પહેલી ટેસ્ટ મૅચના બીજા દિવસે ઇંગ્લૅન્ડના ૮ વિકેટે ૫૫૫ રન

Published: 7th February, 2021 08:11 IST | Gujarati Mid-day Correspondent | Chennai

રેકૉર્ડવીર રૂટ: ૧૦૦મી ટેસ્ટમાં ડબલ સેન્ચુરી કરનાર પહેલો પ્લેયર બન્યો, દબાણ અનુભવીને ભારતે ગુમાવ્યા ત્રણ ડીઆરએસ

જો રૂટ
જો રૂટ

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે ચેન્નઈમાં ચાલી રહેલી પહેલી ટેસ્ટ મૅચના બીજા દિવસે ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટે ભારતીય બોલરોની હાલત બગાડી નાખી હતી અને પોતાની ૧૦૦મી ટેસ્ટ મૅચમાં ડબલ સેન્ચુરી ફટકારીને યાદગાર બનાવી દીધી હતી. આ સાથે ૧૦૦મી ટેસ્ટમાં ડબલ સેન્ચુરી કરનાર તે વિશ્વનો પ્રથમ પ્લેયર બન્યો છે. બીજા દિવસના અંતે ઇંગ્લૅન્ડે ૮ વિકેટે ૫૫૫ રન બનાવી લીધા છે. શાહબાઝ નદીમે રૂટને ૨૧૮ના વ્યક્તિગત સ્કોર પર એલબીડબ્લ્યુ કરીને પૅવિલિયનમાં મોકલી દીધો હતો.

શાનદાર ઇનિંગ્સ

મૅચના બીજા દિવસે જો રૂટ અને બેન સ્ટોક્સ ઇંગ્લૅન્ડની ઇનિંગ્સને આગળ વધારવાના લક્ષ્યથી મેદાનમાં ઊતર્યા હતા. ઇંગ્લૅન્ડની ટીમે દિવસની પહેલી વિકેટ બેન સ્ટોક્સ રૂપે ગુમાવી હતી, જે શાહબાઝ નદીમે લીધી હતી. સ્ટોક્સ ૮૨ રન કરીને આઉટ થયો હતો. જો રૂટ અને ઓલી પોપ વચ્ચે પાંચમી વિકેટ માટે ૮૬ રનની પાર્ટનરશિપ થઈ હતી. ૩૪ રને પોપ ૧૫૩મી ઓવરમાં આઉટ થયા બાદ ૧૫૪મી ઓ‍વરમાં જો રૂટની વિકેટ મળતાં ભારતીય ટીમને રાહત મળી હતી. ૩૭૭ બૉલમાં ૧૯ ચોગ્ગા અને બે સિક્સર ફટકારીને રૂટે ૨૧૮ રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિનની ઓવરમાં સિક્સર ફટકારી રૂટે પોતાની ડબલ સેન્ચુરી પૂરી કરીને ઇતિહાસ રચી દીધો હતો. નદીમે તેને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ૧૭૦મી ઓવરમાં ઈશાન્ત શર્માએ ઉપરાઉપરી બે બૉલમાં જોસ બટલર (૩૦) અને જોફ્રા આર્ચર (૦)ને પૅવિલિયન ભેગા કરી દીધા હતા. જોકે હૅટ-ટ્રિક મેળવવાની તક તે ચૂકી ગયો હતો. દિવસના અંતે ડોમિનિક બેસ અને જૅક લીચ અનુક્રમે નાબાદ ૨૮ અને ૬ રન બનાવીને ક્રીઝ પર હતો. ઇશાન્ત શર્મા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ અને શાહબાઝ નદીમને બે-બે વિકેટ મળી હતી.

ડીઆરએસ નિષ્ફળ

ઇંગ્લૅન્ડની ઇનિંગ્સને લીધે ભારતીય બોલર્સ કેટલા પ્રેશરમાં હતા એ વાતનો અંદાજ એના પરથી લગાડાઈ શકાય છે કે ટીમ ઇન્ડિયાએ ત્રણ ખોટા ડીઆરએસ રિવ્યુ લેતાં એ ગુમાવવાનો વારો આવ્યો હતો. ૧૦૮મી ઓવરમાં રવિચંદ્રન અશ્વિને બેન સ્ટોક્સ ખિલાફ એલબીડબ્લ્યુની અપીલ કરી હતી. જોકે બૉલ તેના ગ્લવ્ઝને લાગ્યો હતો અને વિકેટકીપર રિષભ પંત રિવ્યુ લેવાના પક્ષમાં નહોતો, પણ કોહલીએ રિવ્યુ લીધો અને એ ગુમાવ્યો હતો. એના પછીની ૧૦૯મી ઓવર જે નદીમ ફેંકવા આવ્યો હતો એના બીજા બૉલ પર પણ ટીમે રિવ્યુ લેતાં એ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. કોહલીસેનાએ ૧૩૯મી ઓવરમાં ઓલી પોપને કરેલી અશ્વિનની બોલિંગમાં ત્રીજો રિવ્યુ ગુમાવ્યો હતો. જોકે કોહલી આ રિવ્યુ લેવાના પક્ષમાં નહોતો, પણ નજીકના ફીલ્ડર સાથે લાંબી ચર્ચા કર્યા બાદ તેણે ત્રીજો રિવ્યુ લીધો હતો.

સર ડૉન બ્રૅડમૅનની ક્લબમાં સામેલ

મને શા માટે કોઈ આઇપીએલની ટીમ ખરીદતી નથી: જો રૂટ

ઇંગ્લૅન્ડ ટેસ્ટ ટીમના ફૉર્મમાં ચાલી રહેલા કૅપ્ટન જો રૂટે છેલ્લી ત્રણ ટેસ્ટ મૅચમાં પોતાની પ્રતિભાનો પરચો આપી દીધો છે, જેને લીધે સોશ્યલ મીડિયામાં તેના પર શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે. આ શુભેચ્છા આપનારાઓમાં આઇપીએલની ટીમ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટના માલિક અને આરપીજીના વર્તમાન ચૅરમૅન હર્ષ ગોએન્કા પણ સામેલ છે.

વાસ્તવમાં હર્ષ ગોએન્કાએ રૂટનાં વખાણ કરતાં કહ્યું, ‘૧૦૦મી ટેસ્ટ મૅચમાં સેન્ચુરી, સતત ત્રીજી સેન્ચુરી અને એક શાનદાર ઇનિંગ્સ. જો રૂટ જ્યારે મને મળ્યો હતો ત્યારે તે મને પૂછી રહ્યો હતો કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોઈ પણ ટીમ મને કેમ પસંદ નથી કરી રહી? આઇપીએલમાં આવવા મારે હજી શું કરવાની જરૂર છે?’

આઇપીએલ માટે રૂટને પસંદ ન કરવા પાછળ એનું આ ફૉર્મેટમાંનું નબળું પ્રદર્શન જવાબદાર હોઈ શકે છે. મે ૨૦૧૯ બાદ રૂટ એક પણ ઇન્ટરનૅશનલ ટી૨૦ મૅચ નથી રમ્યો. ૩૨ ટી૨૦ મૅચમાં તેણે ૮૯૩ રન બનાવ્યા છે. ૨૦૧૮માં રૂટ પહેલી વાર આઇપીએલની હરાજીમાં સામેલ થયો હતો, જ્યાં કોઈ પણ ફ્રૅન્ચાઇઝીએ તેને ખરીદવામાં રસ નહોતો દાખવ્યો. ગયા વર્ષની જેમ આ વર્ષે થનારી આઇપીએલની હરાજી માટે રૂટે પોતાનું નામ રજિસ્ટર્ડ નથી કરાવ્યું.

ઇન્ઝમામનો તોડ્યો રેકૉર્ડ

ઇંગ્લૅન્ડ ટેસ્ટ ટીમના કૅપ્ટન જો રૂટે ગઈકાલે ૨૧૮ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પારી દ્વારા અનેક રેકોર્ડ તોડી, પાકિસ્તાનના પ્લેયર ઇન્ઝમામ-ઉલ-હકનો, પોતાની ૧૦૦મી ટેસ્ટ મૅચમાં ૧૫૦થી વધારે રન બનાવવાનો, રેકોર્ડ પણ તોડી દીધો હતો. ૨૦૦૫માં ઇન્ઝમામે બૅન્ગલોરમાં રમેલી પોતાની ૧૦૦મી ટેસ્ટ મૅચમાં ૧૮૪ રન બનાવ્યા હતા.

ચેન્નઈમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર ધરાવતો વિદેશી પ્લેયર

ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં ૨૧૮ રનની પારી રમી જો રૂટ આ સ્ટેડિયમ પર સૌથી વધારે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર કરનારો વિદેશી પ્લેયર બની ગયો છે. ૧૪૮મી ઓવરમાં જસપ્રીત બુમરહાની બૉલ પર એક રન લઈને તેણે આ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ ઑસ્ટ્રેલિયાના સ્વર્ગસ્થ પ્લેયર ડીન જૉન્સના નામે હતો જેમણે ૧૯૮૬માં આ સ્ટેડિયમ પર ૨૧૦ રનની ઇનિંગ રમી હતી.

644 - ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમના કૅપ્ટન જો રૂટ અને ન્યુ ઝીલૅન્ડની ટેસ્ટ ટીમના કૅપ્ટન કેન વિલિયમસને પોતપોતાની છેલ્લી પાંચ ટેસ્ટ મૅચમાં એક સમાન કુલ આટલા રન બનાવ્યા છે.

રૂટના રોચક રેકૉર્ડ્સ

જો રૂટ ૨૧૮ રનની પારી રમી ભારતમાં સૌથી મોટી ઇનિંગ રમનારો ઇંગ્લીશ કૅપ્ટન બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ એલેસ્ટર કૂકના નામે હતો જેણે ૨૦૧૨માં કલકત્તા ટેસ્ટમાં ૧૯૦ રનની ઇનિંગ રમી હતી.

ઓવરઓલ ઇંગ્લૅન્ડના કૅપ્ટન તરીકે ભારત સામેની સૌથી મોટી ઇનિંગ ગ્રેહામ ગૂચે ૧૯૯૦માં લીડ્સમાં રમી હતી. ત્યારે ગૂચે ૩૩૩ રન બનાવ્યા હતા. આ યાદીમાં હવે રૂટની ઇનિંગ્સ બીજા નંબર પર આવી ગઈ છે.

સાત વર્ષ બાદ ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં કોઈ બેટ્સમેને બેવડી સેન્ચુરી ફટકારી છે. આ અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૪માં ન્યુ ઝીલૅન્ડના બ્રેન્ડન મેક્કુલમે ૩૦૨ રનની પારી રમી હતી.

જો રૂટ ૧૦૦મી ટેસ્ટમાં ડબલ સદી ફટકારનાર વિશ્વનો પહેલો બેટ્સમેન છે. રૂટનો આ ભારત સામેનો સૌથી વધુ સ્કોર પણ છે. આ પહેલા ભારત સામે તેનો શ્રેષ્ઠ સ્કોર નાબાદ ૧૫૪ રન હતો.

સૌથી વધારે વખત ૧૫૦ રનથી લાંબી ઇનિંગ્સ રમનાર બૅટ્સમેન

બેટ્સમેન                 દેશ                 સતત ટેસ્ટ સેન્ચુરી

કુમાર સંગાકારા         શ્રીલંકા                        ૪

વેલી હેમંડ               ઇંગ્લૅન્ડ                       ૩

ડોન બ્રેડમેન            ઑસ્ટ્રેલિયા                   ૩

ઝહીર અબ્બાસ        પાકિસ્તાન                    ૩

મુદસ્સર નઝર          પાકિસ્તાન                    ૩

ટોમ લેથમ              ન્યુ ઝીલૅન્ડ                   ૩

જો રૂટ                   ઇંગ્લૅન્ડ                     ૩

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK