ઑસ્ટ્રેલિયામાં ભારતીય પ્લેયરોને મળવાની લાલચ આપીને લોકો સાથે થઈ છેતરપિંડી

Published: 6th January, 2021 17:13 IST | Gujarati Mid-day Correspondent | Sydney

ખરેખર કોઈક દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી હતી

ક્રિકેટપ્રેમીઓ માટે ક્રિકેટનો આનંદ અને ક્રિકેટરોને મળવાનો અવસર કંઈક અનેરો જ હોય છે, પણ આ આનંદમાં ક્યારેક મુસીબત સર્જાઈ જાય છે. તાજેતરમાં સિડનીની એક ઇન્ડિયન રેસ્ટોરાં માટે એક મુશ્કેલી ઊભી થઈ હતી. વાસ્તવમાં રેસ્ટોરાંને ડર છે કે કેટલાક લોકોએ, જેમણે ભારતીય ટીમને મળવા અને તેમની સાથે જમવા માટે વ્યક્તિદીઠ ૫૫૦ ડૉલર ચૂકવ્યા હતા. તેઓ રાતે રેસ્ટોરાંના દરવાજે ઇન્ડિયન ક્રિકેટરોને મળવાની આશાએ આવીને ઊભા રહી જશે જે ખરેખર કોઈક દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી હતી.

અહેવાલ મુજબ છેતરપિંડી કરનારાએ છેલ્લી વન-ડે દરમ્યાન સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે પાર્ક કરેલી કાર પર એક ફ્લાયર છોડી દીધું હતું જેના પર લખ્યું હતું કે ‘પાંચમી જાન્યુઆરી, મંગળવારે સાંજે છથી સાડાદસ વાગ્યા દરમ્યાન મનજિત’સ વાર્ફ ખાતે ઇન્ડિયન ક્રિકેટ ટીમને મળો અને તેમનું અભિવાદન કરો.’ 

રેસ્ટોરાંના માલિકે જણાવ્યું હતું કે આ વાતને પ્રમોટ કરનારે ૫૦૦૦ ડૉલરની પૂરી ડિપોઝિટ નહોતી આપી અને મેન્યૂ, ડેકોરેશન તેમ જ ઇવેન્ટનો સમય નક્કી કરવા માટેની મીટિંગમાં હાજરી પણ નહોતી આપી.

ઉલ્લેખનીય છે કે જ્યારે પણ ભારતીય પ્લેયર્સ સિડની હોય છે ત્યારે આ જ રેસ્ટોરાંમાંથી તેમને માટે ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવતું હોય છે. રેસ્ટોરાંના માલિકને જ્યારે ખબર પડી કે જાહેરાત કરવામાં આવેલી તારીખે ભારતીય પ્લેયર્સ સિડનીમાં નથી ત્યારે નક્કી થઈ ગયું કે આ ઇવેન્ટ ઑર્ગેનાઇઝરે લોકો સાથે છેતરપિંડી કરી છે.

મનજિતના જનરલ મૅનેજર દીપ ગુજરાલે જણાવ્યા પ્રમાણે આ વાતની જાણ પોલીસને અને ઑસ્ટ્રેલિયન કૉમ્પિટિશન ઍન્ડ કન્ઝ્યુમર કમિશનના સ્કૅમવૉચ સર્વિસને કરી દેવામાં આવી છે. ગુજરાલે કહ્યું કે ‘મને નથી ખબર કે હવે આગળ શું કરવું જોઈએ. હું ધારું છું ત્યાં સુધી અંદાજે ૨૦૦ જેટલા લોકો ભેગા થઈ શકે છે, પણ શું ખબર કેટલા લોકો દરવાજે આવીને ઊભા રહેશે.’

નોંધનીય છે કે ન્યુ સાઉથ વેલ્સ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જેમણે એ છેતરપિંડી કરનારાને નાણાં ચૂકવ્યાં છે તેમને પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. સંભવતઃ છેતરપિંડી કરનાર ઑસ્ટ્રેલિયાનો વતની હોઈ શકે છે. 

આ પ્રકારની ઘટના બાયો-સિક્યૉરિટી પ્રોટોકોલનું ઉલ્લંઘન કરી શકે છે એમ વિચારીને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ પ્લેયરોની સિક્યૉરિટી ચુસ્ત કરી દીધી હતી. જોકે તેમને પછીથી ખબર પડી હતી કે આ ફ્લાયર દ્વારા કરવામાં આવેલી જાહેરાત ખોટી છે. વળી મનજિતે પણ ફેસબુક-પેજ પર એક નાખુશ ગ્રાહકની માફી માગી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK