Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બોલરોને લીધે થયા બેહાલઃ વિરાટ

બોલરોને લીધે થયા બેહાલઃ વિરાટ

30 November, 2020 01:16 PM IST | Sydney
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોલરોને લીધે થયા બેહાલઃ વિરાટ

સ્ટીવ સ્મિથ

સ્ટીવ સ્મિથ


સતત બીજી મૅચમાં કાંગારૂ બૅટ્સમેનોએ ૩૫૦ પ્લસ રન ફટકારતાં ભારતીય કૅપ્ટન બુમરાહ ઍન્ડ કંપનીના પર્ફોર્મન્સથી નારાજ: હવે બુધવારે ત્રીજી અને છેલ્લી વન-ડે કૅનબેરામાં

સિડનીમાં ગઈ કાલે બીજી વન-ડેમાં પણ પહેલી વન-ડેનું રીરન જોવા મળ્યું હતું અને ભારતનો ૫૧ રનથી પરાજય થયો હતો. ઑસ્ટ્રલિયાએ પ્રથમ બૅટિંગ કરતાં ફરી ભારતીય બોલરોને આડે હાથે લેતાં ૩૮૯ રન ખડકી દીધા હતા અને ભારતીય બૅટ્સમેનોએ દમ બતાવવા છતાં ૯ વિકેટે ૩૩૮ રન સુધી મઝલ મારી હતી, પણ હાર જોવી પડી હતી. હવે ત્રીજી અને છેલ્લી વન-ડે બુધવારે કૅનબેરામાં રમાશે.



બોલરોથી ભારે નારાજ વિરાટ


સતત બીજી મૅચમાં કાંગારૂઓ ૩૫૦ પ્લસનો સ્કોર ફટકારતાં વિરાટ બોલરોના પર્ફોર્મન્સથી ભારે નારાજ થયો હતો. મૅચ બાદ વિરાટે બોલરો સામે બળાપો કાઢતાં કહ્યું હતું કે ‘અમારા બોલરો જરાય અસરકારક નહોતા અને યોગ્ય એરિયામાં બૉલ નહોતા ફેંકી શક્યા. ઑસ્ટ્રેલિયન બૅટિંગ લાઇન-અપ ખૂબ મજબૂત છે અને પરિસ્થિતિથી વાકેફ છે.’

જસપ્રિત બુમરાહ ૧૦ ઓવરમાં એક વિકેટે ૭૯, નવદીપ સૈનીએ ૭ ઓવરમાં ૭૧, મોહમ્મદ શમીએ ૯ ઓવરમાં એક વિકેટ સાથે ૭૩ તથા યુઝવેન્દ્ર ચહલે ૯ ઓવરમાં ૭૧ રન આપ્યા હતા.


કાંગારૂઓએ ખડકી દીધા હાઇએસ્ટ ૩૮૯ રન

ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે ફરી ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કાંગારૂ ઓપનરો ડેવિડ વૉર્નર (૭૭ બૉલમાં ૮૩) અને ઍરોન ફિન્ચે (૬૯ બૉલમાં ૬૦ રન) સતત બીજી મૅચમાં ૧૪૨ રનની ઓપનિંગ સેન્ચુરી પાર્ટનરશિપ સાથે ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. સ્ટીવ સ્મિથે ૬૪ બૉલમાં ૧૦૪ રન સાથે સતત બીજી અને કરીઅરની ૧૧મી સેન્ચુરી ફટકારી હતી, જ્યારે માર્નસ લબુચેને ૬૧ બૉલમાં ૭૦ અને ગ્લૅન મૅક્સવેલની ૨૯ બૉલમાં ૬૩ રનની આક્રમક ઇનિંગના જોરે ૪ વિકેટે ૩૮૯ રન બનાવ્યા હતા. આ તેમનો ભારત સામેનો હાઇએસ્ટ સ્કોર બની ગયો હતો. આ પહેલાં શુક્રવારે બનાવેલા ૩૭૪ રન હાઇએસ્ટ હતા.

ફરી સ્મિથની ૬૨ બૉલમાં સેન્ચુરી

સદાબહાર સ્મિથ ફરી ભારતીય બોલરોને નડ્યો હતો અને પ્રથમ મૅચની જેમ જ કરીઅરની ફાસ્ટેસ્ટ ૬૨ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી.

કૅપ્ટન-વાઇસ કૅપ્ટનની હાફ-સેન્ચુરી

૩૯૦ રનના મસમોટા ટાર્ગેટ સામે ભારતે ૭.૪ ઓવરમાં ૫૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે સારી શરૂઆત કરી હતી. મયંક અગરવાલ (૨૮), શિખર ધવન (૩૦) અને શ્રેયસ અય્યર (૩૮) મોટી ઇનિંગ રમવામાં સફળ નહોતા થયા, પણ કૅપ્ટન વિરાટ કોહલી ૮૭ બૉલમાં બે સિક્સર અને સાત ફોર સાથે ૮૯ અને વાઇસ કૅપ્ટન લોકેશ રાહુલ ૬૬ બૉલમાં પાંચ સિક્સર અને ચાર ફોર સાથે ૭૬ રન ફટકારીને ટીમની વહારે આવ્યા હતા.

ના ના કરતાં હાર્દિકે પણ કરી બોલિંગ

બેએક દિવસ પહેલાં હજી બોલિંગ માટે ફિટ ન હોવાનું જણાવનાર હાર્દિક પંડ્યાને ગઈ કાલે બોલિંગ કરતાં જોઈને બધાને નવાઈ લાગી હતી. હાર્દિકે ચાર ઓવરમાં ૨૪ રન આપીને ડેન્જરમૅન સ્મિથને આઉટ કર્યો હતો. વિરાટે આ અંગે કહ્યું હતું કે હાર્દિક બોલિંગ કરવા તૈયાર હતો અને અમે એકાદ-બે ઓવર તેની પાસે કરાવવાનું નક્કી કર્યું હતું, પણ તેને કોઈ સમસ્યા ન જણાતાં બે ઓવર વધુ કરાવી હતી.

ભારત સામે સેન્ચુરી પાર્ટનરશિપની હૅટ-ટ્રિક

ગઈ કાલે વૉર્નર અને ફિન્ચે ૧૪૨ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે ભારતીય ટીમ સામે એક નામોશીભર્યો રેકૉર્ડ રચાઈ ગયો હતો. ભારતીય ટીમ અત્યાર સુધી ૯૭૮ વન-ડે ઇન્ટરનૅશનલ રમી છે, પણ ક્યારેય સતત ત્રણ મૅચમાં હરીફ ટીમો ઓપનિંગ પાર્ટનરશિપની હૅટ-ટ્રિક નહોતી કરી શકી. ગઈ કાલે ૧૪૨ રન પહેલાં શુક્રવારે ફિન્ચ અને વૉર્નરે ૧૫૬ રન ફટકાર્યા હતા અને એ પહેલાં ન્યુ ઝીલૅન્ડ સામે છેલ્લી વન-ડેમાં ઓપનરો માર્ટિન ગપ્તિલ અને હૅન્રી નિકોલસે ૧૦૬ રન ફટકર્યા હતા.

વિદેશમાં સતત બીજા વાઇટવૉશનો ખતરો

ન્યુ ઝીલૅન્ડ સામે ૦-૩થી વન-ડે સિરીઝ હાર્યા બાદ ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે બીજી વન-ડેમાં હાર સાથે ભારતીય ટીમે સતત બીજી સિરીઝમાં હાર જોવી પડી છે. હવે સતત બીજી વાઇટવૉશની નામોશી ટાળવા ભારતે બુધવારે ત્રીજી વન-ડે જીતવી પડશે.

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2020 01:16 PM IST | Sydney | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK