Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ-અટૅકથી નિધન

પંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ-અટૅકથી નિધન

17 January, 2021 01:50 PM IST | Vadodara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ-અટૅકથી નિધન

પંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ-અટૅકથી નિધન


ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું ગઈ કાલે વડોદરાસ્થિત પોતાના નિવાસસ્થાને હાર્ટ-અટૅકથી નિધન થયું હતું. તેઓ ૭૧ વર્ષના હતા. પિતાના નિધન બાદ સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં બરોડા ટીમ વતી રમી રહેલો કૅપ્ટન કૃણાલ બાયો-બબલમાંથી નીકળીને પોતાના પરિવાર પાસે પહોંચી ગયો છે, જ્યારે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની તૈયારી કરી રહેલો હાર્દિક પંડ્યા મુંબઈથી વડોદરા પહોંચી ગયો છે. ખેલજગતે પંડ્યા બ્રધર્સના પિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

આજે ક્રિકેટમાં પંડ્યા બ્રધર્સનો ડંકો વાગે એની પાછળ તેમના પિતા હિમાંશુભાઈનું ખૂબ મોટું બલિદાન અને યોગદાન હતું. આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં તેમણે ખૂબ પરિશ્રમ કરીને બન્ને પુત્રોને કાબેલ ક્રિકેટર બનાવ્યા હતા.



ખેલજગતે આપી શ્રદ્ધાંજલિ


પંડ્યા બ્રધર્સના પિતાના નિધન પર ખેલજગતની અનેક હસ્તીઓએ શોક પ્રગટ કર્યો હતો. શોક પ્રગટ કરતાં વિરાટ કોહલીએ કહ્યું કે ‘હાર્દિક અને કૃણાલના પિતાના નિધનના સમાચાર સાંભળીને ઘણું દુઃખ થયું. મેં તેમની સાથે અનેક વાર વાતો કરી હતી. તેઓ ઘણા આનંદી સ્વભાવના અને જીવનને ભરપૂર માણનારા માણસ હતા. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. તમે બન્ને ભાઈઓ સ્ટ્રૉન્ગ રહેજો.’

ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટ પ્લેયર ઇરફાન પઠાણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે ‘હું કાકાને પહેલી વાર મોતીબાગમાં મળ્યો હતો. પોતાનાં બાળકોને સારું ક્રિકેટ રમતા જોવા તેઓ ઘણી મહેનત કરતા હતા. મારી લાગણીઓ તમારા અને તમારા પરિવાર વતી છે. આ કપરા સમયને સહન કરવાની ઈશ્વર તમને શક્તિ આપે.’


બન્ને દીકરાઓને ક્રિકેટર બનાવવા માગતા હતા

કૃણાલ અને હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યાને ક્રિકેટની રમત ઘણી ગમતી હતી અને તેઓ પોતે ઇચ્છતા હતા કે બન્ને દીકરા ક્રિકેટર બને. તેઓ બન્ને ભાઈઓને મૅચ બતાવવા સ્ટેડિયમમાં પણ લઈ જતા હતા. આર્થિક સ્થિતિ નાજુક હોવા છતાં તેમણે બન્ને દીકરાઓને કિરણ મોરે ક્રિકેટ ઍકૅડેમીમાં ઍડ્મિશન અપાવડાવ્યું હતું. એક સમય હતો જ્યારે બન્ને ભાઈઓ પાસે ક્રિકેટની કિટ પણ નહોતી ત્યારે બરોડા ક્રિકેટ અસોસિએશને તેમને કિટ  ઉપલબ્ધ કરાવડાવી હતી.

એક મુલાકાતમાં હાર્દિક અને કૃણાલે સ્વીકાર્યું હતું કે તેમના જીવનમાં એક સમય એવો પણ હતો જ્યારે તેમણે માત્ર મૅગી ખાઈને દિવસ પસાર કર્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને લીધે પંડ્યા પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો આવવા લાગ્યો હતો.

પિતાને આપવા માગતા હતા દરેક સુખ

હિમાંશુ પંડ્યા ગુજરાતના સુરત શહેરમાં ફાઇનૅન્સનો બિઝનેસ કરતા હતા, પણ બાળકોને ક્રિકેટનનું સારું કોચિંગ મળે એ માટે તેઓ પરિવાર સાથે ૧૯૯૮માં સુરતથી વડોદરા શિફ્ટ થયા હતા. હાર્દિક અને કૃણાલ સફળ થયા બાદ બન્ને ભાઈઓ તેમના પિતાને દરેક પ્રકારનું સુખ આપવા માગતા હતા. વન-ડે બાદ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પહેલી સેન્ચુરી ફટકાર્યા બાદ હાર્દિકે શ્રીલંકાથી પિતાને સરપ્રાઇઝ આપી હતી. આ ઉપરાંત હિમાંશુભાઈને અમદાવાદમાં પસંદ આવેલી લાલ રંગની જીપ્સી પણ હાર્દિકે સ્પેશ્યલ નંબર-પ્લેટ સાથે ખરીદી આપી હતી.

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2021 01:50 PM IST | Vadodara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK