૪૦૭ રનના ટાર્ગેટ સામે ભારતના પાંચ વિકેટે ૩૩૪ રન, મૅચ ડ્રૉ, ૧-૧થી બરાબરી બાદ હવે ચોથી મૅચ નિર્ણાયક

Published: 12th January, 2021 08:02 IST | Gujarati Mid-day Correspondent | Sydney

પંત-પુજારાની છેલ્લાં ૭૨ વર્ષની રેકૉર્ડબ્રેક પાર્ટનરશિપ: ટીમ રહાણે રહી અજિંક્ય; બન્ને પરાક્રમીઓએ ચોથી ઇનિંગ્સમાં ચોથી વિકેટ માટેની ભારત વતી હાઇએસ્ટ પાર્ટનરશિપ સાથે કાંગારૂઓને ટટળાવ્યાઃ છેલ્લાં ૪૦ વર્ષની ભારતીય ટીમની આ સૌથી લાંબી ચોથી ઇનિંગ્સ બની રહી

પંત-પુજારાની છેલ્લાં ૭૨ વર્ષની રેકૉર્ડબ્રેક પાર્ટનરશિપ: ટીમ રહાણે રહી અજિંક્ય; બન્ને પરાક્રમીઓએ ચોથી ઇનિંગ્સમાં ચોથી વિકેટ માટેની ભારત વતી હાઇએસ્ટ પાર્ટનરશિપ સાથે કાંગારૂઓને ટટળાવ્યાઃ છેલ્લાં ૪૦ વર્ષની ભારતીય ટીમની આ સૌથી લાંબી ચોથી ઇનિંગ્સ બની રહી: બે કૅચ છોડીને પ્રથમ દિવસે વિલન બની જનાર પંત છેલ્લા દિવસે ૯૭ રનની આક્રમક ઇનિંગ્સ સાથે બન્યો હીરો: પુજારાએ મૅચમાં સતત બીજી હાફ સેન્ચુરી સાથે ૬૦૦૦ રન પૂરા કર્યા, રવિચન્દ્રન અશ્વિન તથા ઇન્જર્ડ હનુમા વિહારી ૨૫૯ બૉલ રમી લડત આપીને દિલ જીત્યાં: સ્ટીવ સ્મિથ મૅન ઑફ ધ મૅચ

બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ગઈ કાલે ચોથી ટેસ્ટના પાંચમા અને છેલ્લા દિવસે ભારતીય ટીમે જબરી વળતી લડત આપતાં મૅચ આખરે ડ્રૉ રહી હતી. ત્રીજા અને ચોથા દિવસની રમત બાદ જીત માટે ફુલ કૉન્ફિડન્ટ ધરાવતા કાંગારૂઓને પાંચમા દિવસે ભારતીય ટીમના લડાયક મિજાજનો પરચો મળ્યો હતો. ૧૩૧ ઓવરમાં પાંચ વિકેટે ૩૩૪ રનના સ્કોરે રમત પૂરી થવાને એક ઓવર બાકી હતી ત્યારે ઑસ્ટ્રેલિયાએ હથિયાર નાખી દીધાં હતાં અને જીતની જીદ છોડી દીધી હતી.

૪૦૭ રનના ટાર્ગેટ સામે બે વિકેટે ૯૮ રનથી આગળ રમતાં શરૂઆતમાં જ કૅપ્ટન અજિંક્ય રહાણે (૪)ની વિકેટ ગુમાવી દીધી હતી. પણ ત્યાર બાદ ચેતેશ્વર પુજારા (૨૦૫ બૉલમાં ૧૨ ફોર સાથે ૭૭ રન) અને રિષભ પંત (૧૧૮ બૉલમાં ૩ સિક્સર અને ૧૨ ફોર સાથે ૯૭ રન) વચ્ચે ચોથી વિકેટની ૨૬૫ બૉલમાં ૧૪૮ રનની રેકૉર્ડબ્રેક પાર્ટનરશિપે જબરી લડત આપી હતી. પંત અને પુજારાની વિદાય બાદ ફરી ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી અને કાંગારૂઓ જીતનું સપનું જોવા લાગ્યા હતા અને સેલિબ્રેશન પણ શરૂ કરી દીધું હતું. આશરે ૪૩ ઓવરની રમત બાકી હતી અને છેલ્લી પાંચ વિકેટ હતી એમાં પણ જાડેજા ઇન્જર્ડ હતો, પણ ફરી ભારતીય ટીમે ઇન્જર્ડ હનુમા વિહારી (૧૬૧  બૉલમાં ચાર ફોર સાથે અણનમ ૨૩ રન) અને રવિચન્દ્રન અશ્વિન (૧૨૮ બૉલમાં ૭ ફોર સાથે ૩૯ રન) વચ્ચે ૨૫૯ બૉલમાં અણનમ ૬૨ રનની પાર્ટનરશિપ મૅચ-સેવિંગ સાબિત થઈ હતી. ભારતીય ટીમ માટે આ ડ્રૉ પણ જીત સમાન જ બની રહ્યો હતો, પહેલી ઇનિંગ્સમાં ૯૪ રનથી પાછળ પડ્યા બાદ જાડેજા, પંત અને વિહારીની ઇન્જરી છતાં ઑસ્ટ્રેલિયન અટૅક સામે ૧૩૧ ઓવર સુધી મેદાનમાં ટકી રહેવું એ મોટી સિદ્ધિ જ ગણાય. સિરીઝ ૧-૧થી બરોબરી પર રહ્યા બાદ હવે છેલ્લી ટેસ્ટ નિર્ણાયક બની રહેશે. પ્રથમ ઇનિંગ્સમાં ૧૩૧ અને બીજી ઇનિંગ્સમાં ૮૧ રનની ઇનિંગ્સ બદલ સ્ટીવ સ્મિથ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.

પહેલા દિવસે વિલન, છેલ્લા દિવસે હીરો

પ્રથમ દિવસે ઓપનર વિલ પુકોવ્સ્કીના બે કૅચ છોડીને વિલન બની ગયેલો રિષભ પંત છેલ્લા દિવસે ૧૧૮ બૉલમાં ૩ સિક્સર અને ૧૨ ફોરની તડાફડી સાથે આક્રમક ઇનિંગ્સ રમીને હીરો બની ગયો હતો. પંતની ફટકાબાજીને લીધે જ ઑસ્ટ્રેલિયન બોલરો બૅકફુટ પર આવી ગયા હતા. પંત-પુજારાની જોડી રમતી હતી ત્યારે એક સમયે ભારતીય ટીમ જીતી જશે એવું લાગતું હતું. પ્રથમ ઇનિંગ્સમાં બૅટિંગ કરતી વખતે કોણીમાં ઈજા થતાં પંત બીજી ઇનિંગ્સમાં કીપિંગ નહોતો કરી શક્યો અને વૃદ્ધિમાન સહાએ એેને બદલે મેદાનમાં ઊતરવું પડ્યું હતું. ઇન્જરીને અવગણીને પંતે કરેલા પરાક્રમને લીધે ચાહકો તેના પહેલા દિવસના બ્લન્ડરને ભૂલી ગયા છે.

પેઇને પંતના કૅચ છોડીને દર્દ વધાર્યું

પરાક્રમી પંતના બે કૅચ ગઈ કાલે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇને છોડ્યા હતા, જે કદાચ નિર્ણાયક બન્યા હતા. આ જીવતદાન ઉપરાંત સબસ્ટિટ્યુટ ખેલાડી સીન ઍબટે પણ અશ્વિનનો કૅચ છોડ્યો હતો. આ ડ્રૉપ થયેલા કૅચે બોલરોની મહેનત પર પાણી ફેરવી દીધું હતું.

દ્રવિડના જન્મદિવસે પુજારાની ૬૦૦૦ની સલામી

ટીમ ઇન્ડિયાની એક સમયની મજબૂત દીવાલ ગણાતા રાહુલ દ્રવિડનો ગઈ કાલે જન્મદિવસ હતો. આ સ્પેશ્યલ દિવસે જેને ટીમની નવી મજબૂત દીવાલ માનવામાં આવે છે એ ચેતેશ્વર પુજારાએ ૨૦૫ બૉલ અડીખમ રહીને ૭૭ રનની સ્પેશ્લય ઇનિંગ્સ રમીને દ્રવિડને બર્થ-ડે ગિફ્ટ આપી હતી. આ ઉપરાંત પુજારાએ આ સ્પેશ્યલ દિવસે જ ટેસ્ટમાં ૬૦૦૦ રનનો આંકડો પણ પાર કરી લીધો હતો.

ટેસ્ટમાં ૬૦૦૦ રનનો આંકડો પાર કરનાર પુજારા ૧૧મો ભારતીય બૅટ્સમૅન બન્યો હતો. આ પહેલાં આવી કમાલ સચિન (૧૫,૯૨૧), રાહુલ દ્રવિડ (૧૩,૨૬૫), સુનીલ ગાવસકર (૧૦,૧૨૨), વીવીએસ લક્ષ્મણ (૮૭૮૧), વીરેન્દર સેહવાગ (૮૫૦૩), વિરાટ કોહલી (૭૩૧૮), સૌરવ ગાંગુલી (૭૨૧૨), દિલીપ વૅન્ગસરકર (૬૮૬૮), મોહમ્મદ અઝહરુદ્દીન (૬૨૧૫) અને ગુંડપ્પા વિશ્વનાથે (૬૦૮૦) કરી છે.

પંત-પુજારાએ ૭૨ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

ભારતને પાંચમા દિવસે મૅચ વરસાદ કે ચમત્કાર જ બચાવી શકે એમ હતું. વરસાદ તો નહોતો પડ્યો, પણ ભારતીય ટીમ લડાયક બૅટિંગ સાથે ચમત્કારિક ઇનિંગ્સ રમીને મૅચને જીત સમાન ડ્રૉમાં લઈ ગઈ હતી અને ઑસ્ટ્રેલિયનોના હાથમાંથી જીત ઝૂંટવી લીધી હતી. ગઈ કાલનો એક ચમત્કાર હતો પંત અને પુજારા વચ્ચેની ચોથી વિકેટ માટેની ૨૬૫ બૉલમાં ૧૪૮ રનની પાર્ટનરશિપ. આ પાર્ટરનશિપ ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ચોથી ઇનિંગ્સમાં ચોથી વિકેટ માટેની સર્વશ્રેષ્ઠ પાર્ટનરશિપ બની હતી. આ પહેલાંનો રેકૉર્ડ ૧૯૪૮-’૪૯માં મુંબઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રુસી મોદી અને વિજય હઝારે વચ્ચેની ૧૩૯ રનની પાર્ટનરશિપનો હતો.

વિહારી પણ ચોથી ટેસ્ટમાંથી આઉટ

ભારત ગઈ કાલે કમાલની લડત સાથે મૅચ ડ્રૉ કરાવીને સિરીઝ બરોબરી પર રાખવામાં સફળ થયું છે ,પણ હવે ચોથી અને નિર્ણાયક ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન માટે મુશ્કેલી થવાની છે. રવીન્દ્ર જાડેજા બાદ ઇન્જર્ડ હનુમા વિહારી પણ ચોથી ટેસ્ટ ઉપરાંત ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની બે ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. લોકેશ રાહુલ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી પહેલાંથી જ ઘરભેગા થઈ ગયા છે. આમ હવે ચોથી ટેસ્ટમાં જાડેજાની જગ્યાએ શાર્દુલ ઠાકુર અને વિહારીની જગ્યાએ મયંક અગરવાલ અથવા પંત અનફિટ હશે તો સહા ટીમમાં આવી જશે.

રહાણે હજી છે અજિંક્ય

અજિંક્ય રહાણેના નેતૃત્વમાં આ ચોથી ટેસ્ટ મૅચ છે. પહેલી ત્રણેય ટેસ્ટમાં ટીમમાં વિજય મળ્યો હતો અને ગઈ કાલે ડ્રૉ રહી હતી. આમ ‘ટીમ રહાણે’ હજી સુધી એક પણ ટેસ્ટ હારી નથી.

ડ્રૉ છતાં ઑસ્ટ્રેલિયા-ભારત ટૉપમાં

ગઈ કાલના ડ્રૉ છતાં ઑસ્ટ્રેલિયા અને ભારતે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં

ટૉપ-ટૂનાં સ્થાન જાળવી રાખ્યાં છે. જોકે ત્રીજા નંબરે બિરાજમાન ન્યુ ઝીલૅન્ડ અને બીજા નંબરના ભારત વચ્ચે હવે ફક્ત ૦.૨ પૉઇન્ટ પર્સન્ટેજનો ફરક છે.

છેલ્લાં ૪૧ વર્ષની સૌથી લાંબી ચોથી ઇનિંગ્સ

ગઈ કાલે ૧૩૧ ઓવર સુધી પાવરફુલ ઑસ્ટ્રેલિયન અટૅક સામે અડગ રહીને કમાલ કરી હતી. ભારતની આ ૧૩૧ ઓવર સુધીની લડત તેની છેલ્લાં ૪૧ વર્ષની સૌથી લાંબી ચોથી ઇનિંગ્સ બની રહી હતી. છેલ્લે ડિસેમ્બર ૧૯૭૯માં પાકિસ્તાન સામે ચોથી ઇનિંગ્સ ભારતે ૧૩૧ ઓવર સુધી લડત આપીને મૅચ ડ્રૉ કરાવી હતી. જોકે ભારત સૌથી લાંબી ચોથી ઇનિંગ્સ ઑગસ્ટ ૧૯૭૯માં ઇંગ્લૅન્ડ સામે રમ્યું છે અને ત્યારે ભારતે ચોથી ઇનિંગ્સમાં ૧૫૦.૫ ઓવર ટકી રહીને મૅચ ડ્રૉ કરાવી હતી.

પંતનાં પરાક્રમ

ઇન્જરી છતાં મેદાનમાં ઊતરેલો પંત ૩ રન માટે ત્રીજી ટેસ્ટ સેન્ચુરી ચૂકી ગયો હતો, પણ આ મૅચ-ચૅલેન્જિંગ ૯૭ રનની ઇનિંગ્સ સાથે તેણે અનેક પરાક્રમ રચ્યાં હતાં.

ઑસ્ટ્રેલિયન ધરતી પર સતત ૧૦મી વાર ૨૫ પ્લસ રનની ઇનિંગ્સ રમીને પોતાનો જ રેકૉર્ડ મજબૂત કર્યો.

ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં ટાર્ગેટ ચેઝ કરતાં હાફ સેન્ચુરી ફટકારનાર સૌથી યંગેસ્ટ વિકેટકીપર બન્યો.

ટાર્ગેટ ચેઝ કરતી વખતે ભારતીય વિકેટકીપરનો સેકન્ડ હાઇએસ્ટ ૯૭ રન, હાઇએસ્ટ ૧૧૪ રનનો રેકૉર્ડ પણ તેના જ નામે છે.

પંતની હવે ઑસ્ટ્રેલિયામાં બૅટિંગ-ઍવરેજ હવે ૫૬.૮૮ની થઈ છે. ઑસ્ટ્રેલિયામાં ૨૦૦થી વધુ રન બનાવનાર બૅટ્સમેનોમાં છેલ્લાં ૬૦ વર્ષની આ બેસ્ટ ઇનિંગ છે. સિડનીમાં તેની ઍવરેજ ૧૪૬ રનની થઈ છે.

3 - ગઈ કાલે ભારતે છેલ્લા દિવસે કુલ આટલી વિકેટ ગુમાવી હતી. ૨૦૦૧ બાદ ઑસ્ટ્રેલિયામાં છેલ્લા દિવસે કોઈ ટીમે ત્રણ કે એથી ઓછી વિકેટ ગુમાવવાની આ બીજી ઘટના છે. ૨૦૦૫માં સાઉથ આફ્રિકાએ પણ ૩ વિકેટ ગુમાવી હતી.

259 - ગઈ કાલે અશ્વિન અને વિહારી વચ્ચેની આટલા બૉલની પાર્ટનરશિપ છઠ્ઠી વિકેટ માટે થર્ડ લૉન્ગેસ્ટ ભારતીય પાર્ટનરશિપ બની હતી. ૨૬૭ બૉલની પંત અને લોકેશ રાહુલની હાઇએસ્ટ અને નયન મોંગિયા-સચિન તેન્ડુલકર વચ્ચેની ૨૬૬ બૉલની સેકન્ડ હાઇએસ્ટ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK