અમદાવાદમાં ઇંગ્લૅન્ડને ૯ વિકેટે હરાવ્યું : ભારતની ૧-૦થી સરસાઈ

Published: 20th November, 2012 03:13 IST

ભારતીય કૅપ્ટને મોટેરાની પિચ બનાવનારાઓની પણ ઝાટકણી કાઢી અને મૅચ રેફરીઓનેય સપાટામાં લીધાઅમદાવાદ : ભારતે ગઈ કાલે ઇંગ્લૅન્ડને પ્રથમ ટેસ્ટમૅચમાં ૯ વિકેટે હરાવીને ગયા વર્ષની સિરીઝના ૦-૪ના પરાજયનો પહેલો બદલો લઈ લીધો એ પછી કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના બોલરો પર ફિદા હતો. જોકે તેણે સરદાર પટેલ સ્ટેડિયમની પિચ બનાવનારાઓની તેમ જ મૅચ માટેના અમ્પાયરો અલીમ દર અને ટોની હિલની ખૂબ ટીકા કરી હતી.

માહીએ બોલરો પ્રજ્ઞાન ઓઝા, રવિચન્દ્રન અશ્વિન, ઉમેશ યાદવ અને ઝહીર ખાનની પ્રશંસા કરવાની સાથે આકડતરી રીતે વિકેટને વખોડી હતી. માહીએ કહ્યું હતું કે ‘આ પિચ એવી હતી કે એના પર બોલરોએ સફળતાઓ મેળવવા ભારે મહેનત કરવી પડી હતી. અમે ઇંગ્લૅન્ડને ફૉલો-ઑન આપ્યું એટલે ભારતીય બોલરોએ સંઘર્ષ ચાલુ રાખવો પડ્યો હતો. ઓઝાએ બન્ને દાવ મળીને કુલ ૮૦ ઓવર અને અશ્વિને ૭૦ ઓવર બોલિંગ કરી હતી. ફાસ્ટ બોલરોએ પહેલા દાવમાં બાવીસ ઓવર અને બીજા દાવમાં પચાસ જેટલી ઓવર કરી હતી. આ બધાએ આ વિકેટ પર ખૂબ પરિશ્રમ કરવો પડ્યો હતો.’

સ્પિનરોએ ઇંગ્લિશ બૅટ્સમેનો સામે લેગ બિફોર વિકેટની અનેક અપીલો કરી હતી જેમાંની મોટા ભાગની અપીલોમાં બૅટ્સમેનો આઉટ હતા છતાં અમ્પાયરો નહોતા આપ્યા. ભારતને જોરદાર લડત આપીને ૧૫૭ રનની ભાગીદારી કરનાર ઍલસ્ટર કુક અને મૅટ પ્રાયર તેમની ઇનિંગ્સની શરૂઆતમાં લેગ બિફોર વિકેટની અપીલમાં આઉટ હતા છતાં અમ્પાયરોએ તેમને જીવતદાન આપ્યા હતા. ધોનીએ આ વાતના સંદર્ભમાં આડકતરી રીતે અમ્પાયરિંગની ટીકા કરી હતી.

વિકેટ સામે ફરી જોવું પણ નથી : ધોની

બોલરોને ટર્ન અને બાઉન્સ અપાવે એવી પિચ ભારતમાં બનાવવાની હિમાયત કરતા ધોનીને ગઈ કાલની મૅચ પછી મોટેરાની વિકેટ કેવી લાગી એવું પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘હું ફરી આ વિકેટ સામે જોવા પણ નથી માગતો. એના પર સ્પિનરોને ટર્ન અને બાઉન્સ મળે એવું કાંઈ હતું જ નહીં. મૅચ રેફરી વિકેટની બાબતમાં વિરોધ કરશે એવી ચિંતા પિચ બનાવનારાઓએ રાખવી જ ન જોઈએ. બૉલ ટર્ન થતો હોય એટલે કાંઈ મૅચ રેફરી વિરોધ ન કરી શકે. મૅચના પ્રથમ બૉલથી બૉલ સીમ થતો હોય ત્યારે કેમ કોઈ સવાલ નથી ઉઠાવતું? વારંવાર જો બોલરનો બૉલ બૅટ્સમૅનના માથામાં ઈજા કરે કે પછી તેના પગના અંગૂઠાને ઘાયલ કરે તો એવી પિચ ખરાબ કહેવાય અને એવી વિકેટ ન બનવી જોઈએ. મૅચ ભલે સાડાત્રણ દિવસમાં પૂરી થાય, પરંતુ એની પિચ બન્ને ટીમને જીતવા માટેની સરખી તક આપનારી હોય તો એવી પિચ કોઈ રીતે ખોટી ન કહેવાય.’

વાનખેડેમાં ટર્નિંગ વિકેટની સલાહ

બીજી ટેસ્ટમૅચ ૨૩ નવેમ્બરથી વાનખેડેમાં રમાશે. ધોનીએ ગઈ કાલે મોટેરાની વિકેટની ટીકા કરવાની સાથે બાકીની ત્રણેય ટેસ્ટ માટેની પિચનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હું આશા રાખું છું કે આવનારી મૅચોમાં બૉલ પહેલા દિવસથી ટર્ન થાય એવી વિકેટ બનશે.

કુકના ૧૭૬ રન ગયા એળે

ઇંગ્લૅન્ડનો કૅપ્ટન ઍલસ્ટર કુકે (૧૭૬ રન, ૫૫૬ મિનિટ, ૩૭૪ બૉલ, ૨૧ ફોર) ચોથા અને પાંચમા દિવસે ભારતીય ટીમને જોરદાર વળતી લડત આપી હતી અને પોતાની ટીમને પરાજયથી બચાવવા કોઈ કસર બાકી નહોતી રાખી. તેને વિકેટકીપર મૅટ પ્રાયર (૯૧ રન, ૨૩૮ મિનિટ, ૨૨૫ બૉલ, ૧૧ ફોર)નો બહુ સારો સાથ મળ્યો હતો. જોકે છઠ્ઠી વિકેટ માટે તેમની ૧૫૭ રનની ભાગીદારી ભારતને જીતથી વંચિત રાખવા પૂરતી નહોતી.

ઇંગ્લૅન્ડે બીજા દાવમાં ૪૦૬ રન બનાવ્યા હતા. ભારતની ૩૩૦ રનની લીડ બાદ કરતાં બ્રિટિશરો ભારતને માત્ર ૭૭ રનનો ટાર્ગેટ આપી શક્યા હતા જે ભારતે વીરેન્દર સેહવાગ (પચીસ રન, ૨૧ બૉલ, ૧ સિક્સર, ૧ ફોર)ની વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ગૌતમ ગંભીર નાનીના અવસાનને કારણે દિલ્હી પાછો ગયો હતો અને ભારતીય ટીમમાં તેની ગેરહાજરી હોવાથી સેહવાગ સાથે ચેતેશ્વર પુજારા (૪૧ નૉટઆઉટ, ૫૧ બૉલ, ૮ ફોર)ને ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો. સેહવાગની વિકેટ ૫૭મા ટોટલ પર પડ્યા બાદ વિરાટ કોહલી (૧૪ નૉટઆઉટ, ૨૧ બૉલ, ૩ ફોર) ચેતેશ્વર સાથે જોડાયો હતો. ભારતીય ઇનિંગ્સની ૧૬મી ઓવર ગ્રેમ સ્વૉનની હતી જેના ત્રીજા બૉલમાં ફોર ફટકારીને વિરાટે ભારતને વિજય અપાવ્યો હતો.

સ્કોર-બોર્ડ


ભારત : પ્રથમ દાવ

૮ વિકેટે ૫૨૧ રને ડિક્ર્લેડ

ઇંગ્લૅન્ડ : પ્રથમ દાવ

૧૯૧ રને ઑલઆઉટ

ઇંગ્લૅન્ડ : બીજો દાવ (ફૉલો-ઑન પછી) ૪૦૬ રને ઑલઆઉટ (કુક ૧૭૬, પ્રાયર ૯૧, ઓઝા ૧૨૦માં ચાર, ઉમેશ ૭૦માં ત્રણ, ઝહીર ૫૯માં બે, અશ્વિન ૧૧૧માં એક વિકેટ)

ભારત : બીજો દાવ (ટાર્ગેટ : ૭૭ રન)

એક વિકેટે ૮૦ રન (પુજારા ૪૧ નૉટઆઉટ, સેહવાગ પચીસ, વિરાટ ૧૪ નૉટઆઉટ, સ્વૉન ૪૬ રનમાં એક વિકેટ, પટેલ ૨૪ રનમાં અને ઍન્ડરસન ૧૦ રનમાં વિકેટ નહીં)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK