ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૧૭ ડિસેમ્બરથી બૉર્ડર-ગાવસકર ટ્રોફી શરૂ થવાની છે. ઈશાન્ત શર્મા ટીમમાં ન હોવાનો લાભ યજમાન ટીમને મળી રહેશે, પણ સાથે-સાથે યજમાન ટીમના મોટા ભાગના પ્લેયર્સ જસપ્રીત બુમરાહનો પહેલી વાર ટેસ્ટ ક્રિકેટમાં સામનો કરવાના છે. ઑસ્ટ્રેલિયના માત્ર ટીમ પેઇન અને ટ્રેવિસ હેડને ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહ સામે રમવાનો અનુભવ છે અને એ વાત ક્યાંક યજમાન ટીમ માટે મુસીબત ઊભી કરી શકે છે. આ મુદ્દે કાંગારૂ ટીમના અનુભવી બૅટ્સમૅન સ્ટીવ સ્મિથનું માનવું છે કે ઈશાન્ત વગરની ઇન્ડિયન ટીમ જોઈએ એવી મજબૂત નહીં હોય, પણ જસપ્રીત બુમરાહથી સાવધ રહેવું પડશે.
આ અંગે સ્ટીવ સ્મિથે કહ્યું કે ‘મને નથી ખબર કે હું કંઈ ખાસ, કંઈ સ્પેશ્યલ કરી શકીશ કે નહીં, પણ હા, ટેસ્ટ ક્રિકેટમાં હું પહેલી વાર તેનો સામનો કરીશ. જ્યાં સુધી મને લાગે છે તે પોતાની સ્કિલ સેટમાં વધારે બદલાવ નહીં કરે. અમને ખબર છે કે તે કઈ રીતે બોલિંગ કરે છે. તેની ઝડપ ઘણી સારી છે. તેની અસામાન્ય ઍક્શન ઘણા લોકોથી અલગ પડે છે. તમારે સતત તેના પર ધ્યાન આપતા રહેવું પડશે, કેમ કે તે એક ક્વૉલિટી બોલર છે. આ સિરીઝમાં તેની સામે રમવા હું ઘણો આતુર છું. તમને સારા પ્લેયર્સ સામે રમવું ગમે છે અને સ્વાભાવિકપણે તેને પણ ગમતું જ હશે.’