે. મુથૈયા મુરલીધરન ૮૦૦ વિકેટ સાથે પહેલા અને શેન વૉર્ન ૭૦૮ વિકેટ સાથે બીજા નંબરે છે.

પહેલી ઇનિંગ્સમાં અમે ઇંગ્લૅન્ડને કન્ટ્રોલમાં ન રાખી શક્યા એ જ નડી ગયું: કોહલી

ઇંગ્લૅન્ડે ભારતને ૨૨૭ રનથી આપેલા પરાજય બાદ વિરાટ કોહલીએ સ્વીકાર્યું હતું કે અમારી ટીમથી ભૂલ થઈ છે અને અમે ઇંગ્લૅન્ડની ટીમ પર જોઈએ એટલું દબાણ નહોતા બનાવી શક્યા. વિરાટ કોહલીએ કહ્યું કે ‘મને નથી લાગતું કે પહેલી ઇનિંગ્સમાં અમારા બોલરો તેમના પર જરૂરી દબાણ બનાવી શક્યા. એક બોલિંગ યુનિટ તરીકે અમારે તેમને નિયંત્રણમાં રાખવા જોઈતા હતા. ફાસ્ટ બોલર્સ અને અશ્વિને પહેલી ઇનિંગમાં સારી એવી બોલિંગ કરી હતી, પણ સાથે-સાથે અમારે તેમની રન-ગતિ પર નિયંત્રણ રાખવું જોઈતું હતું જેથી તેમના પર દબાણ બનાવી શકાય. અહીં વિકેટ ધીમી હતી અને બોલર્સને જોઈએ એવી મદદ નહોતી મળી રહી જેને લીધે બૅટ્સમૅન માટે રન કરવા સરળ બની ગયા હતા. એવું લાગ્યું કે પહેલા બે દિવસ વિકેટથી બોલર્સને ખાસ કોઈ મદદ નહોતી મળી. ઇંગ્લૅન્ડે જે પ્રમાણે રમત બતાવી એ પ્રમાણે તેમને તમામ શ્રેય મળવું જોઈએ. તેમણે સ્કોરબોર્ડ પર મોટો સ્કોર બનાવ્યો, પણ અમારી બૉડી-લૅન્ગ્વેજ અને ઝનૂન એ સ્તરનું નહોતું.’

કૅપ્ટન કોહલીએ લૉઇડને પછાડ્યો, હવે વારો પૉન્ટિંગનો

વિરાટે ગઈ કાલે ૭૨ રન સાથે એક છેડો સાચવીને ભારે લડત આપી હતી, પણ સામે છેડે યોગ્ય સાથ ન મળતાં ટીમે હાર જોવી પડી હતી. જોકે કૅપ્ટન કોહલીએ ગઈ કાલે ત્રીજો રન બનાવતાની સાથે કૅરિબિયન લેજન્ડ કૅપ્ટન ક્લાઇવ લૉઇડને પાછળ રાખી દીધા હતા. કૅપ્ટન લૉઇડના ૫૨૩૩ રન હતા અને કોહલીના ૫૨૭૬ રન થઈ ગયા છે. જોકે કૅપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ગ્રેમ સ્મિથ (૮૬૫૯ રન) પહેલા, એલન બોર્ડર (૬૬૨૩) બીજા અને રિકી પૉન્ટિંગ (૬૫૪૨) ત્રીજા નંબરે છે. ચોથા નંબરે રહેલા વિરાટને હવે પૉન્ટિંગને પછાડવા માટે વધુ ૧૨૬૬ રનની જરૂર છે.

બીજી બાજુ વિરાટે ગઈ કાલે સૌથી વધુ ઇન્ટરનૅશનલ રનની યાદીમાં વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારા (૪૩૦ મૅચમાં ૨૨૩૫૮ રન)ને પછાડ્યો હતો. કોહલી હવે ૪૨૪ મૅચમાં ૨૨,૩૬૭ રન સાથે આ યાદીમાં સાતમા નંબરે પહોંચી ગયો છે. સચિન ૩૪,૩૫૭ રન સાથે ટૉપ પર છે.

27 - ગઈ કાલની જીત અે જો રૂટની આટલામી ટેસ્ટ જીત હતી. આ સાથે માઇકલ વૉન સાથે સંયુક્ત રીતે સૌથી વધુ ટેસ્ટ જીતનાર ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બની ગયો હતો. વૉને ૫૧ મૅચમાં આ કમાલ કરી હતી, જ્યારે રૂટે ૪૭ મૅચમાં તેની બરોબરી કરી છે. વૉર્ની જીતની ટકાવારી ૫૦.૯૮ હતી, જ્યારે રૂટની ૫૫.૩૧ છે

4 - ભારત આટલાં વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ મૅચ હાર્યું છે. છેલ્લે ફેબ્રુઆરી ૨૦૧૭માં પુણેમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ ૩૩૩ રનના તોતિંગ માર્જિનથી હારી હતી. આ બન્ને હાર વચ્ચે રમાયેલી ૧૪ ટેસ્ટમાંથી ભારતનો ૧૧માં વિજય થયો હતો અને ૩ ડ્રૉ રહી હતી

227 - ગઈ કાલની ઇંગ્લૅન્ડની આટલા રનથી જીત એ તેમની ચેન્નઈમાં સૌથી મોટી જીત બની હતી. આ પહેલાંનો રેકૉર્ડ ૨૦૦ રનનો હતો જે ૧૯૭૭માં નોંધાયો હતો

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ પૉઇન્ટ-ટેબલ

ટીમ       જીત   હાર   ડ્રૉ    પૉઇન્ટ      જીતની ટકવારી

ઇંગ્લૅન્ડ     ૧૧   ૪    ૩    ૪૪૨           ૭૦.૨

ન્યુ ઝીલૅન્ડ ૭    ૪    ૦    ૪૨૦           ૭૦.૦

ઑસ્ટ્રેલિયા  ૮    ૪    ૨    ૩૩૨            ૬૯.૨

ભારત      ૯    ૪    ૧    ૪૩૦             ૬૮.૩

પાકિસ્તાન  ૪    ૫    ૩    ૨૮૬              ૪૩.૪

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2021 09:24 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK