સાંઈ મોહન
મેલબર્ન, તા. ૨૭
ગઈ કાલે શરૂ થયેલી બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ડીઆરએસ (ડિસિઝન રિવ્યુ સિસ્ટમ)ની ગેરહાજરીને કારણે સૌથી મોટો વિવાદ સર્જાશે એવું અહીંના ક્રિકેટ-નિષ્ણાતોનું માનવું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આ સિસ્ટમ વર્તમાન સિરીઝ માટે અપનાવવા સહમત ન થયું હોવાથી ગયા અઠવાડિયે આ વિવાદની શરૂઆત થઈ હતી અને ગઈ કાલે ત્રણ ખોટા નિર્ણયોને કારણે વિવાદ વકરવાની શરૂઆત થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયા ડીઆરએસ વિના રમ્યું હોય એવી એની આ પ્રથમ ટેસ્ટસિરીઝ છે.
ઑસ્ટ્રેલિયાના આઉટ-ઑફ-ફૉર્મ બૅટ્સમૅન માઇક હસી અને પહેલી જ ટેસ્ટમૅચ રમી રહેલા એડ કૉવને અમ્પાયરોના બ્લન્ડરને કારણે વિકેટ ગુમાવી હતી, પરંતુ કમબૅકમૅન ઝહીર ખાને બે વિકેટ લીધી ત્યાર પછીની એક ઓવરમાં વિકેટકીપર-બૅટ્સમૅન બ્રૅડ હૅડિન લેગ બિફોર વિકેટની અપીલમાં આઉટ હતો છતાં તેને આઉટ નહોતો આપવામાં આવ્યો. જો ડીઆરએસનો ઉપયોગ થયો હોત તો ફીલ્ડ-અમ્પાયરોના ત્રણેય નિર્ણયોથી વિપરીત ડિસિઝન થર્ડ અમ્પાયરે આપ્યો હોત.
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ટોની ગ્રેગે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમ્પાયરોની ભૂલો અને ડીઆરએસની ગેરહાજરીનો વિવાદ આ સિરીઝમાં એક ટ્રેન્ડ ન બની જાય તો સારું. મને તો લાગે છે કે આ ગંભીર બાબત બેમાંથી એક ટીમને સિરીઝમાં હાર જોવડાવી શકે એમ છે.’
ડીઆરએસની ગેરહાજરીનો ગઈ કાલે શિકાર બનેલા ઑસ્ટ્રેલિયન ઓપનર એડ કૉવને કહ્યું હતું કે ‘ડીઆરએસ આ સિરીઝમાં કેમ નથી અપનાવવામાં આવી એનું મને મોટું આશ્ચર્ય છે. કૅપ્ટન માઇકલ ક્લાર્કે પણ સિરીઝ પહેલાં આ વિચાર વ્યક્ત કયોર્ હતો અને ડીઆરએસની ગેરહાજરી સિરીઝના પહેલા દિવસથી જ વર્તાવા લાગી છે.’
હસી અને કૉવનની વિકેટને લગતા અમ્પાયરોના ખોટા નિર્ણય પહેલાં ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૪ વિકેટે ૨૦૫ રન હતો, પરંતુ એ સ્કોરે હસીની અને પછી ૨૧૪ના સ્કોરે કૉવનની વિકેટ પડી હતી. એ તબક્કે ભારતને છેલ્લા સેશનમાં કાંગારૂઓ પર છવાઈ જવાની બહુ સારી તક હતી, પરંતુ બ્રૅડ હૅડિન (૨૧ નૉટઆઉટ) તથા પીટર સીડલ (૩૪ નૉટઆઉટ) વચ્ચેની સાતમી વિકેટ માટેની ૬૩ રનની અતૂટ ભાગીદારી ભારતને નડી હતી.
હસી અને કૉવનને કેવી રીતે ખોટા આઉટ આપવામાં આવ્યા?
ઝહીર ખાને ઓવરના બીજા બૉલમાં માઇકલ ક્લાર્કને કલીન બોલ્ડ કયોર્ એટલે માઇક હસી બૅટિંગમાં આવ્યો હતો. જોકે તે પહેલા જ બૉલમાં ઝહીરનો તો શિકાર બન્યો જ હતો, એ શિકારમાં ઝહીરને સાઉથ આફ્રિકાના અમ્પાયર મારૅ એરૅસ્મસનો સારો સાથ મળ્યો હતો. ઝહીરના બાઉન્સરમાં હસી સામે કૉટ-બિહાઇન્ડની અપીલ થતાં જ અમ્પાયરે આંગળી ઊંચી કરી દીધી હતી. હકીકતમાં રિપ્લેમાં સ્પષ્ટ દેખાયું હતું કે બૉલ હસીના શર્ટની બાંયને સ્પર્શીને વિકેટની પાછળ ગયો હતો. આ નિર્ણયથી વીફરેલો હસી ગાળ બોલતો-બોલતો પૅવિલિયનમાં ગયો હતો.
રવિચન્દ્રન અશ્વિનના બૉલમાં ઇંગ્લૅન્ડના અમ્પાયર ઈયાન ગુલ્ડે ઓપનર એડ કૉવન (૬૮)ને કોટ-બિહાઇન્ડની અપીલમાં આઉટ આપી દીધો હતો. જોકે હૉટ-સ્પૉટમાં બતાવવામાં આવ્યા મુજબ બૉલ કૉવનના બૅટને અડ્યો જ નહોતો. આ નિર્ણયથી કૉવનને ખૂબ નવાઈ લાગી હતી.
જૂન ૨૦૨૦ પછી હું સત્તા પર રહેવા નથી માગતો : આઇસીસીના ચૅરમૅન શશાંક મનોહર
Dec 11, 2019, 14:19 ISTઆર્મી ઑફિસર્સ પર આધારિત શો બનાવશે ધોની
Dec 11, 2019, 14:06 ISTસર્જરીને લીધે પોતાનું ૧૦૦ ટકા પ્રદર્શન ન કરી શકતા હાર્દિકે કહ્યું આ....
Dec 11, 2019, 14:00 ISTચહલને ડિનર-પાર્ટી આપશે રોહિત
Dec 11, 2019, 13:53 IST