આજથી બ્રિસ્બેનમાં બીજી ટેસ્ટ-મૅચની શરૂઆત

Published: 17th December, 2014 03:45 IST

અમે આક્રમક રમત રમવાનું ચાલુ રાખીશું, પચીસ દિવસના આરામ બાદ પરત ફરેલા ધોનીએ કહ્યું કે બ્રિસ્બેન ટેસ્ટ જીતીને સિરીઝમાં કમબૅક કરવાનો ઇરાદો છે
ટીમ ઇન્ડિયાના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે અમારી ટીમ આક્રમક રમત રમવાનું ચાલુ રાખશે જેથી બ્રિસ્બેનમાં આજથી શરૂ થનારી મૅચ જીતીને સિરીઝને લેવલ કરી શકાય. વિરાટ કોહલીના નેતૃત્વમાં ઍડીલેડ ટેસ્ટમાં ભારતીય ટીમની ૪૮ રને હાર થઈ હતી. અંગૂઠામાં થયેલી ઈજા બાદ ટીમમાં પરત ફરી રહેલા ધોનીએ કહ્યું હતું કે ‘આક્રમક અભિગમ જ સારો છે. અમે લક્ષ્યાંક સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો જે મહત્વનું હતું. વિરાટ કોહલી અને મુરલી વિજય વચ્ચે થયેલી પાટર્નરશિપે અમને લક્ષ્યાંકની નજીક પહોંચાડી દીધા હતા. વિજયના આઉટ થયા બાદ કેટલીક વિકેટો ઝડપથી પડી જતાં અમે લક્ષ્યાંક સુધી પહોંચી ન શક્યા. મૅચ ડ્રૉ થઈ શકે એમ પણ નહોતું. અમારે જીતવા માટે જ રમવાનું હતું.’

ધોનીએ કહ્યું હતું કે ‘અમે સિરીઝમાં આ જ રીતે રમીશું. એ માટે સારી શરૂઆત, સારી પાટર્નરશિપ અને મોટો સ્કોર જરૂરી છે. લયમાં આવ્યા બાદ જ નક્કી કરી શકાય કે આગળ શું કરવું જોઈએ.’

ભારતીય ટીમમાંથી કોઈ પણ આ મેદાનમાં રમ્યું નથી. ધોની પણ લાંબા સમય બાદ ટીમમાં પરત ફરી રહ્યો છે.

આરામ જરૂરી હતો

ધોનીએ કહ્યું હતું કે ‘મને ઇંગ્લૅન્ડની સિરીઝ દરમ્યાન ઈજા થઈ હતી. મને એમ કે રમતાં-રમતાં ઈજા સારી થઈ જશે, પરંતુ ચૅમ્પિયન્સ લીગ અને વન-ડે રમતાં મેં જોયું કે હાલત વધુ ખરાબ થઈ હતી. એ વખતે મેં મહત્વનો નર્ણિય લીધો, કારણ કે ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ બહુ મહત્વની હતી. ત્યાર બાદ વલ્ર્ડ કપ છે. એથી મેં ૨૦થી ૨૫ દિવસનો બ્રેક લેવાનું પસંદ કર્યું જે મારા માટે સારું સાબિત થયું.’

વિરાટની કરી પ્રશંસા

ધોનીએ કોહલીના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘તેનો અભિગમ મારા કરતાં અલગ છે. તેણે એક બૅટ્સમૅન તરીકે જ નહીં, પરંતુ કૅપ્ટન તરીકે પણ સારું પ્રદર્શન કર્યું. તે એક આક્રમક કૅપ્ટન છે. મારી શૈલી તેના કરતાં અલગ છે. છેવટે તમામ ખેલાડીઓ એકસરખા કૅપ્ટન નથી હોતા.’

બ્રિસ્બેનની પિચ ફાસ્ટરો માટે

બ્રિસ્બેનની પિચ બાબતે તેણે કહ્યું હતું કે ‘એ ઍડીલેડની પિચ કરતાં અલગ હશે. અહીં ફાસ્ટ બોલરોને મદદ મળશે એવું લાગી રહ્યું છે. સ્પિનરો માટે ખાસ કંઈ નથી એમ છતાં આગળ ખેલાડીઓના પગનાં નિશાનને કારણે ઑફ સ્પિનરોને લાભ થઈ શકે છે.’

અશ્વિનનો સમાવેશ


ધોનીએ કહ્યું હતું કે ‘અશ્વિન નીચલા ક્રમે સારી બૅટિંગ કરી શકે છે જે જરૂરી છે, કારણ કે અમે જોયું છે કે પૂંછડિયા બૅટ્સમેનો જલદીથી આઉટ થઈ જાય છે. અશ્વિનને કારણે સામેના છેડે બૅટિંગ કરી રહેલા બૅટ્સમૅનને મદદ થાય છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK