ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસકર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મૅચનો આજે છેલ્લો દિવસ છે અને ઓછામાં પૂરું, મૅચ પણ સારીએવી રોમાંચક બની ગઈ છે કે મૅચનું પરિણામ કઈ ટીમ તરફ વળે છે એની તો આજે જ ખબર પડશે, પણ ગઈ કાલે ટીમ ઇન્ડિયાના બોલિંગ-યુનિટે પોતાના પ્રદર્શનથી સૌકોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બૅટિંગમાં પોતાના નામના ઝંડા લહેરાવ્યા બાદ શાર્દુલે બીજી ઇનિંગમાં ચાર વિકેટ લેવામાં સફળતા મેળવી હતી, જ્યારે રંગભેદના સૌથી વધારે શિકાર બનેલા મોહમ્મદ સિરાજે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેવાનું પરાક્રમ પહેલી વાર કરીને સૌ આલોચકોની બોલતી બંધ કરી દીધી છે.
ઑસ્ટ્રેલિયા ૨૯૪ રનમાં ઑલઆઉટ
મૅચના ચોથા દિવસે ડેવિડ વૉર્નર અને માર્કસ હૅરિસે મૅચને આગળ વધારતાં પહેલી વિકેટ માટે ૮૯ રનની પાર્ટનરશિપ કરી હતી. દિવસની પહેલી વિકેટ માર્કસ હૅરિસ (૩૮ રન)ની શાર્દુલ ઠાકુરે અપાવી હતી જેના પછીની જ ઓવરમાં વૉશિંગ્ટન સુંદરે ડેવિડ વૉર્નરને ૪૮ રનના સ્કોર પર એલબીડબ્લ્યુ કર્યો હતો. પહેલી ઇનિંગમાં ૧૦૮ રનની શતકીય પારી રમનાર માર્નસ લબુશેન ૨૫ રન કરીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. કાંગારૂ ટીમ માટે સ્ટીવ સ્મિથે સૌથી વધુ ૫૫ રન કર્યા હતા. મૅથ્યુ વેડ ઝીરોમાં આઉટ થયો હતો. કૅમરન ગ્રીન ૩૭, ટિમ પેઇન ૨૭, મિશેલ સ્ટાર્ક ૧, નૅથન લાયન ૧૩ અને જોશ હેઝલવુડ ૯ રન કરીને પૅવિલિયનભેગા થયા હતા. પૅટ કમિન્સ ૨૯ રને નૉટઆઉટ રહ્યો હતો.
બોલર્સે ફટકારી સિક્સર
ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં જોવા જેવી ઘટના એ બની હતી કે ટીમનો કોઈ પણ બૅટ્સમૅન એક પણ સિક્સર ફટકારી નહોતો શક્યો, પણ ટીમના બે બોલર્સ પૅટ કમિન્સ અને નૅથન લાયને સિક્સર ફટકારી હતી. કાંગારૂ ટીમે બીજી ઇનિંગમાં આ બે જ સિક્સર ફટકારી હતી અને આ બન્ને સિક્સર મોહમ્મદ સિરાજની ઓવરમાં મારી હતી.
ઇન્ડિયા વગર વિકેટે ચાર રન
પહેલી ઇનિંગમાં શેષ રહેલા ૩૩ રન અને બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ બનાવેલા ૨૯૪ રન મળી કુલ ૩૨૭ રન બનાવીને ઑસ્ટ્રેલિયાએ ઇન્ડિયાને ગાબા ટેસ્ટ મૅચ અને બોર્ડર-ગાવસકર ટ્રોફી જીતવા માટે ૩૨૮ રનનું લક્ષ્ય આપ્યું હતું જેમાંથી ટીમ ઇન્ડિયાએ વગર વિકેટે ચાર રન બનાવી લીધા હતા. રોહિત શર્માએ ચોગ્ગો મારીને ચાર રન બનાવ્યા હતા, જ્યારે શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના ક્રીઝ પર છે. ગઈ કાલે ટીમના બોલર્સે કમાલ કર્યા બાદ આજે ટીમના બૅટિંગ ડિપાર્ટમેન્ટે ઇતિહાસ રચવા પોતાની કમાલ બતાવવી પડશે.
સિરાજે ટીકાનો જવાબ બૉલથી આપ્યો
ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં મોહમ્મદ સિરાજે ટીમ ઇન્ડિયા માટે પાયાનું કામ કરતાં અને પોતાની પ્રતિભાનો પરચો આપતાં ૭૩ રન ખર્ચીન પાંચ વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં તેણે કુલ ૧૯.૫ ઓવર નાખી હતી જેમાંથી પાંચ ઓવર મેઇડન હતી. ઉલ્લેખનીય છે કે સિરાજે ઑસ્ટ્રેલિયાની ટૂર દરમ્યાન પિતાને ગુમાવ્યા છે તથા રંગભેદની સૌથી વધારે ટીકા સહન કરી હતી. પોતાના આલોચકોને આ વિકેટના ‘પંચ’ દ્વારા સિરાજે જડબાતોડ જવાબ આપ્યો હતો અને ભારતીય ટીમને અનુભવી બોલરોની ઊણપ વર્તાવા નહોતી દીધી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ટેસ્ટ ક્રિકેટની કોઈ પણ ઇનિંગમાં પાંચ વિકેટ લેવાનું સિરાજનું આ પહેલું પરાક્રમ છે. આ પરાક્રમ કર્યા બાદ તેણે ભાવુક મને હાથ ઉપર કરી પિતાને યાદ કર્યા હતા. સિરાજ ઉપરાંત શાર્દુલ ઠાકુરને ચાર વિકેટ મળી હતી, જ્યારે વૉશિંગ્ટન સુંદરને એક વિકેટ પ્રાપ્ત થઈ હતી. મૅચના પહેલા દિવસે સ્નાયુઓમાં ખેંચાણને લીધે બહાર ગયેલા નવદીપ સૈનીએ પણ પાંચ ઓવર નાખી હતી.
વરસાદ બન્યો વિલન
ગઈ કાલે વરસાદને લીધે મૅચ વહેલી સમાપ્ત કરવી પડી હતી. મૅચના બીજા દિવસે ઇન્ડિયાની પહેલી ઇનિંગ દરમ્યાન પણ વરસાદે થોડા ઘણો ખેલનો માહોલ બગાડ્યો હતો. આજે પણ વરસાદી મોસમ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને લીધે કદાચ પૂરેપૂરી ૯૦ ઓવરની રમત ન પણ રમી શકાય.
હિટમૅન બન્યો કૅચમૅન
હિટમૅન રોહિત શર્માએ ગૅબા ટેસ્ટ મૅચમાં બૅટિંગ વડે નહીં, પણ એક ફીલ્ડર તરીકે એનોખો રેકોકૉર્ડ સ્થાપિત કર્યો છે. ગૅબા ટેસ્ટ મૅચમાં સૌથી વધારે પાંચ કૅચ પકડીને તેણે એક ટેસ્ટ મૅચમાં સૌથી વધારે કૅચ પકડવાના રેકૉર્ડમાં ભારતીય પ્લેયર તરીકે પોતાનું નામ સામેલ કરી લીધું છે. આ પહેલાં ૧૯૯૭-’૯૮માં રાહુલ દ્રવિડે ચેન્નઈમાં, ૧૯૯૧-’૯૨માં ક્રૃષ્ણમાચારી શ્રીકાંતે પર્થમાં અને ૧૯૬૯-’૭૦માં એકનાથ સોલકરે ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટ મૅચમાં પાંચ કૅચ પકડ્યા હતા. ગૅબા ટેસ્ટની પહેલી ઇનિંગમાં રોહિતે ડેવિડ વૉર્નર, સ્ટીવ સ્મિથ અને ટિમ પેઇનના કૅચ પકડ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં માર્નસ લબુશેન અને કૅમરન ગ્રીનના કૅચ પકડ્યા હતા. આ ઉપરાંત રોહિત શર્મા બ્રિસ્બેન ટેસ્ટ મૅચમાં ભારત માટે સૌથી વધારે કૅચ પકડનાર પ્લેયર બન્યો છે. ૧૯૫૦માં ઇંગ્લૅન્ડના સૅમ લૉક્સટને અને ૧૯૯૭માં માર્ક ટેલરે પણ બ્રિસ્બેન ટેસ્ટ મૅચમાં પાંચ-પાંચ કૅચ પકડ્યા હતા. ન્યુ ઝીલૅન્ડના સ્ટીફન ફ્લૅમિંગે ૧૯૯૭માં બ્રિસ્બેન ટેસ્ટ મૅચમાં સૌથી વધારે ૬ કૅચ પકડ્યા હતા.
રોહિત શર્માએ કરી સ્મિથની નકલ
ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય કે બીજી કોઈ રમતનું મેદાન, સામાન્યપણે પ્લેયર વચ્ચે રસાકસી કે સ્લેજિંગ જોવા મળતી જ હોય છે. ગૅબા ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પહેલી ઇનિંગ વખતે રિષભ પંત સાથે સ્ટીવ સ્મિથે પિચ કરેલી અવળચંડાઈ હજી વીસરાઈ નથી, પણ ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ વખતે સ્મિથને ચીડવવા હિટમૅન રોહિત શર્મા જાણીજોઈને શેડો પ્રૅક્ટિસ કરવા લાગ્યો હતો. આ ઘટના ડ્રિન્ક્સ-બ્રેક બાદ બની હતી. રોહિત પિચ પર પહોંચીને સ્મિથના બૅટિંગ-ફુટમાર્ક પર ઊભો રહીને બૅટિંગની તરકીબ સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રોહિતની આ હરકતને સ્મિથે પણ ધ્યાનથી જોઈ હતી, પણ તેણે એનો કોઈ પ્રતિસાદ નહોતો આપ્યો. આ ઘટનાનો વિડિયો પણ ઘણો વાઇરલ થયો હતો. કૉમેન્ટરી કરી રહેલા સંજય માંજરેકરે કહ્યું, ‘...અને સ્મિથ જોતો રહી ગયો. કદાચ, રોહિત સ્ટીવ સ્મિથને ચીડવવા આવું કરી રહ્યો છે, કે કદાચ નથી કરી રહ્યો.’
સિરાજે તોડ્યો શ્રીનાથનો રેકૉર્ડ
શાર્દુલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદરની ધમાકેદાર ઇનિંગ બાદ ગઈકાલે મોહમ્મદ સિરાજે એક ઇનિંગમાં પાંચ વિકેટ લઈને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જાવાગલ શ્રીનાથનો રેકૉર્ડ તોડ્યો હતો. સિરાજ હવે ઑસ્ટ્રેલિયાની ધરતી પર પોતાની ડેબ્યુ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધારે વિકેટ લેનાર ઇન્ડિયન બોલર બન્યો છે. સિરાજે આ સિરીઝની ત્રણ મૅચમાં કુલ ૧૩ વિકેટ લીધી છે. આ પહેલાં શ્રીનાથે ૧૯૯૧-’૯૨માં ઑસ્ટ્રેલિયન ધરતી પર ડેબ્યુ ટેસ્ટ સિરીઝમાં ૧૦ વિકેટ લીધી હતી. આ પહેલાં ૧૯૪૭-’૪૮માં દત્તુ ફડકરે ઑસ્ટ્રેલિયામાં રમેલી પોતાની પહેલી ટેસ્ટ મૅચમાં ૮ વિકેટ લીધી હતી.
ખબર છે...
છેલ્લાં ૩૨ વર્ષમાં રમાયેલી ૩૨ ટેસ્ટ મૅચમાંથી ગૅબામાં રમાયેલી ટેસ્ટ મૅચની બન્ને ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાની આખી ટીમ ઑલઆઉટ થઈ હોવાની ઘટના ગઈ કાલે ત્રીજી વાર બની હતી. આ પહેલાં ઑસ્ટ્રેલિયન ટીમ ૧૯૯૨-’૯૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે અને ૨૦૦૮-’૦૯માં ન્યુ ઝીલૅન્ડ સામે ગૅબામાં રમાયેલી ટેસ્ટ મૅચની બન્ને ઇનિંગમાં ઑલઆઉટ થઈ હતી.
ગગૅબામાં સફળતાપૂર્વક ચેઝ કરાયેલા રન
રન ટીમ વર્ષ
૨૩૬ ઑસ્ટ્રેલિયા v/s વેસ્ટ ઇન્ડીઝ ૧૯૫૧-’૫૨
૨૧૯ ઑસ્ટ્રેલિયા v/s વેસ્ટ ઇન્ડીઝ ૧૯૭૫-’૭૬
૧૮૮ ઑસ્ટ્રેલિયા v/s ઇંગ્લૅન્ડ ૧૯૮૨-’૮૩
૧૭૦ ઇંગ્લૅન્ડ v/s ઑસ્ટ્રેલિયા ૧૯૭૮-’૭૯
૧૭૦ ઑસ્ટ્રેલિયા v/s ઇંગ્લૅન્ડ ૨૦૧૭-’૧૮
ત્રીજી ટેસ્ટનો માત્ર ૧૪૦.૨ ઓવરમાં ધી એન્ડઃ ભારતની લૉર્ડ્સની ટિકિટ ઑલમોસ્ટ કન્ફર્મ
26th February, 2021 08:14 ISTલેન્ગ્થ અને સ્પીડ અક્ષરના વિનાશ-મંત્રો
26th February, 2021 08:12 IST૪ રનથી જીતી સાથે ન્યુ ઝીલૅન્ડે લીધી ૨-૦થી લીડ, ગપ્ટિલ ભારે પડતાં કાંઠે આવીને ડૂબ્યું ઑસ્ટ્રેલિયા
26th February, 2021 08:08 ISTપૃથ્વી શૉની ડબલ સેન્ચુરીએ બનાવ્યો અનોખો રેકૉર્ડ
26th February, 2021 08:05 IST