Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્જર્ડ ટીમ ઇન્ડિયા થયું રનઆઉટ, વરસાદ કે કોઈ ચમત્કાર જ હારથી બચાવી શકે

ઇન્જર્ડ ટીમ ઇન્ડિયા થયું રનઆઉટ, વરસાદ કે કોઈ ચમત્કાર જ હારથી બચાવી શકે

10 January, 2021 11:45 AM IST | Sydney
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્જર્ડ ટીમ ઇન્ડિયા થયું રનઆઉટ, વરસાદ કે કોઈ ચમત્કાર જ હારથી બચાવી શકે

બ્રેસ્ટ કૅન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા સિડની ટેસ્ટ પિન્ક ટેસ્ટ તરીકે ઊજવાય છે

બ્રેસ્ટ કૅન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા સિડની ટેસ્ટ પિન્ક ટેસ્ટ તરીકે ઊજવાય છે


બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં સતત ત્રીજી ટેસ્ટમાં ત્રીજો દિવસ બન્યો નિર્ણાયક. પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમ ત્રીજા દિવસે માત્ર ૩૬ રનમાં ઑલઆઉટ થઈને મૅચ ૮ વિકેટે હારી ગઈ હતી, જ્યારે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે ૧૩૧ રનની લીડ લીધા બાદ કાંગારૂઓની ૧૩૩ રનમાં ૬ વિકેટ ઝડપીને જીત પાક્કી કરી લીધી હતી. હવે ગઈ કાલે ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ ભારતને ૨૪૪ રનમાં ઑલઆઉટ કરવા ઉપરાંત રિષભ પંત અને રવીન્દ્ર જાડેજાને ઘાયલ કરવા ઉપરાંત ૯૪ રનની મહત્ત્વપૂર્ણ લીડ બાદ બે વિકેટે ૧૦૩ રન બનાવીને મૅચ પર પકડ મજબૂત કરી લીધી હતી. લીડ સાથે હવે ઑસ્ટ્રેલિયાના ૧૯૭ રન થયા છે અને સ્ટીવ સ્મિથ તેમ જ માર્નસ લબુશેન સહિત આઠ બાકી વિકેટ હોવાથી ભારતને છેલ્લી ઇનિંગ્સમાં ૪૦૦ પ્લસનો ટાર્ગેટ મળી શકે છે, જે જાડેજા-પંત વગર મેળવવો લગભગ અશક્ય બની શકે છે. હવે કોઈ ચમત્કાર કે વરસાદ જ ભારતને પરાજયથી બચાવી શકે છે.

ગઈ કાલે કૅપ્ટન અજિંક્ય રહાણે વધુ ટકી નહોતો શક્યો અને ૭૦ બૉલમાં ૨૨ રન બનાવીને કમિન્સના બૉલમાં બોલ્ડ થઈ ગયો હતો. ત્યાર બાદ ચેતેશ્વર પુજારા ૫૦, રિષભ પંત ૩૬, રવીન્દ્ર જાડેજા અણનમ ૨૮, રવિચન્દ્રન અશ્વિન ૧૦, મોહમ્મદ સિરાજ ૬, હનુમા વિહારી ૪, નવદીપ સૈની ૩ રન અને જસપ્રીત બુમરાહ ખાતું નહોતો ખોલાવી શક્યો. પૅટ કમિન્સે ૨૯ રનમાં ચાર, જોશ હેઝલવુડે ૪૩ રનમાં બે અને મિશેલ સ્ટાર્કે ૬૧ રનમાં એક વિકેટ લીધી હતી.



૯૪ લીડ બાદ ઑસ્ટ્રેલિયાએ ૩૫ રનમાં બન્ને ઓપનરો ગુમાવી દીધા હતા. વિલ  પુકોવ્સ્કી ૧૦ રન બનાવી શક્યો હતો, જ્યારે ડેવિડ વૉર્નર ૧૩ રન સાથે બીજી ઇનિંગ્સમાં પણ ફ્લૉપ ગયો હતો. પુકોવ્સ્કીને સિરાજે અને વૉર્નરને અશ્વિને આઉટ કર્યો હતો.


ધીમા પુજારાને લીધે ઇન્ડિયા પ્રેશરમાં: પૉન્ટિંગ

પહેલી બન્ને ટેસ્ટની નિષ્ફળતા બાદ ચેતેશ્વર પુજારા આખરે ગઈ કાલે હાફ સેન્ચુરી ફટકારવામાં સફળ થયો હતો. જોકે ઑસ્ટ્રેલિયન લેજન્ડ રિકી પૉન્ટિંગને લાગે છે કે પુજારાની ધીમી બૅટિંગને કારણે ભારતીય ટીમ પર પ્રેશર વધી ગયું છે. પૉન્ટિંગે કહ્યુ હતું કે ‘પુજારાનો ડિફેન્સિવ અપ્રોચ બરાબર નહોતો. મને લાગે છે કે તેણે સ્કોરિંગ રેટ વધારવા પર થોડું ધ્યાન આપવાની જરૂર હતી. તેની ધીમી બૅટિંગને લીધે બીજા બૅટ્સમેનો પર દબાણ વધી જાય છે.


પુજારાએ ૧૭૬ બૉલમાં ૨૮.૪૧ના સ્ટ્રાઇક રેટથી ૫૦ રન બનાવ્યા હતા. ટેસ્ટ-કરીઅરની આ ૨૫મી હાફ સેન્ચુરી હતી. એ ઉપરાંત ટેસ્ટ-કરીઅની તેની આ સૌથી ધીમી ૧૭૪ બૉલમાં હાફ સેન્ચુરી બની હતી. આ પહેલાં તેણે ૨૦૧૮માં સાઉથ આફ્રિકા સામે ૧૭૩ બૉલમાં ૫૦ રન બનાવ્યા હતા. આ બન્ને વખતે તે હાફ સેન્ચુરી બાદ તરત વિકેટકીપરને કૅચ આપી બેઠો હતો.

આ ઉપરાંત આ સિરીઝમાં ત્રીજી ટેસ્ટમાં ચોથી વાર પૅટ કમિન્સનો શિકાર બન્યો હતો.

વૉર્નર હવે અશ્વિનનો નંબર-વન શિકાર

ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં અશ્વિને વૉર્નરને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. આ સાથે અશ્વિને ટેસ્ટમાં સૌથી વધુ ૧૦મી વાર અને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૨મી વાર વૉર્નરને આઉટ કર્યો હતો. આ સાથે તેણે જિમી ઍન્ડરસન (૧૧ વાર)ને પાછળ રાખી દીધો છે. જોકે વૉર્નરને સૌથી વધુ વાર આઉટ કરવાનો રેકૉર્ડ ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રૉડના નામે છે. તેણે ૧૨ વાર ટેસ્ટમાં અને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૫ વાર આઉટ કર્યો છે. અશ્વિનના બીજા ફૅવરિટ શિકારમાં ઍલિસ્ટર કુક છે જેને ૯ વાર આઉટ કર્યો છે.

૧૨ વર્ષ પહેલાં ૯૪ રનની લીડ છતાં હાર્યું હતું ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયાએ ઘરઆંગણે પહેલી ઇનિંગ્સમાં લીડ લીધી હોય છતાં હાર્યું હોય એવું ૧૨ વર્ષ પહેલાં બન્યું હતું. ત્યારે સાઉથ આફ્રિકા સામે પર્થ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં ૯૪ રનની લીડ લીધી હતી હોવા છતાં એ મૅચમાં એણે હાર જોઈ હતી. યોગાનુયોગ આ મૅચમાં પણ ઑસ્ટ્રેલિયાએ ૯૪ રનની લીડ લીધી છે.

૧૩ વર્ષ બાદ એક ઇનિંગ્સમાં ત્રણ રનઆઉટ

હનુમા વિહારી, અશ્વિન અને બુમરાહે ગઈ કાલે રનઆઉટ થઈને દાટ વાળ્યો હતો અથવા વિકેટ દાનમાં આપી દીધી હતી. એક ઇનિંગ્સમાં ત્રણ કે એથી ખેલાડીઓ રનઆઉટ થવાનું ભારતનું આ સાતમું કારસ્તાન હતું. છેલ્લે ૨૦૦૮માં  ઇંગ્લૅન્ડ સામે મોહાલી ટેસ્ટમાં વીરેનન્દર સેહવાગ, વીવીએસ લક્ષ્મણ અને યુવરાજ સિંહ રનઆઉટ થયા હતા. પાકિસ્તાન સામે એક ઇનિંગ્સમાં ભારતના સૌથી વધુ ચાર બૅટ્સમેનો રનઆઉટ થયા છે. અેક ઇનિંગ્સમાં ત્રણ કે વધુ બૅટ્સમેનો રનઆઉટમાં ગુમાવવાનો સૌથી વધુ આઠ વારનો રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના નામે છે. ભારત હવે સાતમી વારના કારનામા સાથે એની નજીક પહોંચી ગયું છે.

ડબલ ટ્રબલ, જાડેજા-પંત ઇન્જર્ડ

ભારતીય ટીમને ગઈ કાલે મૅચ પરની પકડ ગુમાવવા ઉપરાંત બે ખેલાડીઓની ઇન્જરીને લીધે જબરો ઝટકો લાગ્યો હતો. બૅટિંગ કરતી વખતે રિષભ પંતને કોણીમાં અને જાડેજાને હાથના અંગૂઠામાં ઇન્જરી થતાં ટીમની મુશ્કેલી વધી ગઈ છે. બન્ને પ્લેયર્સ બીજી ઇનિંગ્સમાં ફીલ્ડિંગ કરવા મેદાનમાં નહોતા ઊતર્યા. રિષભ પંતના સ્થાને વૃદ્ધિમાન સહાએ કીપિંગ કર્યું હતું અને જાડેજાની જગ્યાએ મયંક અગરવાલે ફીલ્ડિંગ કરી હતી. બન્ને ખેલાડીઓની ઇન્જરી કેટલી ગંભીર છે એ જાણવા સ્કૅન માટે તેમને હૉસ્પિટલમાં મોકલવામં આવ્યા હતા. જો બન્ને બીજી ઇનિંગ્સમાં બૅટિંગ નહીં કરી શકે તો ભારત માટે મુશ્કેલ થઈ શકે છે.

ભારત આ સિરીઝમાં ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને લોકેશ રાહુલને ઇન્જરીને લીધે ગુમાવી ચૂકી છે. જો આ બન્નેની ઇન્જરી ગંભીર હશે તો આ ટેસ્ટ ઉપરાંત ચોથી ટેસ્ટ માટે ટીમ સામે ફિટ અને મજબૂત પ્લેઇંગ ઇલેવન બનાવવી અઘરી પડશે.

જેન મૅક્‍ગ્રા ડેનું સેલિબ્રેશન

સિડની ટેસ્ટનો ત્રીજો દિવસ દર વખતે જેન મૅક્‍ગ્રા ડે તરીકે મનાવાય છે. ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન પેસબોલર ગ્લૅન મૅક્‍ગ્રાની પત્ની જેનનું ૨૦૦૮માં બ્રેસ્ટ કૅન્સરથી મૃત્યુ થયું હતું. ત્યાર બાદ બ્રેસ્ટ કૅન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા સિડની ટેસ્ટ પિન્ક ટેસ્ટ તરીકે ઊજવાય છે. ટેસ્ટના ત્રીજા દિવસે બધું જ પિન્ક કલરનું જોવા મળે છે. દરેક ખેલાડીઓનું પિન્ક કૅપ પહેરાવીને સન્માન કરવામાં આવે છે અને કૅપનું પછી ઑક્શન થાય છે. આ મૅચનાં મળનારો નફો મૅક્‍ગ્રા ફાઉન્ડેશનને દાનમાં આપી દેવામાં આવે છે. મૅક્‍ગ્રા ફાઉન્ડેશને આ વખતે વધુ પ્રેક્ષકોને મેદાનમાં આવવાની અનુમતિ ન હોવાથી વર્ચ્યુઅલ પિન્ક સીટનું લૉન્ચ કરવામાં આવ્યું હતું અને લોકોને આ સીટ બુક કરાવીને આ અભિયાનમાં સાથ-સહકાર આપવાની અપીલ કરવામાં આવી હતી, જેને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો હતો અન ૭૦,૦૦૦ સીટ બુક થઈ હતી અને આમાં ૫.૬૫ કરોડ રૂપિયા ફાઉન્ડેશનને મળ્યા હતા.

સિડનીમાં ૧૪ વર્ષ બાદ ફરી મન્કીગેટ

ગઈ કાલની રમત દરમ્યાન જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે પ્રેક્ષકોએ ખરાબ વર્તન અને અભદ્ર ટિપ્પણી કરવાના મામલે ભારતીય ક્રિકેટ બોર્ડે મૅચ-રેફરીને ફરિયાદ કરી હતી. એક ન્યુઝ ચૅનલના અહેવાલ પ્રમાણે સિરાજ બાઉન્ડરીલાઇન પર ફીલ્ડિંગ કરતો હતો ત્યારે એક પ્રેક્ષકે તેની સાથે ખરાબ વર્તન કરીને તેને મન્કી કહ્યો હતો. જોકે બુમરાહ સાથે શું બન્યું હતું એ જાણી નહોતું શકાયું. દિવસની રમતના અંતે કૅપ્ટન રહાણે અને અન્ય સિનિયર ખેલાડીઓએ સિક્યૉરિટી ઑફિસર અને અમ્પાયર્સ સાથે મીટિંગ કરી હતી. અહેવાલ પ્રમાણે નશામાં ધૂત પ્રેક્ષકોના એક ગ્રુપે આવું વર્તન કર્યું હતું.

આ પ્રકરણને લીધે ખૂબ વગોવાયેલું ૧૪ વર્ષ જૂનું પ્રકરણ યાદ આવી ગયું હતું. ૨૦૦૭-’૦૮ સિરીઝમાં સિડનીમાં જ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ઍન્ડ્રુ સાયમન્ડ્સ અને હરભજન સિંહ વચ્ચે ઝડપ થઈ હતી. આરોપ હતો કે સાયમન્ડ્સે ત્યારે ભજ્જીને મન્કી કહ્યો હતો એથી આ આખું પ્રકરણ ‘મન્કીગેટ’ તરીકે વગોવાયું હતું.

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2021 11:45 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK